દુનિયાનો સૌથી રહસ્યમય અબજોપતિ સતોશી નાકામોતો, જેણે અંબાણી-અદાણીને પણ પાછળ છોડી દીધા.

અમદાવાદ, મંગળવાર
તમે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીના નામ તો ઘણી વાર સાંભળ્યા હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈ એવા અબજોપતિ વિશે વિચાર્યું છે જેને આજ સુધી કોઈએ જોયો નથી? જી હા, આપણે વાત કરી રહ્યા છીએ બિટકોઇનના ગુપ્ત ફાઉન્ડર સતોશી નાકામોતોની. નાકામોતો કોણ છે — એક વ્યક્તિ, એક ટીમ કે કોઈ ગ્રુપ — તે આજ સુધી કોઈને ખબર નથી, ન તેનો ચહેરો, ન તેનો દેશ કે તેની ઓળખ. પરંતુ લેટેસ્ટ આંકડા મુજબ, આ રહસ્યમય વ્યક્તિ હવે દુનિયાના 12મા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે અને સંપત્તિના મામલે તેણે અંબાણી અને અદાણી જેવા એશિયાના દિગ્ગજ બિઝનેસ ટાયકૂન્સને પણ પાછળ છોડી દીધા છે.
બિટકોઇન બન્યો રોકેટ
દુનિયાની સૌથી જૂની અને લોકપ્રિય ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમત હવે આસમાનને આંબી રહી છે. હાલમાં તેનો રેટ $118,000 (લગભગ 98 લાખ) સુધી પહોંચી ગયો છે. આ વર્ષે અત્યાર સુધી તેની કિંમતમાં 55%થી વધુનો વધારો થયો છે. આ તેજીનો સૌથી મોટો ફાયદો બિટકોઇન બનાવનાર રહસ્યમય વ્યક્તિ સતોશી નાકામોતોને થયો છે. ભલે આજ સુધી કોઈ નથી જાણતું કે નાકામોતો અસલમાં કોણ છે, પરંતુ તેમની પાસે આશરે 10 લાખ બિટકોઇન છે. વર્તમાન કિંમત પર જોઈએ તો નાકામોતોની કુલ સંપત્તિ $129 બિલિયન (લગભગ 10.7 લાખ કરોડ) થઈ ચૂકી છે.
અંબાણી-અદાણીથી પણ આગળ નીકળ્યા નાકામોતો
સંપત્તિના મામલે નાકામોતો હવે દુનિયાના 12મા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમની નેટવર્થ ભારતના બે સૌથી ધનિક ઉદ્યોગપતિઓ કરતા પણ વધુ છે. મુકેશ અંબાણી પાસે $109 બિલિયન અને ગૌતમ અદાણી પાસે $84.2 બિલિયનની સંપત્તિ છે. આટલું જ નહીં, તેમની સંપત્તિ બિલ ગેટ્સ ($123 બિલિયન) કરતાં પણ વધુ છે.
ક્યારેય જોવા ન મળેલા આ અબજોપતિનો ઇતિહાસ
નાકામોતોએ ઓક્ટોબર 2008માં બિટકોઇનનો પહેલો ડોક્યુમેન્ટ (વ્હાઇટપેપર) પબ્લિશ કર્યું હતું. ત્યારબાદ 3 જાન્યુઆરી 2009ના રોજ પહેલો બિટકોઇન બ્લોક માઇન કરવામાં આવ્યો. અહીંથી જ બિટકોઇન અને બ્લોકચેન ટેકનોલોજીની શરૂઆત માનવામાં આવે છે.
2010માં રિસર્ચર સર્જિયો ડેમિયન લર્નરે દાવો કર્યો હતો કે નાકામોતોએ શરૂઆતના સમયમાં જ 10 લાખ બિટકોઇન માઇન કર્યા હતા, જે આજ સુધી ક્યારેય ખર્ચ થયા નથી — એટલે કે તે આજે પણ તેમની પાસે છે.
બિટકોઇન શું છે?
બિટકોઇન એક ડિજિટલ કરન્સી છે જેને તમે સ્પર્શી શકતા નથી, બસ તેને ઓનલાઇન ટ્રાન્સફર કે હોલ્ડ કરી શકો છો. તેનો કોઈ સેન્ટ્રલ બેંક નથી, તે સંપૂર્ણપણે ડિજિટલ અને ગુપ્ત સિસ્ટમ પર ચાલે છે. હવે અમેરિકા સહિત ઘણા દેશો તેના સમર્થનમાં આવ્યા છે.











