રાજ્યના શિક્ષણ વિભાગે ચોમાસા પહેલા શાળાઓ અને હોસ્ટેલ માટે ‘સ્કૂલ સેફ્ટી ગાઈડલાઈન’ જાહેર કરી છે. જર્જરિત ઓરડા, ખુલ્લા વાયર અને વરસાદી સ્થિતિમાં બાળકોની સુરક્ષા માટે કડક આદેશ અપાયા છે.

ગાંધીનગર, ગુરૂવાર
રાજ્યમાં થોડા જ સમયમાં ચોમાસાની વિધિવત શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે વરસાદની સીઝનમાં શાળાએ જતા નાના ભૂલકાંઓની સુરક્ષાને લઈને રાજ્યનો શિક્ષણ વિભાગ અત્યારથી જ એક્શન મોડમાં આવી ગયો છે. શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ અને હોસ્ટેલ માટે ‘સ્કૂલ સેફ્ટી’ (School Safety) અંતર્ગત એક વિસ્તૃત અને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
આ પરિપત્ર મારફતે રાજ્યના તમામ DEO (જિલ્લા શિક્ષણાધિકારી), DPEO (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી) અને શાસનાધિકારીઓને આ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે. કોઈ પણ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે અગાઉથી જ તૈયારીઓ કરવા સૂચના અપાઈ છે.
શિક્ષણ વિભાગની નવી ગાઈડલાઈનના મુખ્ય મુદ્દાઓ:
જર્જરિત ઓરડાઓ પર પ્રતિબંધ: શાળામાં જો કોઈ રૂમ કે બિલ્ડીંગનો ભાગ જર્જરિત હોય, તો ત્યાં બાળકોને બિલકુલ બેસાડવા નહીં. આવી જગ્યાઓથી બાળકોને દૂર રાખવા અને ત્યાં સ્પષ્ટ દેખાય તેવા ભયજનક સૂચક બોર્ડ લગાવવા.
છત અને મેદાનની સફાઈ: ચોમાસા પહેલા શાળા અને હોસ્ટેલના ધાબા, છત અને મેદાનની યોગ્ય સફાઈ કરાવવી. પાણીના નિકાલની વ્યવસ્થા એવી રીતે કરવી કે કેમ્પસમાં વરસાદી પાણી ભરાય નહીં.
વીજળી અને ઇલેક્ટ્રિક વાયરિંગ: શાળામાં ખુલ્લા વાયરો કે અર્થિંગની કોઈ પણ સમસ્યા હોય તો તેને તાત્કાલિક રિપેર કરાવવી. શાળામાં માત્ર ISI માર્ક વાળા જ ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ કરવો. ઉપરાંત, MCB કે ELCB યોગ્ય રીતે કામ કરે છે કે નહીં તેની ચકાસણી કરી લેવી.
રજાઓ અંગેનો નિર્ણય: ભારે વરસાદ, અતિવૃષ્ટિ કે પૂર જેવી આપત્તિના સમયે આચાર્યએ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને શાળામાં રજા આપવા અંગે ત્વરિત નિર્ણય લેવો, જેથી બાળકો હેમખેમ પોતાના ઘરે પહોંચી શકે.
શિક્ષકો માટે હેડક્વાર્ટરના નિયમો: ચોમાસાની સીઝન દરમિયાન મુખ્ય શિક્ષક કે અન્ય શિક્ષકોએ TPEO ની પૂર્વ મંજૂરી લીધા વિના પોતાનું હેડક્વાર્ટર છોડવું નહીં.
ઇમરજન્સી કીટની વ્યવસ્થા: પૂર કે અન્ય ઈમરજન્સી સમયે કામ લાગે તે માટે શાળામાં ફર્સ્ટ એઈડ બોક્સ, જરૂરી દવાઓ, ટોર્ચ, સ્વચ્છ કપડાં અને પેક કરેલા નાસ્તા (ડ્રાય ફૂડ) સાથેની એક ઇમરજન્સી કીટ હંમેશા હાથવગી રાખવી.
બાંધકામ સ્થળે કડક નિયમો: જો શાળાના કેમ્પસમાં કોઈ નવું બાંધકામ ચાલી રહ્યું હોય, તો ત્યાં ફરજિયાત બેરિકેડિંગ (આડશ) મૂકવી. બાંધકામનો સામાન અલગ રાખવો જેથી બાળકોને રમવામાં કે અવરજવરમાં કોઈ અડચણ કે ઈજા ન પહોંચે.
ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર: આપત્તિના સમયે તાત્કાલિક મદદ મળી રહે તે માટે શાળાના નોટિસ બોર્ડ પર સ્થાનિક તલાટી, ડોક્ટર, ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સના નંબર અચૂક લખેલા હોવા જોઈએ.
ચોમાસામાં બાળકોની સલામતી એ સૌથી મોટી પ્રાથમિકતા છે. શિક્ષણ વિભાગનો આ પરિપત્ર દર્શાવે છે કે સરકાર સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનને લઈને ગંભીર છે. હવે આ માર્ગદર્શિકાનું જમીની સ્તર પર તમામ શાળાઓ દ્વારા 100 ટકા પાલન થાય તે જોવાની જવાબદારી સ્થાનિક તંત્ર અને શાળા સંચાલકોની રહેશે.











