ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “ATS દ્વારા અલ-કાયદા ઇન્ડિયન સબકૉન્ટિનેન્ટ (AQIS)ના પ્રથમ ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદ, બુધવાર
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા મળી છે. થોડા દિવસો પહેલા અલ-કાયદા સાથે સંકળાયેલા ચાર આતંકવાદીઓની ધરપકડ બાદ, હવે આ આતંકી મોડ્યુલની મુખ્ય સુત્રધાર શમા પરવીનને બેંગલુરુથી દબોચી લેવામાં આવી છે. આ ધરપકડ ગત અઠવાડિયે પકડાયેલા ચાર આતંકવાદીઓ પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે કરવામાં આવી છે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું?
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “ATS દ્વારા અલ-કાયદા ઇન્ડિયન સબકૉન્ટિનેન્ટ (AQIS)ના પ્રથમ ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. મંગળવારે ગુજરાત ATSને વધુ એક મોટી સફળતા મળી છે. બેંગલુરુની આ મહિલા આતંકી ખાસ કરીને ખૂબ જ રેડિકલાઇઝ્ડ છે અને ઓનલાઈન ટેરર મોડ્યુલ પર કામ કરતી હતી. તેના મહત્વના પાકિસ્તાની સંપર્કો પણ સામે આવ્યા છે અને તેના વિવિધ ડિવાઇસમાંથી પણ મહત્વની માહિતી મળી છે. ગુજરાત ATSની આ પોલીસિંગના માધ્યમથી પાંચ મહત્વના ઓનલાઈન ટેરર મોડ્યુલ પર કામ કરતા અલ-કાયદા ઇન્ડિયન સબકૉન્ટિનેન્ટના આતંકવાદીઓને પકડવામાં સફળતા મળી છે.”
4 આતંકવાદીઓની ધરપકડ બાદ મળ્યા હતા સુરાગ
ઉલ્લેખનીય છે કે, ગુજરાત ATSએ થોડા દિવસો પહેલા AQIS મોડ્યુલનો પર્દાફાશ કરીને ચાર શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ ધરપકડો ગુજરાતમાંથી 2, દિલ્હી અને નોઈડાથી એક-એક કરવામાં આવી હતી. પકડાયેલા આતંકવાદીઓની ઉંમર 20 થી 25 વર્ષની વચ્ચે હતી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે આ આતંકવાદીઓને ભારતમાં મોટા ટાર્ગેટ અને મહત્વના સ્થળો પર હુમલો કરવાની જવાબદારી સોંપવામાં આવવાની હતી. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ચારેય આતંકવાદીઓ સોશિયલ મીડિયા એપ્સ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા અને તેમના સરહદ પારના લિંક્સ પણ સામે આવ્યા છે.
ATSનું સત્તાવાર નિવેદન
આતંકવાદ વિરોધી એજન્સીએ આ અંગે નિવેદન બહાર પાડતા કહ્યું હતું કે, “ગુજરાત ATSએ AQIS સાથે સંકળાયેલા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. આ પ્રતિબંધિત આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર લોકોને ધરપકડ કરવામાં આવી છે.” ATS ટૂંક સમયમાં આ ઓપરેશન અંગે વધુ વિગતો આપશે. નોંધનીય છે કે, વર્ષ 2023માં પણ આ આતંકી સંગઠન સાથે સંબંધ રાખવાના આરોપસર અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાંથી ચાર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી.











