NCERTમાં ઈમરજન્સીના ચેપ્ટર મુદ્દે ગુજરાત કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. કોંગ્રેસે પેપર લીક, 30 વર્ષથી કથળતું શિક્ષણ અને ‘માફીવીર’ના મુદ્દે સરકારને ઘેરીને સવાલો ઉઠાવ્યા છે.

ગાંધીનગર, ગુરુવાર
NCERT ના અભ્યાસક્રમમાં ઈમરજન્સીનો નવો પાઠ ઉમેરવા મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ગુજરાત કોંગ્રેસે આ મામલે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસનું સ્પષ્ટ કહેવું છે કે સરકાર પ્રજાની મૂળ સમસ્યાઓ ઉકેલવામાં નિષ્ફળ રહી છે અને હવે લોકોનું ધ્યાન ભટકાવવા માટે ઇતિહાસના નામે રાજનીતિ કરી રહી છે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાએ જણાવ્યું કે, “દેશના દરેક બાળકને આપણા ઇતિહાસની જાણ હોવી જ જોઈએ, પરંતુ આ ઇતિહાસ સિલેક્ટિવ (પસંદગીયુક્ત) નહીં પણ ઓબ્જેક્ટિવ (તટસ્થ) હોવો જોઈએ.”
‘માફીવીર’ અને તિરંગાના મુદ્દે સરકારને ઘેરી
કોંગ્રેસે કટાક્ષ કરતા કહ્યું કે જો સરકાર બાળકોને સાચો ઇતિહાસ જ ભણાવવા માંગતી હોય, તો આઝાદીની લડાઈમાં કોનું શું યોગદાન હતું તે પણ જણાવવું જોઈએ. અંગ્રેજો સામે કોણ ઝૂક્યું હતું અને વારંવાર માફી માંગીને કોણ દેશમાં ‘માફીવીર’ તરીકે ઓળખાયું હતું, તે બાબતો પણ સિલેબસમાં હોવી જોઈએ. એટલું જ નહીં, જે લોકોએ 50 વર્ષ સુધી પોતાના મુખ્ય મથક પર દેશની શાન સમાન તિરંગો ન ફરકાવ્યો, તેમનો ઇતિહાસ પણ નવી પેઢીને ભણાવવો જોઈએ.
પેપર લીક અને કથળતા શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યો
ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર સીધો હુમલો કરતા કોંગ્રેસે જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી રાજ્યમાં શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે. ભાજપ સરકાર શિક્ષણ મામલે તદ્દન દિશાવિહીન છે. કોંગ્રેસે માંગ કરી છે કે સરકાર માત્ર ઈમરજન્સી જ નહીં, પણ અત્યાર સુધીમાં દેશ અને ગુજરાતમાં કુલ કેટલા પેપર લીક થયા અને તેનાથી યુવાનોને શું નુકસાન થયું, તેનો ડેટા અભ્યાસક્રમમાં મુકાવો જોઈએ. પેપર લીક અને શૈક્ષણિક અરાજકતાને કારણે જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, તે ભયંકર વાસ્તવિકતા બાળકોને ભણાવો જેથી નવી પેઢી સતર્ક રહે. દેશભરમાં 1 લાખથી વધુ શાળાઓને કેમ તાળા મારવા પડ્યા અને શિક્ષણનું વ્યાપારીકરણ કેમ થયું તેનો સરકાર જવાબ આપે.
કોંગ્રેસના નેતાઓએ યાદ અપાવ્યું કે, એક સમયે કોંગ્રેસ સરકારે સમગ્ર દેશમાં ‘રાઈટ ટુ એજ્યુકેશન’ (શિક્ષણનો અધિકાર) લાગુ કરીને બાળકોને મજબૂત કર્યા હતા. જ્યારે આજે કેન્દ્ર અને ગુજરાતની સરકારો છેલ્લા 30 વર્ષથી વિદ્યાર્થીઓનો આ જ અધિકાર છીનવી રહી છે. 1975 થી 1977 ની ઈમરજન્સી ભણાવવા સામે કોંગ્રેસને વાંધો નથી, પરંતુ શિક્ષણમાં રાજકીય એજન્ડા સેટ કરી યુવાનોના ભવિષ્ય સાથે થઈ રહેલા ચેડાં સામે પક્ષે સખત વિરોધ નોંધાવ્યો છે.











