ગુજરાતમાં મોન્સૂન ટ્રફ સહિતની સિસ્ટમ સક્રિય થતાં 8 અને 9 ઓગસ્ટે દક્ષિણ-મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.

રાજ્યમાં બફારા અને ઉકળાટની સ્થિતિ બાદ ફરી એકવાર મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ દરમિયાન પવનની ઝડપ પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટર સુધી રહેવાની આશંકા હોવાથી દરિયામાં વાવાઝોડા જેવી પરિસ્થિતિને ધ્યાને રાખી 7 ઓગસ્ટે માછીમારોને દરિયામાં ન જવાની સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે.
8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદનું જોર
હવામાનની હાલની વિગતો મુજબ, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિતની કુલ ત્રણ હવામાન પ્રણાલીઓ એકસાથે સક્રિય થઈ હોવાથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. આ કારણોસર 8 ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ વરસી શકે છે. જ્યારે 9 ઓગસ્ટના રોજ બનાસકાંઠા, વાવ-થરાદ સહિત ઉત્તર અને દક્ષિણ-મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ મુસળધાર વરસાદની શક્યતા હોવાથી હવામાન વિભાગ દ્વારા આ તમામ જિલ્લાઓ માટે યલો એલર્ટ જારી કરાયું છે.

ચાલુ સિઝનનો કુલ વરસાદ
ચોમાસાની આ સિઝનમાં 1 જૂનથી 7 ઓગસ્ટ સુધીમાં રાજ્યભરમાં સરેરાશ 25.08 ઇંચ (70.10%) વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જે સામાન્ય કરતાં 11 ટકા વધુ છે. વિસ્તાર વાઈઝ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 58.81 ઇંચ (96.87%) અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં 21.62 ઇંચ વરસાદ થયો છે. સૌરાષ્ટ્રમાં 16.38 ઇંચ અને ઉત્તર ગુજરાતમાં 14.78 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છમાં હજુ સુધી માત્ર 5.72 ઇંચ (29.05%) વરસાદ થતાં 15 ટકાની ઘટ જોવા મળી છે.
જળાશયોમાં પાણીની આવક
સારા વરસાદના પરિણામે રાજ્યના ડેમોમાં વિપુલ પ્રમાણમાં નવા પાણીની આવક થઈ છે. રાજ્યની મુખ્ય જળ યોજના સરદાર સરોવર ડેમ હાલ 81.01% ભરાઈ ગયો છે અને તેમાં સતત પાણી આવી રહ્યું છે. આ સિવાય રાજ્યના અન્ય 206 મુખ્ય જળાશયોમાં કુલ ક્ષમતાના 63.83% જળસંગ્રહ થયો છે. હાલમાં 26 ડેમ પૂરેપૂરા છલકાઈ ગયા છે, જ્યારે જળસંગ્રહની સ્થિતિને ધ્યાને રાખીને 37 ડેમને હાઈ એલર્ટ, 7 ડેમને એલર્ટ અને 11 ડેમને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.

વરસાદ લાવતી મુખ્ય સિસ્ટમો
ચોમાસામાં વ્યાપક વરસાદ લાવવા માટે ‘મોન્સૂન ટ્રફ’ સૌથી મહત્વનું માધ્યમ ગણાય છે, જે ઓછા દબાણની એક લાંબી પટ્ટી હોય છે અને તે અરબી સમુદ્ર તેમજ બંગાળની ખાડીના ભેજને ખેંચીને સાર્વત્રિક વરસાદ લાવે છે. બીજી તરફ, ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ એ ભૂમધ્ય સમુદ્ર તરફથી આવતી હવામાન પ્રણાલી છે, જે પશ્ચિમી જેટ સ્ટ્રીમ પવનો દ્વારા ભારતમાં પ્રવેશે છે અને વાતાવરણમાં મોટા પાયે ફેરફારો સર્જે છે.











