ગાંધીનગરમાં ૧૦મી ઓગસ્ટે ગ-૬ સર્કલથી અક્ષરધામ સુધી રાજ્યકક્ષાની તિરંગા યાત્રા યોજાશે, જેમાં CM ભૂપેન્દ્ર પટેલ અને ૨૫ હજારથી વધુ નાગરિકો જોડાશે.

આગામી સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવાના હેતુથી ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં રાજ્યકક્ષાની વિશાળ તિરંગા યાત્રાનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૧૦મી ઓગસ્ટના રોજ સવારના સમયે યોજાનારી આ ભવ્ય યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિવિધ મંત્રીઓ તથા અગ્રણી નેતાઓ વિશેષ રૂપે હાજરી આપશે. આ આયોજનમાં શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકો મળીને ૨૫ હજારથી વધુ લોકો ભાગ લેશે. કાર્યક્રમ કોઈ પણ વિઘ્ન વગર અને સંપૂર્ણ સુરક્ષા સાથે પૂર્ણ થાય તે માટે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજ વાસમ શેટ્ટીએ પોલીસ કાફલા સાથે સમગ્ર માર્ગની સમીક્ષા કરી હતી.
ગ-૬ સર્કલથી અક્ષરધામ સુધીનો રૂટ અને સુરક્ષા વ્યવસ્થા
કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ યોજાનારી આ યાત્રા ૧૦મી ઓગસ્ટે સવારે સેક્ટર-24ના ‘ગ-6’ સર્કલથી પ્રસ્થાન કરીને અક્ષરધામ (નમસ્તે સર્કલ) સુધી પહોંચશે. યાત્રા દરમિયાન કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, વીઆઈપી નેતાઓની સુરક્ષામાં કોઈ ખામી ન રહી જાય અને સ્થાનિક નાગરિકોને ટ્રાફિકની સમસ્યા ન નડે તે માટે જિલ્લા પોલીસ વડાએ રૂટ પર જાતે નિરીક્ષણ કર્યું હતું. તેમણે યાત્રાના પ્રારંભથી લઈને અંત સુધીના સમગ્ર માર્ગ પર વાહનોના ડાયવર્ઝન, પાર્કિંગની જગ્યાઓ, બેરિકેડિંગ અને ઈમરજન્સી એક્ઝિટની વ્યવસ્થાઓ ચકાસીને જરૂરી સૂચનાઓ આપી હતી.
કડક પોલીસ બંદોબસ્ત અને સીસીટીવીથી નિરીક્ષણ
ગાંધીનગર મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ તથા પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત રીતે તમામ તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. યાત્રામાં સામેલ થનારા હજારો લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ પહેરો તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત, સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવા માર્ગ પર સીસીટીવી કેમેરા અને વોચ ટાવર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. સ્વાતંત્ર્ય પર્વને દેશભક્તિના માહોલમાં ઉજવવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ જોશથી ચલાવવામાં આવી રહી છે.











