બહિયલ PHCએ 90.72% અને લીંબોદરા SHCએ 91.16% સ્કોર સાથે મેળવ્યું રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર : દર્દીઓની સુરક્ષા, માતા-બાળ આરોગ્ય અને ગુણવત્તાસભર સારવારમાં ઉત્કૃષ્ટ કામગીરીને મળી રાષ્ટ્રીય માન્યતા

દહેગામ, મંગળવાર : ગાંધીનગર જિલ્લામાંથી ગૌરવ અપાવે એવા સમાચાર સામે આવ્યા છે… જિલ્લાના બહિયલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે PHC અને લીંબોદરા સબ હેલ્થ સેન્ટર એટલે કે SHCએ રાષ્ટ્રીય કક્ષાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કાર્યરત નેશનલ હેલ્થ સિસ્ટમ્સ રિસોર્સ સેન્ટર દ્વારા બંને આરોગ્ય કેન્દ્રોને નેશનલ ક્વોલિટી એશ્યોરન્સ સ્ટાન્ડર્ડ્સ (NQAS) અંતર્ગત રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું છે.
બહિયલ PHCનું 6 અને 7 જુલાઈ, 2026 દરમિયાન બાહ્ય મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં દર્દીઓની સંભાળ, આરોગ્ય સેવાઓની ગુણવત્તા, ચેપ નિયંત્રણ, હોસ્પિટલનું સંચાલન, દવાઓની ઉપલબ્ધતા, સ્વચ્છતા અને દર્દીઓની સુરક્ષા સહિતના તમામ માપદંડોની વિગતવાર ચકાસણી કરવામાં આવી હતી. આ તમામ કડક ધોરણોમાં બહિયલ PHCએ 90.72 ટકાનો ઉત્કૃષ્ટ સ્કોર મેળવીને રાષ્ટ્રીય કક્ષાનું NQAS ક્વોલિટી સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું છે. જ્યારે લીંબોદરા સબ હેલ્થ સેન્ટરનું 10 જૂન, 2026ના રોજ વર્ચ્યુઅલ એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન 12 જેટલા મુખ્ય આરોગ્ય સેવા પેકેજ અને વિવિધ ગુણવત્તાના માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી.
લીંબોદરા SHCએ 91.16 ટકાનો પ્રભાવશાળી સ્કોર મેળવીને રાષ્ટ્રીય કક્ષાનું ‘ક્વોલિટી સર્ટિફાઇડ’ સ્ટેટસ હાંસલ કર્યું છે. આ બંને આરોગ્ય કેન્દ્રોમાં સગર્ભા માતાઓની નિયમિત તપાસ, માતા અને બાળ આરોગ્ય સેવાઓ, સમયસર રસીકરણ, બિન-ચેપી રોગોનું સ્ક્રીનિંગ, મફત દવાઓ, લેબોરેટરી નિદાન, ચેપ નિયંત્રણ અને દર્દીઓની સુરક્ષા જેવી સેવાઓમાં ઉત્તમ કામગીરી નોંધાઈ છે. આ સિદ્ધિ ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર, નેશનલ હેલ્થ મિશનની ટીમ, તબીબી અધિકારીઓ, કોમ્યુનિટી હેલ્થ ઓફિસર્સ તેમજ તમામ આરોગ્ય કર્મચારીઓની સતત મહેનત અને ટીમવર્કનું પરિણામ માનવામાં આવી રહ્યું છે. આ રાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્ર મળવાથી હવે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને વધુ સુરક્ષિત, વિશ્વસનીય, ઝડપી અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓનો લાભ મળશે. સાથે જ જિલ્લાના અન્ય આરોગ્ય કેન્દ્રો માટે પણ આ એક પ્રેરણાદાયક સિદ્ધિ બની છે.











