સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ વિસ્તારોમાં રહેતા લોકો અને તંત્રને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

અમદાવાદ, મંગળવાર
Meteorological Department forecast: ગુજરાતમાં ચોમાસું બરાબર જામી ગયું છે, અને હવામાન વિભાગે આજે, મંગળવારે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરશે તેવી સંભાવના છે. ગઈકાલે સોમવારે સુરતમાં પડેલા અતિભારે વરસાદે શહેરને જળબંબાકાર કરી દીધું હતું, જેના કારણે લોકોના ઘરો અને માર્કેટના બેઝમેન્ટ્સમાં પાણી ભરાઈ ગયા હતા.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ!
હવામાન વિભાગની આગાહી મુજબ, મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર સહિત દક્ષિણ ગુજરાતમાં નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત, સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ વિસ્તારોમાં રહેતા લોકો અને તંત્રને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ
માત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર જ નહીં, પરંતુ અમદાવાદ, ગાંધીનગર સહિત ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહિસાગર, ડાંગ, તાપીમાં પણ આજે ભારે વરસાદ પડી શકે છે.
જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, દ્વારકા અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
વરસાદી સિસ્ટમ સક્રિય
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તરપૂર્વ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં ઉપરની હવાનું ચક્રવાતી પરિભ્રમણ સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી ફેલાયેલું છે. આ ઉપરાંત, દક્ષિણપશ્ચિમ બિહાર અને મધ્યપ્રદેશના મધ્ય ભાગોમાં સરેરાશ સમુદ્ર સપાટીથી 3.1 કિમી ઉપર નીચા દબાણવાળા ક્ષેત્ર સાથે સંકળાયેલ ચક્રવાતી પરિભ્રમણમાં ઉત્તરપૂર્વ બાંગ્લાદેશથી દક્ષિણ ગુજરાત પ્રદેશ સુધી એક ટ્રફ રેન્જ આવેલી છે, જે આ વરસાદી માહોલ માટે જવાબદાર છે.










