અરવલ્લી પર્વતમાળાના 31% હિસ્સા પર ખનનનું જોખમ તોળાઈ રહ્યું છે. નવી સ્ટડી મુજબ જો પહાડો તૂટશે તો દિલ્હી, જયપુર અને ગુરુગ્રામમાં ભીષણ પાણીની અછત સર્જાશે. જાણો સેટેલાઇટ ડેટા શું કહે છે.

અરવલ્લી, સોમવાર
અરવલ્લી પર્વતમાળાના અસ્તિત્વ અને પર્યાવરણને લઈને એક અત્યંત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકાર અને પર્યાવરણને લગતી એક નવી સ્ટડીના દાવાઓ સામસામે આવી ગયા છે. આ નવી સ્ટડી પ્રમાણે, અરવલ્લીનો મોટો હિસ્સો ગંભીર જોખમમાં છે, જેની સીધી અસર લાખો લોકોના પીવાના પાણી પર પડી શકે છે.
કેન્દ્રના દાવા સામે નવી સ્ટડીનો ખુલાસો
કેન્દ્ર સરકારનો એવો દાવો છે કે અરવલ્લી પર્વતમાળાની જે નવી વ્યાખ્યા નક્કી કરવામાં આવી છે (100 મીટરની લિમિટ), તેના કારણે માત્ર 0.19 ટકા હિસ્સો જ ખનન (માઈનિંગ) માટે ખુલ્લો રહેશે. એટલે કે સરકારના મતે બહુ ઓછી જમીન પર અસર થશે.
પરંતુ, આ દાવાને એક સ્વતંત્ર સ્ટડીએ નકારી કાઢ્યો છે. સેટેલાઇટ ડેટાના ઉપયોગથી તૈયાર કરાયેલા આ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સ્ટડી મુજબ, અરવલ્લીનો ત્રીજો ભાગ એટલે કે લગભગ 33 ટકા વિસ્તાર અત્યંત જોખમી સ્થિતિમાં છે. આંકડાકીય રીતે જોઈએ તો, અરવલ્લીનો 31.8 ટકા હિસ્સો એવો છે જે સરકારની 100 મીટરની વ્યાખ્યા હેઠળ આવે છે. સાદી ભાષામાં કહીએ તો, આ 31 ટકા વિસ્તારમાં ખનન કરવાની છૂટ મળી શકે છે, જે પર્યાવરણ માટે વિનાશક સાબિત થશે.
નાની પહાડીઓ વેસ્ટ લેન્ડ નથી, પણ જીવાદોરી છે
ક્લાઇમેટ સાયન્ટિસ્ટ અને પર્યાવરણ એક્ટિવિસ્ટ ડો. સુધાંશુએ આ અંગે લાલબત્તી ધરતા જણાવ્યું હતું કે, હાલની પોલિસીમાં મોટો ગેપ છે. નીચી ઊંચાઈ ધરાવતી પહાડીઓને સરકાર વેસ્ટ લેન્ડ (નકામી જમીન) તરીકે ગણી રહી છે, જે ખોટું છે. હકીકતમાં તો આ નાની પહાડીઓ જ ભૂગર્ભ જળ સંગ્રહ માટે સૌથી મહત્વનું કામ કરે છે. જો આ પહાડીઓ ખોદી નાખવામાં આવશે, તો વરસાદી પાણી જમીનમાં ઉતારવાનું બંધ થઈ જશે.
દિલ્હી, જયપુર અને ગુરુગ્રામ તરસ્યું થશે?
જો અરવલ્લીમાં આડેધડ ખોદકામ અને માઈનિંગ ચાલુ રહ્યું, તો તેની કિંમત સામાન્ય માણસે ચૂકવવી પડશે. આ પહાડો માત્ર પથ્થર નથી, પણ કુદરતી વોટર ટેન્ક છે. આ પહાડીઓ તૂટવાથી ભૂગર્ભ જળ સ્તર ઉંડા ઉતરી જશે. જયપુર, દિલ્હી અને ગુરુગ્રામ જેવા મેટ્રો શહેરોમાં અત્યારે જે પીવાનું પાણી મળી રહ્યું છે, તે ભવિષ્યમાં છીનવાઈ શકે છે. હરિયાણા અને રાજસ્થાનના લાખો લોકો પર પર્યાવરણીય અને જળ સંકટ તોળાઈ રહ્યું છે.
રણ પ્રદેશ વધશે: કુદરતી દીવાલ તૂટી જશે
અરવલ્લી પર્વતમાળા રણ અને મેદાની પ્રદેશ વચ્ચે એક કુદરતી દીવાલનું કામ કરે છે. જો અહીં ખનન વધશે તો રાજસ્થાનના રણનો વિસ્તાર વધવા લાગશે. થારના રણની રેતી ઉડીને ફળદ્રુપ વિસ્તારોમાં આવશે અને ધીમે-ધીમે ત્યાં પણ રણ જેવી સ્થિતિ સર્જાશે.
તાત્કાલિક એક્શન લેવાની જરૂર
હાલમાં અરવલ્લી રેન્જમાં આવતા ચિત્તોડગઢ, નાગૌર, બુંદી અને સવાઈ માધોપુર જેવા વિસ્તારોમાં મોટાપાયે માઈનિંગ ચાલી રહ્યું છે. નિષ્ણાતોના મતે, આ પ્રવૃત્તિને તાત્કાલિક અસરથી અટકાવવાની જરૂર છે. જો આપણે આપણી આવનારી પેઢીને પાણી અને શુદ્ધ હવા આપવા માંગતા હોઈએ, તો આ 31% હિસ્સાને બચાવવો અનિવાર્ય છે.











