આ પ્રકારના પ્રોજેક્ટમાં સામાન્ય રીતે રોડ બનાવતા પહેલા પાલિકા દ્વારા વીજ કંપનીને જાણ કરવામાં આવતી હોય છે, જેથી વીજપોલ, ટ્રાન્સફોર્મર કે અન્ય અડચણરૂપ સ્ટ્રક્ચરને સુરક્ષિત રીતે ખસેડી શકાય.

ગાંધીનગર, મંગળવાર
સ્માર્ટ સિટી અને વિકાસના બુલંદ દાવાઓ વચ્ચે ગાંધીનગર મનપા અને વીજ કંપનીની એક ગંભીર બેદરકારી સામે આવી છે, જે રાહદારીઓ અને વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. શહેરના વાવોલ વિસ્તારમાં આવેલી શાલ્વીક હોમ્સ 2 સોસાયટી પાસે તાજેતરમાં બનેલા એક આરસીસી રોડની બરોબર વચ્ચે એક વીજપોલ હટાવ્યા વિના જ રોડનું નિર્માણ કરી દેવાતા અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટનાને સ્થાનિક લોકો કોર્પોરેશન અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી ગણાવી રહ્યા છે.
શું છે સમગ્ર મામલો?
ગાંધીનગરના વાવોલ વિસ્તારમાં, શાલ્વીક હોમ્સ 2 સોસાયટી નજીક મનપા દ્વારા નવા આરસીસી રોડનું કામ કરવામાં આવ્યું હતું. જોકે આયોજનના અભાવે અને સંબંધિત વિભાગો વચ્ચે સંકલનના અભાવે, રોડની વચ્ચોવચ દાયકાઓથી ઉભેલો વીજળીનો થાંભલો યથાવત રાખીને તેની આસપાસ રોડ બનાવી દેવામાં આવ્યો. આશ્ચર્યની વાત એ છે કે, રોડ બની ગયાના ઘણા દિવસો બાદ પણ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) કે પછી ગાંધીનગર મનપાના કોઈ પણ અધિકારીનું ધ્યાન આ ગંભીર ભૂલ પર ગયું નથી.

આ હાઈ-ટેક જમાનામાં પણ જ્યાં GPS અને એડવાન્સ સર્વે જેવી ટેકનોલોજી ઉપલબ્ધ છે, ત્યાં આ પ્રકારની ભૂલ થવી એ સિસ્ટમની નિષ્ફળતા દર્શાવે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, રાત્રિના સમયે અથવા તો પૂરઝડપે આવતા વાહનચાલક માટે આ વીજપોલ એક અદ્રશ્ય દુશ્મન જેવો છે, જે ગમે ત્યારે મોટી દુર્ઘટનાને નોતરી શકે છે.
જવાબદારી કોની?
આ પ્રકારના પ્રોજેક્ટમાં સામાન્ય રીતે રોડ બનાવતા પહેલા પાલિકા દ્વારા વીજ કંપનીને જાણ કરવામાં આવતી હોય છે, જેથી વીજપોલ, ટ્રાન્સફોર્મર કે અન્ય અડચણરૂપ સ્ટ્રક્ચરને સુરક્ષિત રીતે ખસેડી શકાય. આ માટે એક ચોક્કસ પ્રક્રિયા અને બજેટ પણ ફાળવવામાં આવે છે. પરંતુ અહીં સ્પષ્ટપણે ગાંધીનગર મનપા અને UGVCL વચ્ચે કો-ઓર્ડિનેશનનો અભાવ જોવા મળી રહ્યો છે.
સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે, “આ તો બુદ્ધિનું દેવાળું ફૂંકવા જેવી વાત છે. શું કોઈ એન્જિનિયર કે સુપરવાઈઝર સાઈટ પર ફરક્યા પણ નહીં હોય? ટેક્સના પૈસાનો આવો વેડફાટ અને નાગરિકોના જીવ સાથે આવા ચેડાં કેટલો સમય ચાલશે?”
કોન્ટ્રાક્ટર પાસેથી રિકવરીની માંગ
આ ગંભીર બેદરકારી બદલ જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. સ્થાનિકોનું માનવું છે કે, માત્ર નોટિસ આપીને સંતોષ માનવાને બદલે, કોન્ટ્રાક્ટર પાસેથી વીજપોલ શિફ્ટિંગ અને રોડને ફરીથી બનાવવાનો સંપૂર્ણ ખર્ચ વસૂલ કરવો જોઈએ. જો આવો દાખલો બેસાડવામાં આવશે તો જ ભવિષ્યમાં અન્ય કોન્ટ્રાક્ટરો આવી ગંભીર ભૂલ કરતાં અચકાશે.











