ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થયું છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત 17 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. જાણો સંપૂર્ણ વેધર રિપોર્ટ અને તમારા શહેરમાં વરસાદની શું છે શક્યતા.

અમદાવાદ, શુક્રવાર
Gujarat Weather Update: ગુજરાતમાં લાંબા બ્રેક બાદ ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા છે અને ચોમાસું એક્ટિવ મોડમાં આવી ગયું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ નોંધાયો છે, જેમાં કેટલાક વિસ્તારોમાં તો ત્રણ ઇંચ સુધી પાણી પડી ગયું છે. હવે હવામાન વિભાગ (IMD) દ્વારા આગામી 24 કલાક માટે નવી આગાહી જાહેર કરવામાં આવી છે, જે મુજબ રાજ્યના 17 જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે.
આ 17 જિલ્લાઓમાં એલર્ટ
વેધર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થવાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓમાં છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અને વલસાડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્રની વાત કરીએ તો, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અને ગીર સોમનાથ તેમજ દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
અહીં સામાન્ય વરસાદની શક્યતા
ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદની સંભાવના છે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અને વડોદરાનો સમાવેશ થાય છે.
આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા, બોટાદ અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટ્યું, 38 લોકોના મોત
બીજી તરફ, જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ચાશોટી વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનામાં ભારે તારાજી સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 38 લોકોના મૃત્યુ થયા હોવાના રિપોર્ટ્સ છે, જ્યારે 100 જેટલા લોકો ઘાયલ થયા છે. NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચીને બચાવ અને રાહત કામગીરી કરી રહી છે. આ ઘટના માચૈલ માતા યાત્રાના રૂટ પર બની હતી.











