ગુજરાત સરકારનો મોટો નિર્ણય: સરકારી કચેરીઓમાં વીજ બચત માટે નવો નિયમ લાગુ, ACનું તાપમાન 24 ડિગ્રી રાખવું ફરજિયાત

સરકારે સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં વીજ બચત માટે મહાઅભિયાન શરૂ કર્યું છે. હવે ઓફિસોમાં AC નું તાપમાન 24 ડિગ્રી રાખવું પડશે અને 45 દિવસમાં GEDA ને રિપોર્ટ આપવો પડશે. જાણો નવા કડક નિયમોની પૂરી વિગત.

ગાંધીનગર, ગુરૂવાર
સરકારી કચેરીઓમાં ઊર્જા બચત માટે મેગા ડ્રાઇવની શરૂઆત, આજના સમયમાં વીજળીની બચત એ સમયની સૌથી મોટી માંગ છે. આ દિશામાં એક મોટું અને સકારાત્મક પગલું ભરતાં, રાજ્ય સરકારે તમામ સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં એક વ્યાપક વીજ બચત અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ ઝુંબેશ માત્ર સરકારી ઓફિસો પૂરતી સીમિત નથી, પરંતુ તમામ બોર્ડ-કોર્પોરેશનો અને જાહેર ઇમારતોને પણ તેમાં આવરી લેવામાં આવી છે. સરકારે ઊર્જા બચત અંગે નવી અને કડક માર્ગદર્શિકા બહાર પાડી છે, જેનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે.

AC અને લાઈટિંગ માટે કડક નિયમો
આ નવી માર્ગદર્શિકા અંતર્ગત રોજિંદા વીજ વપરાશમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે.

ACનું તાપમાન: હવેથી તમામ કચેરીઓમાં એસી (AC) નું તાપમાન ફરજિયાત 24 ડિગ્રી સેલ્સિયસ રાખવાનું રહેશે. આનાથી વીજળીનું મોટું બિલ બચાવી શકાશે.

સેન્સર સિસ્ટમ અને LED: ઓફિસોમાં વીજળીનો બગાડ અટકાવવા માટે ઓટોમેટિક સેન્સર્સ સીસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. જેથી રૂમમાં કોઈ ન હોય ત્યારે લાઈટ-પંખા જાતે જ બંધ થઈ જાય. આ ઉપરાંત, જૂની અને વધુ વીજળી ખેંચતી પરંપરાગત લાઈટોને હટાવીને તેની જગ્યાએ ઊર્જા બચાવતી LED લાઈટો લગાવવામાં આવશે.

નવી ખરીદીમાં 5-સ્ટાર રેટિંગને જ અપાશે પ્રાધાન્ય
સરકારી નાણાંનો સદુપયોગ થાય અને વીજળી બચે તે માટે ખરીદીના નિયમો પણ બદલાયા છે. ભવિષ્યમાં કચેરીઓ માટે જે પણ ઇલેક્ટ્રિક સાધનોની ખરીદી કરવામાં આવશે, તેમાં માત્ર 5-સ્ટાર રેટિંગવાળા સાધનોને જ પહેલી પ્રાથમિકતા આપવામાં આવશે.

સારું કામ કરનાર કચેરીને મળશે સન્માન
આ અભિયાનને પ્રોત્સાહન આપવા માટે સરકારે એક સરસ જાહેરાત પણ કરી છે. જે સરકારી કચેરી આ નિયમોનું ચુસ્તપણે પાલન કરશે અને વીજ બચતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરશે, તેને સરકાર દ્વારા ખાસ સન્માનિત કરવામાં આવશે. આનાથી કચેરીઓ વચ્ચે વીજળી બચાવવાની હકારાત્મક હરીફાઈ ઊભી થશે.

અમલીકરણ અને દેખરેખ માટે કડક માળખું
આ નિયમો માત્ર કાગળ પર ન રહી જાય તે માટે એક મજબૂત દેખરેખ (Monitoring) માળખું તૈયાર કરવામાં આવ્યું છે. તમામ વિભાગોને પોતાનો એનર્જી સેવિંગ ‘એક્શન પ્લાન’ રજૂ કરવા કડક સૂચના અપાઈ છે. દરેક કચેરીએ 45 દિવસની અંદર GEDA (ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી) માં પોતાનો રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. આટલું જ નહીં, દરેક વિભાગે પોતાના ઊર્જા વપરાશના ત્રિમાસિક (દર ત્રણ મહિને) અહેવાલો પણ ફરજિયાત મોકલવા પડશે. પારદર્શિતા જાળવવા માટે પ્રતિ વર્ષ થર્ડ-પાર્ટી એનર્જી ઓડિટ કરાવવું પણ ફરજિયાત બનાવી દેવાયું છે.

સરકારનો આ લેટેસ્ટ નિર્ણય પર્યાવરણ અને સરકારી તિજોરી બંને માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. ચોક્કસ એક્શન પ્લાન અને સતત મોનિટરિંગના કારણે આ ઝુંબેશ આગામી દિવસોમાં મોટા પાયે વીજળીની બચત કરશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!