સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. આ સાથે જ હવામાન વિભાગે આગામી 2 જુલાઈ સુધી સમગ્ર રાજ્ય માટે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે

અમદાવાદ,ગુરૂવાર: ગુજરાતમાં મેઘમહેરનો માહોલ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થઇ ગયો છે. આ સાથે જ હવામાન વિભાગે આગામી 2 જુલાઈ સુધી સમગ્ર રાજ્ય માટે ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગના તાજેતરના અપડેટ પ્રમાણે, આજે એટલે કે 26 જૂનના રોજ રાજ્યના 29 જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. ત્યારે આવતીકાલે એટલે કે 27 જૂને 28 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે કઈ જગ્યાએ કેટલા એલર્ટ જાહેર કર્યા છે એ જાણવું મહત્વપૂર્ણ છે.હવામાન વિભાગ દ્વારા મળેલી માહિતી અનુસાર આજે ગુરુવારે રાત્રે 10 વાગ્યાથી મધરાતના 1 વાગ્યા સુધી બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયો છે. આ જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદ સાથે ગાજવીજની પણ શક્યતા દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગે 27 જૂન માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યા છે. ઓરેન્જ એલર્ટ હેઠળ આવતા જિલ્લાઓમાં કચ્છ, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરનો સમાવેશ થાય છે. જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહેસાણા અને ગાંધીનગર જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.28 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ભારે વરસાદની તીવ્રતા વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તે દિવસે કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ રહેશે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી અને વલસાડ જેવા વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
આગામી દિવસોમાં પવનની તીવ્રતા, વીજળી પડવાની ઘટનાઓ અને ઘનઘોર વરસાદની શક્યતા હોવાથી નાગરિકોએ ખાસ સતર્ક રહેવું જરૂરી છે. શહેરોમાં પાણી ભરાવા, ટ્રાફિક સમસ્યા અને વિજ પુરવઠા ખોરવાઈ શકે છે, જેના કારણે તંત્ર દ્વારા પૂર્વ તૈયારી તેમજ તકેદારી રાખવા આહવાન કરાયું છે. ખેડૂતોએ ખેતી અને પાકને નુકસાનથી બચાવ માટે જરૂરી પગલાં લેવા સૂચવવામાં આવ્યાં છે. તેમજ નદી-નાળાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં રહેવાસી લોકો માટે પણ તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે.આમ, આગામી છ દિવસ ગુજરાત માટે વરસાદી રીતે અત્યંત મહત્વના રહેશે અને તંત્ર દ્વારા સતત સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. નાગરિકો માટે સલાહ છે કે તેઓ હવામાન વિભાગની સૂચનાઓ અનુસરે અને સાવચેતી રાખે.











