Gujarat Police Recruitment: ખાખીના શોખીનો તૈયાર થઈ જાવ! PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 21 જાન્યુઆરીથી મેદાન ગજવશે ઉમેદવારો

ગુજરાત પોલીસમાં PSI અને LRD ની 13,591 જગ્યાઓ માટે શારીરિક કસોટીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે. 21 જાન્યુઆરીથી રાજ્યભરમાં દોડ શરૂ થશે.

ગાંધીનગર, રવિવાર
ગુજરાત પોલીસમાં જોડાઈને દેશસેવા કરવાનું સપનું જોતા લાખો યુવાનો માટે અત્યંત મહત્વના અને ખુશીના સમાચાર આવ્યા છે. લાંબા સમયની આતુરતા બાદ આખરે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે PSI અને LRDની ભરતી માટે શારીરિક કસોટીની તારીખ સત્તાવાર રીતે જાહેર કરી દીધી છે. જો તમે પણ ગ્રાઉન્ડ પર પરસેવો પાડી રહ્યા હોવ, તો હવે તમારી મહેનત બતાવવાનો સમય આવી ગયો છે.

21 જાન્યુઆરીથી શરૂ થશે ‘ખાખી’નો જંગ
પોલીસ ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, કુલ 13,591 જેટલી જંગી જગ્યાઓ માટે આગામી 21 જાન્યુઆરી થી શારીરિક કસોટીનો પ્રારંભ થશે. આ ભરતી પ્રક્રિયામાં PSI અને કોન્સ્ટેબલ બંને કેડરનો સમાવેશ થાય છે. રાજ્યના અલગ-અલગ પોલીસ હેડક્વાર્ટર અને નક્કી કરાયેલા મેદાનો પર લાખો ઉમેદવારો પોતાની શારીરિક ક્ષમતા સાબિત કરવા માટે દોડ લગાવશે.

ટેકનોલોજીની મદદથી લેવાશે પારદર્શક પરીક્ષા
ભરતી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પોલીસ બોર્ડ સતર્ક છે. ઉમેદવારોની દોડનો સમય ચોકસાઈથી માપવા માટે RFID ચીપ નો ઉપયોગ કરવામાં આવશે. આ ઉપરાંત, સમગ્ર ગ્રાઉન્ડ પર CCTV કેમેરાની નજર રહેશે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. બોર્ડનો ઉદ્દેશ્ય છે કે પરીક્ષા સંપૂર્ણ પારદર્શક વાતાવરણમાં લેવાય અને માત્ર લાયક ઉમેદવારો જ આગળ વધે.

કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે?
પરીક્ષાની તારીખ જાહેર થતાની સાથે જ હવે ઉમેદવારો કોલ લેટરની રાહ જોઈ રહ્યા છે. ભરતી બોર્ડના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં જ ઓફિશિયલ વેબસાઈટ પર કોલ લેટર મૂકવામાં આવશે. ઉમેદવારોને ખાસ તાકીદ કરવામાં આવી છે કે સોશિયલ મીડિયા પર ફરતી અફવાઓ પર ધ્યાન ન આપવું અને માત્ર સત્તાવાર વેબસાઈટ પર આવતી સૂચનાઓને જ સાચી માનવી. જે ઉમેદવારો શારીરિક કસોટી (દોડ) પાસ કરશે, તેઓ જ આગળની લેખિત પરીક્ષા માટે લાયક ગણાશે.

કેટલી જગ્યાઓ માટે યોજાશે પરીક્ષા?
આ મેગા ભરતી અભિયાનમાં કુલ 13,591 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં PSI અને લોકરક્ષક બંનેનો સમાવેશ થાય છે. જગ્યાઓની વિગતવાર માહિતી નીચે મુજબ છે:

PSI કેડર (કુલ 858 જગ્યા):
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર: 659
હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર: 129
જેલર ગ્રૂપ 2: 70
લોકરક્ષક/કોન્સ્ટેબલ કેડર (કુલ 12,733 જગ્યા):

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6942
હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ: 2458
SRPF (હથિયારધારી): 3002
જેલ સિપાહી (પુરુષ): 300
જેલ સિપાહી (મહિલા/મેટ્રન): 31

આમ, રાજ્યના યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની આ સુવર્ણ તક છે. હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ઉમેદવારોએ પોતાની તૈયારીઓને આખરી ઓપ આપવાનું શરૂ કરી દીધું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!