પત્ની સુનિતાના હાલના કેટલાક વિવાદાસ્પદ ઈન્ટરવ્યૂ ગોવિંદાનું નામ ફરી ચર્ચામાં લાવવાનો પ્રયાસ : ગોવિંદાએ પોતાની ફિલ્મ ‘દુનિયાદારી’ની જાહેરાત કરી

મુંબઇ, ગુરુવાર : છ વર્ષના લાંબા વિરામ બાદ બોલીવૂડના લેજેન્ડરી એક્ટર ગોવિંદા ફિલ્મ ‘દુનિયાદારી’ સાથે ફરી બિગ સ્ક્રીન પર કમબેક કરવાની તૈયારીમાં છે. તાજેતરમાં તેણે પોતાની નવા લૂકની તસવીરો અને એક વિડીયો દ્વારા કમબેકની જાહેરાત કરી હતી. આ ફિલ્મ અંગે તેણે હાલમાં વધુ વિગતો જાહેર કરી નથી, પરંતુ તેની પત્ની સુનિતા દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ ઈન્ટરવ્યૂ અને પારિવારિક મુદ્દાઓની ચર્ચાઓએ તેને ફરી મીડિયાની હેડલાઈનમાં લાવી દીધો છે. છેલ્લે 2019માં ‘રંગીલા રાજા’માં નજર આવ્યો હતો અને હવે ‘દુનિયાદારી’થી તે ફરી રૂપેરી પડદા પર વિહરે તેવા સંકેતો છે.
છેલ્લા કેટલાક સમયથી ગોવિંદાની અંગત જિંદગી વિશે તેની પત્ની સુનિતા દ્વારા અપાઈ રહેલા વિવાદાસ્પદ ઈન્ટરવ્યૂ આ કમબેક પહેલાં ગોવિંદાનું નામ ચર્ચામાં આવે તે માટેના જ પ્રયાસોના ભાગ રુપે હોવાની અટકળો વ્યક્ત થઈ રહી છે. એ સિવાય છેલ્લા કેટલાંય વર્ષોથી ગોવિંદા શું કરે છે, ક્યાં છે તેની કોઈ નોંધ પણ લેતું ન હતું. થોડા સમય પહેલાં તેના પારિવારિક ઝઘડા ઉપરાંત જાતે ગોળી છૂટી જતાં ઈજાને કારણે તેનું નામ સમાચારોમાં આવ્યું હતું. ગોવિંદાએ પોતે જ એક વિડીયો દ્વારા ફિલ્મની જાહેરાત કરી હતી. જોકે, તેણે ફિલ્મની વાર્તા કે કલાકારો વિશે કોઈ વિગતો આપી નથી. ગોવિંદાએ તાજેતરમાં નવા લૂક્સ સાથેની તેની તસવીરો શેર કરી હતી. તે પરથી તે કમબેકની તૈયારી કરી રહ્યો હોવાના સંકેત મળ્યા હતા. ગોવિંદા છેલ્લે ૨૦૧૯માં સિકંદર ભારતીના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ ‘રંગીલા રાજા’માં દેખાયો હતો.











