NRI પતિનો કારસો: પત્ની અમેરિકામાં હતી ને પતિએ અહીં ફેક ડિવોર્સ લઈ બીજા લગ્ન કરી લીધા, પત્નીના નામે રહેલી કરોડોની જમીન પણ સગેવગે!

ગાંધીનગરના કલોલમાં NRI પતિએ પત્નીની જાણ બહાર કોર્ટના ખોટા ડિવોર્સ પેપર બનાવી બીજા લગ્ન કર્યા અને કરોડોની મિલકત બીજી પત્નીના નામે કરી દીધી. જાણો આખરે ભાંડો કેવી રીતે ફૂટ્યો.

ગાંધીનગર, સોમવાર
લગ્નજીવનમાં વિશ્વાસ એ સૌથી મોટો પાયો હોય છે, પણ જ્યારે એક NRI પતિ લાલચમાં આવીને પોતાની જ પત્ની અને બાળકો સાથે દગો કરે ત્યારે સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જાય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો કલોલ તાલુકાના મોખાસણ ગામથી સામે આવ્યો છે. અહીં અમેરિકાની નાગરિકતા ધરાવતા એક પતિએ પત્ની અમેરિકા હોવાનો ગેરલાભ ઉઠાવી, ગાંધીનગર કોર્ટના છૂટાછેડાના ખોટા કાગળો બનાવી લીધા. એટલું જ નહીં, તેણે બીજા લગ્ન પણ કરી લીધા અને કરોડોની સંપત્તિમાં બીજી પત્ની અને દીકરીનું નામ ચડાવી દીધું. આખરે આ મામલે કલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

અમેરિકાના સપના અને સંબંધોમાં તિરાડ
મૂળ કલોલના મોખાસણ ગામના અને હાલ અમેરિકાની સિટિઝનશિપ ધરાવતા સુધાબેન પટેલના લગ્ન 1985માં અશોક પટેલ સાથે થયા હતા. લગ્નના થોડા વર્ષો બાદ 1991માં અશોકભાઈ કમાવવા માટે અમેરિકા ગયા અને 1995માં સુધાબેન પણ ત્યાં સ્થાયી થયા. શરૂઆતમાં બધું બરાબર હતું, પણ થોડા સમયમાં સુધાબેનને જાણ થઈ કે તેમના પતિના અન્ય સ્ત્રીઓ સાથે અનૈતિક સંબંધો છે. આ બાબતે ઝઘડા થતા સુધાબેન તેમના બે બાળકોને લઈને પતિથી અલગ રહેવા લાગ્યા હતા.

સાસુએ વહુના નામે મિલકત કરી હતી
સુધાબેનને 2008માં ગ્રીનકાર્ડ મળી ગયું હતું, જેથી તેઓ અવારનવાર ભારત આવતા-જતા હતા. સુધાબેનના સ્વભાવથી ખુશ થઈને તેમના સાસુ મેનાબેને ડાંગરવા ગામમાં આવેલી તેમની વડિલોપાર્જિત જમીન વહુ સુધાબેનના નામે લખી આપી હતી. સાસુના આ નિર્ણયથી સંપત્તિ સુધાબેનના નામે થઈ ગઈ હતી, પણ પતિ અશોકની નજર આ મિલકત પર હતી.

તલાટી ઓફિસમાં ગયો ત્યારે ભાંડો ફૂટ્યો
વર્ષ 2025માં સુધાબેન તેમના ભાઈના ઘરે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ભારત આવ્યા હતા. આ દરમિયાન તેઓ ડાંગરવા ગામના તલાટીને મળવા ગયા હતા, કારણ કે તેમને બે મકાનનો વેરો ભરવો હતો અને મિલકતમાં પોતાના બાળકોના નામ ઉમેરવા હતા. જ્યારે તલાટીએ રેકોર્ડ તપાસ્યો ત્યારે સુધાબેનના પગ નીચેથી જમીન સરકી ગઈ.

રેકોર્ડમાં બોલતું હતું કે, આ મિલકતમાં અશોકભાઈએ પોતાની બીજી પત્ની દેવ્યાનીબેન અને તેમની દીકરીનું નામ 30 May 2025ના રોજ વારસાઈમાં દાખલ કરાવી દીધું છે. પતિએ પોતાની હયાત પત્ની અને સગા દીકરાને બાકાત રાખી મિલકત બારોબાર સગેવગે કરવાનો કારસો રચ્યો હતો.

કોર્ટના રેકોર્ડમાં ડિવોર્સનો કોઈ હુકમ જ નથી!
સૌથી મોટો ખુલાસો ત્યારે થયો જ્યારે અશોકભાઈએ રજૂ કરેલા ડિવોર્સના ડોક્યુમેન્ટની તપાસ કરાઈ. અશોકભાઈએ તલાટી સમક્ષ એવા કાગળો રજૂ કર્યા હતા કે 1996-97માં જ તેમના અને સુધાબેનના છૂટાછેડા થઈ ગયા છે. સુધાબેને આ અંગે ગાંધીનગર અને અમદાવાદ કોર્ટમાં તપાસ કરાવી તો ચોંકાવનારી વિગતો સામે આવી.

અશોકભાઈએ જે ડિક્રી નંબર (H.M.P No 117/1996) બતાવ્યો હતો, તેવો કોઈ હુકમ કોર્ટના ચોપડે બોલતો જ નથી. જે સમયે ડિવોર્સ લીધાનું કહેવાયું છે, તે સમયે સુધાબેન ભારતમાં હાજર જ નહોતા, તો ડિવોર્સ કેવી રીતે થાય?

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ પતિ અશોક પટેલે માત્ર બીજા લગ્ન જ નથી કર્યા, પરંતુ પોતાના સગા દીકરાનું નામ પણ પેઢીનામામાંથી કમી કરાવી દીધું છે. સરકારી કચેરીમાં ખોટા દસ્તાવેજોને સાચા તરીકે રજૂ કરી છેતરપિંડી આચરી હોવાથી સુધાબેને કલોલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિશ્વાસઘાત, છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો ઉભા કરવા બદલ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!