ગાંધીનગરના સેક્ટર 8માં રહેતા નિવૃત્ત શિક્ષિકા સાથે બની લાલબત્તી સમાન ઘટના. ફેક CBI ઓફિસર બની ગઠિયાઓએ 28 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખી 99 લાખ પડાવ્યા. જાણો સાયબર ગઠિયાઓની મોડસ ઓપરેન્ડી.

ગાંધીનગર, સોમવાર
સાયબર ક્રાઈમના બનાવોમાં હવે ડિજિટલ અરેસ્ટ નામનો નવો અને ખતરનાક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના સેક્ટર 8માં રહેતા એક 65 વર્ષીય નિવૃત્ત શિક્ષિકા આ મોડસ ઓપરેન્ડીનો ભોગ બન્યા છે. ભેજાબાજ ગઠિયાઓએ તેમને CBI અને ક્રાઈમ બ્રાન્ચના અધિકારી બનીને ડરાવ્યા હતા અને સતત 28 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ રાખીને કટકે-કટકે કુલ 99 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ કિસ્સો જાણવો દરેક નાગરિક માટે ચેતવણી સમાન છે.
અજાણ્યા ફોનથી શરૂ થયો ખેલ
ગાંધીનગરના સેક્ટર 8માં રહેતા આ નિવૃત્ત શિક્ષિકાના પતિ અને મોટો દીકરો સિંગાપુરમાં રહે છે, જ્યારે નાનો દીકરો અહીં પ્રાઈવેટ જોબ કરે છે. ગત 16 જાન્યુઆરીના રોજ શિક્ષિકા પર એક અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે ધમકીભર્યા સૂરે કહ્યું કે, “તમારા નામે એક બીજું સિમકાર્ડ લેવામાં આવ્યું છે અને તે નંબર પરથી લોકોને ધમકીઓ અપાઈ રહી છે.” આ સાંભળીને શિક્ષિકા ગભરાઈ ગયા હતા.
CBI ઓફિસરની એન્ટ્રી અને ખોટા કેસનો ડર
વાત અહીં અટકી ન હતી. ગઠિયાઓએ કોન્ફરન્સ કોલ પર અજય ગુપ્તા નામના વ્યક્તિ સાથે વાત કરાવી, જેણે પોતાની ઓળખ CBI ઓફિસર તરીકે આપી હતી. આ નકલી અધિકારીએ શિક્ષિકાને ડરાવતા કહ્યું કે, તમારું બેંક એકાઉન્ટ નરેશ ગોહેલ નામના મની લોન્ડરિંગના આરોપી સાથે જોડાયેલું છે.
શિક્ષિકાને વિશ્વાસમાં લેવા અને વધુ ડરાવવા માટે ગઠિયાઓએ વોટ્સએપ પર સુપ્રીમ કોર્ટનો નકલી ઓર્ડર, ધરપકડ વોરંટ અને ઇન્ટરોગેશન રેકોર્ડ જેવા બનાવટી દસ્તાવેજો મોકલ્યા હતા. આ જોઈને વૃદ્ધા અત્યંત ભયભીત થઈ ગયા હતા.
28 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ
સાયબર ગઠિયાઓએ શિક્ષિકાને એટલી હદે માનસિક દબાણમાં લીધા હતા કે તેમને ઘરની બહાર નીકળવા કે કોઈની સાથે વાત કરવા પણ મનાઈ ફરમાવી હતી. તેમને દર 2-2 કલાકે પોતે સેફ છે, તેવો મેસેજ કરવા મજબૂર કરવામાં આવ્યા હતા. આ રીતે એક જ ઘરમાં તેમને 28 દિવસ સુધી કેદ જેવી સ્થિતિમાં એટલે કે ડિજિટલ અરેસ્ટ રાખવામાં આવ્યા હતા.
વેરિફિકેશનના બહાને 99 લાખ પડાવ્યા
દરમિયાન, ગઠિયાઓએ કહ્યું કે તમારા બેંક ખાતાની તપાસ કરવી પડશે. વેરિફિકેશન માટે તમારે રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે, જે તપાસ પૂરી થયા બાદ પરત મળી જશે. ગભરાયેલા શિક્ષિકાએ તેમની વાતોમાં આવીને તારીખ 5 ફેબ્રુઆરીથી 13 ફેબ્રુઆરી દરમિયાન પોતાના SBI અને પોસ્ટ ઓફિસના ખાતામાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 99 લાખ રૂપિયા ગઠિયાઓના ખાતામાં RTGS કરી દીધા હતા.
છેતરાયાનો અહેસાસ અને પોલીસ ફરિયાદ
લાખો રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ પણ દિવસો સુધી નાણાં પરત ન આવતા શિક્ષિકાને શંકા ગઈ હતી. આખરે પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા તેમણે તાત્કાલિક સાયબર હેલ્પલાઈન નંબર 1930 પર સંપર્ક કર્યો હતો. ત્યારબાદ આ સમગ્ર મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે હાલ આ ભેજાબાજોને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.











