આ વર્ષે ગુજરાતમાં પુષ્કળ વરસાદને કારણે ખરીફ પાકોનું રેકોર્ડબ્રેક વાવેતર થયું છે. 81 લાખ હેક્ટરથી વધુ જમીનમાં થયેલા વાવેતર અને કપાસ-મગફળીના પ્રોડક્શન અંગે વિગતવાર માહિતી મેળવો.

ગાંધીનગર, શનિવાર
આ વર્ષે ગુજરાતમાં સાર્વત્રિક અને સમયસર વરસાદને કારણે ખેડૂતોએ ખરીફ સીઝનમાં જોરદાર વાવેતર કર્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 85% થી વધુ નોંધાયો છે, જેના પરિણામે કુલ 81 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. આ આંકડો રાજ્યના કુલ 94% વાવેતર વિસ્તારને કવર કરે છે અને હજુ આગામી 15 દિવસમાં આ આંકડો 100% ને પાર થવાની શક્યતા છે.
કપાસ અને મગફળીનું વાવેતર સૌથી વધુ
ગુજરાત દેશભરમાં મગફળી અને કપાસના ઉત્પાદનમાં ટોપ પર છે, અને આ વર્ષે પણ ખેડૂતોએ આ બંને પાકો પર સૌથી વધુ ફોકસ કર્યો છે. કૃષિ વિભાગના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, અત્યાર સુધીમાં સૌથી વધુ આશરે 21.88 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં મગફળી અને ત્યારબાદ 20.71 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે.
ખાસ કરીને, મગફળીના વાવેતરમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે મગફળીનું વાવેતર સામાન્ય સરેરાશ 17.50 લાખ હેક્ટરની સરખામણીએ 125% સુધી પહોંચી ગયું છે, જે એક રેકોર્ડ છે.
અન્ય પાકોની સ્થિતિ
ઓવરઓલ તેલીબિયા પાકોની વાત કરીએ તો, ગયા વર્ષે આ સમયગાળામાં 27.69 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું, જ્યારે આ વર્ષે તે વધીને 30.46 લાખ હેક્ટર થયું છે. આ ઉપરાંત, અન્ય મહત્વના પાકોનું વાવેતર પણ નોંધપાત્ર પ્રમાણમાં થયું છે:
* ધાન્ય પાકો: 13.57 લાખ હેક્ટરથી વધુ
* કઠોળ પાકો: 4.13 લાખ હેક્ટરથી વધુ
* ઘાસચારો: 8.92 લાખ હેક્ટરથી વધુ
* શાકભાજી: 2.49 લાખ હેક્ટરથી વધુ
આ વર્ષે મગફળી, તુવેર, સોયાબીન અને ડાંગર જેવા પાકોનું વાવેતર છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ કરતાં 100% થી વધુ થયું છે. આ ડેટા બતાવે છે કે સારા ચોમાસાને કારણે ગુજરાતના ખેડૂતો માટે આ વર્ષ આર્થિક રીતે સારો સાબિત થઈ શકે છે.











