આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા, વહેલી સવારે મંગળા આરતી બાદ પહિંદવિધિ

 27 જૂન, 2025ના રોજ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ રહી છે. ખાસ કરીને અમદાવાદમાં 148મી રથયાત્રા પરંપરાગત ભવ્યતા સાથે નીકળી રહી છે

અમદાવાદ,ગુરૂવાર: આજે અષાઢ સુદ બીજ એટલે કે 27 જૂન, 2025ના રોજ સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ રહી છે. ખાસ કરીને અમદાવાદમાં 148મી રથયાત્રા પરંપરાગત ભવ્યતા સાથે નીકળી રહી છે. શહેરમાં ભગવાનના ભક્તો ‘જય રણછોડ, માખણચોર’ના નાદ સાથે ઉત્સાહભેર જોડાયા છે. ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી આજે નગરચર્યાએ નીકળ્યા છે. સમગ્ર યાત્રા પવિત્રતા, ભક્તિ અને લોકઉમંગથી ભરેલી રહી છે.

અમદાવાદ પોલીસ તંત્ર દ્વારા ભવ્ય અને જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. યાત્રામાર્ગમાં લાખો લોકો ઉમટી પડતા ટ્રાફિક અને વ્યવસ્થાને સરળ રાખવા માટે તંત્રએ સંપૂર્ણ આયોજન કર્યું છે. દર્શનાર્થીઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે આરોગ્ય, ટ્રાફિક અને પારો નિયંત્રણ સહિતની તમામ વ્યવસ્થાઓ સજ્જ રાખવામાં આવી છે.

આજે ભગવાન જગન્નાથે આભૂષણ અને સોનાનો મુગટ ધારણ કર્યો છે. ભગવાનના દરશન માટે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. નોંધનીય છે કે દર વર્ષે અષાઢ સુદ બીજના પવિત્ર દિવસે જગન્નાથજી નગરચર્યા પર નીકળે છે. ભગવાનના મોસાળ એવા સરસપુરમાં ભગવાનના માટે મામેરું યોજાય છે. અહીં ભગવાન સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રાને ભોજન ધરાવવામાં આવે છે. સરસપુરની પોળમાં હજારો ભક્તો જમણવારમાં ભાગ લે છે અને ત્યારબાદ રથયાત્રા પરત મંદિર તરફ પ્રયાણ કરે છે.

આ વર્ષે રથયાત્રા પહેલા જળયાત્રા અને નેત્રોત્સવ જેવી વિધિઓ ભક્તિભાવ સાથે સંપન્ન થઈ હતી. રથયાત્રામાં હાથી, ટેબ્લો, અખાડા, વેશભૂષા, ભજનમંડળીઓ વગેરે ખાસ આકર્ષણ બન્યા છે. રથયાત્રામાં દેશના વિવિધ ભાગોમાંથી લગભગ અઢી હજારથી વધુ સાધુ-સંતોએ હાજરી આપી છે.

રથયાત્રાના મુખ્ય કાર્યક્રમોની શરૂઆત સવારે 4 વાગ્યે મંગળા આરતીથી થઈ હતી. બાદમાં રાસ-ગરબા કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભગવાનનું મનગમતું આદિવાસી નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યું. સવારે 7 વાગ્યે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પરંપરાગત પહિંદવિધિ આપી.

આવર્ષે ઇતિહાસમાં પ્રથમવાર ભગવાન જગન્નાથજીને ગુજરાત પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું છે. સવારે પહિંદ વિધિ પૂર્વે આ સન્માન આપવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં રથયાત્રાની શરુઆત પહેલાં ક્યારેય એવું કરવામાં આવ્યું નહતું.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!