ગુજરાતના ડ્રાઈવરો માટે સારા સમાચાર: 20 નવેમ્બરથી અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં ભારત ટેક્સીનું ટ્રાયલ, કમિશન નહીં આપવું પડે!

કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત ભારત ટેક્સી 20 નવેમ્બરથી અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં ટ્રાયલ બેઝ પર શરૂ થઈ રહી છે. ડ્રાઇવરોને હવે કમિશન નહીં આપવું પડે, જેનાથી તેમની સંપૂર્ણ કમાણી તેમના ખિસ્સામાં જશે. મુસાફરો માટે પણ ભાડા ઘટી શકે છે. જાણો આ ક્રાંતિકારી સહકારી ટેક્સી સેવાની સંપૂર્ણ વિગતો.

અમદાવાદ, રવિવાર
ખાનગી કેબ એગ્રીગેટર કંપનીઓની ઊંચા કમિશનની નીતિ અને ગ્રાહકો પાસેથી લેવાતા મનસ્વી ભાડાથી પરેશાન ડ્રાઇવરો અને મુસાફરો માટે કેન્દ્ર સરકારે એક મોટો અને ક્રાંતિકારી વિકલ્પ તૈયાર કર્યો છે. કેન્દ્રીય સહકાર મંત્રાલયના નેતૃત્વ હેઠળ, દેશની પહેલી સહકારી ટેક્સી સેવા ભારત ટેક્સી આગામી 20 નવેમ્બરથી ગુજરાતના ત્રણ મહત્ત્વના શહેરો અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં ટ્રાયલ બેઝ પર શરૂ થવા જઈ રહી છે.

આ પ્લેટફોર્મનો વિકાસ કેન્દ્રીય સહકાર મંત્રાલય અને રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

ડ્રાઇવરો બનશે સહ-માલિક, કમિશન નહીં આપવું પડે
ભારત ટેક્સીની સૌથી મોટી અને આકર્ષક વિશેષતા એ છે કે તે નો કમિશન મોડેલ પર કામ કરશે. હાલમાં ખાનગી કેબ કંપનીઓમાં ડ્રાઇવરોએ પોતાની મહેનતની કમાણીમાંથી લગભગ 25% જેટલો મોટો હિસ્સો કમિશન તરીકે કંપનીને આપી દેવો પડે છે. તેની સામે, ભારત ટેક્સીમાં ડ્રાઇવર્સ માત્ર એક નક્કી કરેલી મામૂલી ફી ચૂકવશે, અને તેમને વધારાનું કોઈ કમિશન આપવું નહીં પડે.

આનો સીધો અર્થ એ છે કે, દરેક સવારીની સંપૂર્ણ કમાણી ડ્રાઇવર્સના ખિસ્સામાં જશે. આ પ્લેટફોર્મમાં ડ્રાઇવર્સને માત્ર આર્થિક સશક્તિકરણ મળશે એટલું જ નહીં, પણ તેમને સારથી નામ આપીને તેમનું સન્માન પણ વધારવામાં આવશે, કારણ કે તેઓ આ સહકારી પ્લેટફોર્મના સહ-માલિકો પણ હશે.

મુસાફરોને મળશે ભરોસાપાત્ર અને સસ્તું ભાડું
હાલની કેબ સેવાઓમાં ઊંચા ભાડા, પીક અવર્સમાં અચાનક થતી ભાવ વધારો (સર્જ પ્રાઇસિંગ) અને મુસાફરોની સલામતીના પ્રશ્નો જેવી અનેક ફરિયાદો સામાન્ય છે.

ભારત ટેક્સીનો મુખ્ય ઉદ્દેશ્ય આ બધી સમસ્યાઓ દૂર કરીને મુસાફરોને વધારે ભરોસાપાત્ર અને પોસાય તેવી રાઇડ પૂરી પાડવાનો છે. કમિશન મોડેલ ન હોવાથી, એવી પૂરી સંભાવના છે કે કાર રેન્ટ ઘટી શકે છે, જેનો સીધો ફાયદો ગ્રાહકોને થશે. આ ઉપરાંત, આ સેવામાં મહિલા ડ્રાઇવર્સને પણ જોડીને મહિલા સુરક્ષાના મુદ્દાને પણ મહત્ત્વ આપવામાં આવશે.

ગુજરાતમાં ઝડપી શરૂઆત માટે સરકારી તંત્ર તૈયાર
ગુજરાતમાં આ ક્રાંતિકારી સેવા શરૂ કરવા માટે રાજ્યના સહકાર વિભાગ દ્વારા રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં જરૂરી કેબ એગ્રીગેટર લાયસન્સ લેવાની પ્રક્રિયાઓ શરૂ કરી દેવામાં આવી છે. સરકારનું લક્ષ્ય ઝડપથી આ લાયસન્સ મેળવીને રાજ્યમાં આર્થિક અને સામાજિક રીતે સશક્તિકરણ કરતી ટેક્સી સેવાનો પ્રારંભ કરવાનો છે.

નોંધનીય છે કે આ પાયલોટ પ્રોજેક્ટ ડિસેમ્બરમાં દિલ્હી ખાતે લગભગ 650 જેટલા ડ્રાઇવર્સ સાથે શરૂ થવા જઈ રહ્યો છે. આ સફળ ટ્રાયલ પછી દેશના અન્ય ભાગોમાં પણ આ સેવાનો ઝડપી વિસ્તાર કરવામાં આવશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!