યુદ્ધની આગમાં શેકાયો ગુજરાતનો પ્લાસ્ટિક ઉદ્યોગ: દાણાના ભાવમાં 70%નો તોતિંગ વધારો, હજારો એકમો મરણપથારીએ

ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે પ્લાસ્ટિકના દાણાના ભાવમાં 70% સુધીનો ઉછાળો આવ્યો છે. ગુજરાતના નાના પ્લાસ્ટિક એકમો બંધ થવાના આરે છે અને શ્રમિકો પલાયન કરી રહ્યા છે. વાંચો સંપૂર્ણ વિગત.

અમદાવાદ, રવિવાર
વૈશ્વિક સ્તરે ચાલી રહેલા યુદ્ધની સીધી અસર હવે આપણા ઘર આંગણે અને સ્થાનિક ઉદ્યોગો પર દેખાવા લાગી છે. અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલા બાદ ક્રૂડ ઓઈલના સપ્લાયમાં મોટું વિઘ્ન આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સર્જાયેલી આ અસ્થિરતાને કારણે પ્લાસ્ટિક ઉદ્યોગ માટે કાચો માલ ગણાતા પ્લાસ્ટિકના દાણા ના ભાવમાં પાછલા 20થી 25 દિવસમાં જ મસમોટો ઉછાળો જોવા મળ્યો છે. સ્થિતિ એટલી ગંભીર છે કે પ્લાસ્ટિકના નાના અને મધ્યમ કક્ષાના એકમો અત્યારે જાણે ICUમાં હોય તેવી હાલત થઈ ગઈ છે.

ભાવમાં રાતોરાત વધારો અને ઉત્પાદન ઠપ
માત્ર એક મહિના પહેલા પ્લાસ્ટિકના દાણા જે 100 રૂપિયે કિલો મળતા હતા, તેનો ભાવ અત્યારે વધીને 150 થી 170 રૂપિયા સુધી પહોંચી ગયો છે. કાચા માલના ભાવમાં થયેલા આ 50 થી 70% ના વધારાને કારણે ઉત્પાદકો માટે નવી મૂડી રોકવી અશક્ય બની ગઈ છે. ખાસ કરીને પ્લાસ્ટિકની બોટલ, રમકડાં, ઓટો પાર્ટ્સ અને મશીનરીના સ્પેરપાર્ટ્સ બનાવતા નાના ઉદ્યોગકારોની હાલત કફોડી થઈ છે. રોકાણ માટે જરૂરી ભંડોળના અભાવે ઘણા કારખાનાઓમાં મશીનો થંભી ગયા છે.

જૂના ઓર્ડર હવે માથાના દુખાવા સમાન
પ્લાસ્ટિક ઉદ્યોગ હાલમાં બેવડા મારનો સામનો કરી રહ્યો છે. જે ઉત્પાદકોએ મહિનાઓ પહેલા ઓછા ભાવે ઓર્ડર લીધા હતા, તેમણે હવે તે પૂરા કરવા માટે ખિસ્સામાંથી પૈસા કાઢવા પડી રહ્યા છે. ઉદાહરણ તરીકે, જે 200 ML પાણીની બોટલની પડતર કિંમત પહેલા 1.10 રૂપિયા આવતી હતી, તે વધીને 1.45 રૂપિયા થઈ ગઈ છે. આટલા મોટા તફાવતને કારણે જૂના ઓર્ડર પૂરા કરવા એટલે સીધું નુકસાન વેઠવું. પરિણામે, બજારમાં ગ્રાહકો માટે પણ પ્લાસ્ટિકની દરેક ચીજવસ્તુ મોંઘી થવાની પૂરેપૂરી શક્યતા છે.

શ્રમિકોનું પલાયન અને નિકાસ પર અસર
કામકાજ ઓછું થતા અને ઉત્પાદન પ્રક્રિયા ધીમી પડતા કારખાનાઓમાં કામ કરતા શ્રમિકોની રોજગારી પર જોખમ ઊભું થયું છે. અમદાવાદ અને ગુજરાતના અન્ય શહેરોમાંથી પરપ્રાંતીય શ્રમિકોએ ફરી વતન તરફ પલાયન શરૂ કર્યું છે. બીજી તરફ, શિપિંગના દરમાં 200% નો વધારો થતા નિકાસના ઓર્ડર પણ કેન્સલ થઈ રહ્યા છે. સમયસર માલ ન પહોંચવાને કારણે વિદેશી ગ્રાહકો હવે અન્ય વિકલ્પો શોધી રહ્યા છે, જે ગુજરાતના એક્સપોર્ટ માર્કેટ માટે ચિંતાનો વિષય છે.

ઉદ્યોગકારોની સરકાર પાસે મુખ્ય માગણીઓ
ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિયેશને આ સંકટમાંથી બહાર નીકળવા સરકાર સમક્ષ કેટલીક આકરી માગણીઓ મૂકી છે, પ્લાસ્ટિકના દાણા પરનો GST દર 18% થી ઘટાડીને તાત્કાલિક 5% કરવામાં આવે. નાના એકમોને વર્કિંગ કેપિટલ માટે કૉલેટરલ વગર 50% વધુ ધિરાણ આપવામાં આવે. બેન્ક લોન પરના વ્યાજમાં રાહત આપવામાં આવે. સરકાર પ્લાસ્ટિકના દાણાના ભાવ પર નિયંત્રણ લાવવા પગલાં લે જેથી સટ્ટાખોરી અટકે. રૂપિયા 4000 થી 5000 કરોડની પેન્ડિંગ સબસીડી વહેલી તકે રિલીઝ કરવામાં આવે.

અન્ય ક્ષેત્રો પર પણ ખતરો
પ્લાસ્ટિક ઉદ્યોગની આ કટોકટી માત્ર એક સેક્ટર પૂરતી સીમિત નથી. ફાર્માસ્યૂટિકલ પેકેજિંગ, મેડિકલ ડિવાઈસ, લોજિસ્ટિક્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં પણ પ્લાસ્ટિકનો બહોળો વપરાશ થાય છે. જો આ સમસ્યાનો વહેલો ઉકેલ નહીં આવે તો આ તમામ ક્ષેત્રોમાં મોંઘવારીનોડોઝ જોવા મળી શકે છે. ઉદ્યોગકારો અત્યારે નવી પ્લાસ્ટિક પોલિસી ની આશા રાખી રહ્યા છે, કારણ કે જૂની પોલિસીના લાભો ડિસેમ્બર 2025 થી બંધ થઈ ચૂક્યા છે. જો સરકાર યોગ્ય પગલાં નહીં લે તો ગુજરાતનો આ ધમધમતો ઉદ્યોગ લાંબા સમય સુધી મંદીના ગરતામાં ધકેલાઈ શકે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!