26 જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસે જાણો ગુજરાત પોલીસની ઐતિહાસિક કામગીરી. છેલ્લા 5 વર્ષમાં 13,600 કરોડનું ડ્રગ્સ જપ્ત કરી 5,346 આરોપીઓને જેલમાં ધકેલ્યા.

ગાંધીનગર, ગુરૂવાર
26 જૂન એટલે આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ. ગુજરાત રાજ્ય દેશમાં સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવે છે, ત્યારે રાજ્યને ડ્રગ ફ્રી બનાવવા માટે ગુજરાત પોલીસ કમર કસી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આક્રમક નેતૃત્વમાં પોલીસે ડ્રગ માફિયાઓની ઊંઘ હરામ કરી દીધી છે. આજે સ્થિતિ એવી છે કે ડ્રગ્સનો કાળો કારોબાર કરતા માફિયાઓ ગુજરાતના રસ્તેથી પોતાનો માલ અન્ય રાજ્યોમાં લઈ જતા પણ ધ્રૂજી રહ્યા છે. ગુજરાત પોલીસે માત્ર પોતાના જ રાજ્યના નહીં, પરંતુ અન્ય રાજ્યોના લાખો યુવાનોને નશાની ગર્તામાં ધકેલાતા બચાવ્યા છે.
5 વર્ષની ઐતિહાસિક કામગીરી: 13,600 કરોડનું ડ્રગ્સ જપ્ત
રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિકે પોલીસની કામગીરીના આંકડા આપતા જણાવ્યું છે કે, ગુજરાત સરકારે ડ્રગ્સ સામે કાગળ પર નહીં પણ જમીની સ્તર પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. છેલ્લા 5 વર્ષની અંદર ગુજરાત પોલીસે 3,700થી વધુ ગુના નોંધ્યા છે. આ દરમિયાન નશાના કાળા કારોબાર સાથે સંકળાયેલા 5,346 આરોપીઓને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. આ જ સમયગાળામાં પોલીસે ઇન્ટરનેશનલ સ્મગલિંગ નેટવર્કની કમર તોડતા 1.36 લાખ કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની બજાર કિંમત આશરે 13,600 કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે.
પોલીસ અને બાતમીદારો માટે ખાસ પ્રોત્સાહન
કોઈ પણ મોટી લડાઈ લડવા માટે સૈનિકોનો જુસ્સો હોવો જરૂરી છે. આ માટે ગુજરાત દેશનું પહેલું એવું રાજ્ય બન્યું છે જેણે સત્તાવાર રીતે ડ્રગ રિવોર્ડ પોલિસી અમલમાં મૂકી છે. આ પોલિસી હેઠળ ડ્રગ્સનું મોટું નેટવર્ક પકડનાર પોલીસ કર્મચારીઓ અને ચોક્કસ માહિતી આપનાર સામાન્ય બાતમીદારોને આર્થિક ઇનામ આપવામાં આવે છે. આ ઉપરાંત, પોતાના જીવના જોખમે ઇન્ટરનેશનલ ડ્રગ રેકેટનો પર્દાફાશ કરનાર પોલીસ અધિકારીઓ માટે ‘આઉટ ઓફ ટર્ન’ (સમય કરતા વહેલા) પ્રમોશન આપવાની ઐતિહાસિક નીતિ પણ લાગુ કરાઈ છે.

હાઈટેક ગુનેગારો સામે દેશનું પ્રથમ NARIT સોફ્ટવેર
આજના સમયમાં ડ્રગ માફિયાઓ અત્યાધુનિક ડિજિટલ નેટવર્કનો ઉપયોગ કરે છે. તેમને માત આપવા માટે ગુજરાત પોલીસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ‘NARIT’ નામનું સોફ્ટવેર તૈયાર કર્યું છે. આવું કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. આ સોફ્ટવેર ગણતરીની સેકન્ડોમાં ગુનેગારોના ભૂતકાળના રેકોર્ડ, તેમના આંતરરાષ્ટ્રીય કનેક્શન, ડાર્ક વેબના તાર અને નાણાકીય વ્યવહારો સ્કેન કરી લે છે. જેનાથી કોર્ટમાં મજબૂત પુરાવા રજૂ કરી ગુનેગારોને કડક સજા અપાવી શકાય છે.
ડ્રગ્સના નેટવર્કને તોડવા માટેનો એક્શન પ્લાન
ANTFની સ્થાપના: આંતરરાષ્ટ્રીય લેવલની સપ્લાય ચેઇન તોડવા માટે ખાસ ‘એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ’ શરૂ કરવામાં આવી છે.
સ્થાનિક પોલીસને પાવર: હવે માત્ર ATS કે SOG જેવી મોટી એજન્સીઓ જ નહીં, પણ તમારા વિસ્તારનું સ્થાનિક પોલીસ સ્ટેશન પણ નાર્કોટિક્સના કેસ નોંધીને સીધી તપાસ કરી શકે છે.
જિલ્લા લેવલે સ્પેશિયલ સેલ: ગામડાઓ સુધી નશાનું દૂષણ અટકાવવા દરેક જિલ્લામાં ‘માઇક્રો-લેવલ એન્ટી-નાર્કોટિક્સ સેલ’ બનાવવાની કવાયત હાથ ધરાઈ છે.
આંકડાઓ શું કહે છે?
વર્ષ 2020માં રાજ્યમાં ડ્રગ્સના માત્ર 315 કેસ નોંધાયા હતા, તેની સામે આ વર્ષે માત્ર 5 મહિનામાં જ 584 કેસ નોંધાઈ ચૂક્યા છે. આ આંકડો એ નથી બતાવતો કે ડ્રગ્સ વધી ગયું છે, પરંતુ એ દર્શાવે છે કે પોલીસ હવે ડબલ સ્પીડથી અને વધુ આક્રમક રીતે દરોડા પાડીને ગુનેગારોને શોધી રહી છે.
ગૃહ રાજ્યમંત્રીનો માનવીય અભિગમ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સ્પષ્ટપણે માને છે કે આ લડાઈ માત્ર ગુનેગારોને જેલમાં નાખવા પૂરતી નથી, પરંતુ નશાના દલદલમાં ફસાયેલા યુવાનોને બહાર કાઢવાની પણ છે. આથી જ રાજ્ય સરકારે વ્યસનમુક્તિ કેન્દ્રોને વધુ આધુનિક બનાવ્યા છે, જેથી ભટકી ગયેલા યુવાનોને યોગ્ય કાઉન્સિલિંગ અને સારવાર આપી ફરીથી સમાજમાં સન્માનભેર જીવવાની તક આપી શકાય. ગુજરાત પોલીસની લેટેસ્ટ ટેકનોલોજી, કડક કાયદાઓ અને સરકારનો માનવીય અભિગમ આજે આખા દેશ માટે એક રોલ મોડેલ બની ગયો છે. ગુજરાત આજે ખરા અર્થમાં ‘ડ્રગ-ફ્રી સ્ટેટ’ બનવાની દિશામાં ખૂબ જ મક્કમતાથી આગળ વધી રહ્યું છે.











