સહમતિથી શારીરિક સંબંધ બાદ લગ્ન માટે ના પાડવી એ દુષ્કર્મ નથી, હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

ઉત્તરાખંડ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું છે કે લાંબા સમય સુધી સહમતિથી સંબંધ રહ્યા હોય અને પછી લગ્ન ન થાય, તો તેને દુષ્કર્મ ન ગણાય. જાણો શું છે સૂરજ બોરા કેસ અને કોર્ટે શું દલીલ આપી.

ઉત્તરાખંડ, સોમવાર
ભારતીય કાયદા વ્યવસ્થામાં લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધવા અને ત્યારબાદ ફરી જવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. આવા જ એક કેસમાં ઉત્તરાખંડ હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ અને અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જો બે પુખ્ત વ્યક્તિઓ વચ્ચે લાંબા સમય સુધી પરસ્પર સહમતિથી શારીરિક સંબંધો રહ્યા હોય અને બાદમાં લગ્નનું વચન પૂરું ન થઈ શકે, તો તેને ‘દુષ્કર્મ’ (Rape) ગણી શકાય નહીં. જસ્ટિસ આશિષ નૈથાનીની સિંગલ બેન્ચે આ ચુકાદો આપતા આરોપી સૂરજ બોરા સામે નોંધાયેલી FIR અને ચાર્જશીટ રદ કરી દીધી છે. ચાલો જાણીએ આ સમગ્ર મામલો શું હતો અને કોર્ટે શું મહત્વની ટિપ્પણી કરી.

હાઈકોર્ટે શું મહત્વનો તર્ક રજૂ કર્યો?
કોર્ટે પોતાના ચુકાદામાં ખૂબ જ બારીકાઈથી કાયદાનું અર્થઘટન કર્યું છે. જસ્ટિસ નૈથાનીએ જણાવ્યું કે, “માત્ર એટલા માટે કે સંબંધો પરિણામ સુધી ન પહોંચ્યા અને લગ્ન ન થઈ શક્યા, તેનાથી કોઈ પુખ્ત મહિલા દ્વારા આપવામાં આવેલી સહમતિ અમાન્ય નથી થઈ જતી.

દુષ્કર્મની કલમ 376 હેઠળ ગુનો સાબિત કરવા માટે એ સાબિત કરવું અનિવાર્ય છે કે આરોપીનો ઈરાદો શરૂઆતથી જ ખરાબ હતો. લગ્નનું વચન માત્ર શારીરિક સંબંધ બાંધવા માટે એક જાળ તરીકે વાપરવામાં આવ્યું હતું. જોકે, આ કેસમાં બંને પક્ષો વચ્ચે લાંબા સમય સુધી સંબંધો રહ્યા હતા અને તેઓ વારંવાર એકબીજાની મરજીથી નજીક આવ્યા હતા. આ બાબત દર્શાવે છે કે શરૂઆતમાં છેતરપિંડી કરવાનો કોઈ ઈરાદો નહોતો, પરંતુ સંજોગોવશાત્ સંબંધ આગળ વધી શક્યો નહીં.

શું હતો સૂરજ બોરા કેસ?
આ કેસની વિગતો એવી છે કે, મસૂરીમાં રહેતી એક મહિલાએ સૂરજ બોરા નામના વ્યક્તિ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. મહિલાનું કહેવું હતું કે સૂરજે તેને 45 દિવસમાં લગ્ન કરી લેવાની ખાતરી આપી હતી અને આ વચનના આધારે તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જ્યારે લગ્ન ન થયા ત્યારે મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરીને 22 જુલાઈ 2023ના રોજ કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી દીધી હતી. જોકે, આરોપી સૂરજ બોરાએ પોતાની સામેનો કેસ રદ કરાવવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

બચાવ પક્ષની દલીલો અને કોર્ટનો નિર્ણય
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન બચાવ પક્ષે ખૂબ જ મજબૂત દલીલો રજૂ કરી હતી ફરિયાદી અને આરોપી બંને પુખ્ત વયના છે. બંને વચ્ચે લાંબા સમય સુધી પ્રેમ સંબંધ રહ્યો છે. રેકોર્ડ પર એવો કોઈ પુરાવો નથી કે જેનાથી સાબિત થાય કે સૂરજે લગ્નનું વચન માત્ર છેતરપિંડી કરવા માટે જ આપ્યું હતું. આ એક નિષ્ફળ ગયેલો સંબંધ (Failed Relationship) છે, જેને દુષ્કર્મનું નામ ન આપી શકાય.

રાજ્ય સરકાર અને ફરિયાદી પક્ષે આ દલીલોનો વિરોધ કર્યો હતો, પરંતુ કોર્ટે તમામ તથ્યો ચકાસ્યા બાદ માન્યું કે, આ કેસમાં કાયદાકીય પ્રક્રિયા ચાલુ રાખવી એ આરોપીનું ઉત્પીડન કરવા સમાન હશે. પરિણામે, કોર્ટે પરસ્પર સહમતિ અને લાંબા સંબંધોને ધ્યાનમાં રાખીને દુષ્કર્મનો કેસ રદ કરવાનો આદેશ આપ્યો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!