ખેતરમાં ગાંજાની હાઈટેક ખેતી, પોલીસનું ‘ડ્રોન’ ઓપરેશન! સાબરકાંઠામાંથી 1.13 કરોડનો જથ્થો જપ્ત

સાબરકાંઠા SOGએ લાખિયા ગામમાં ડ્રોનની મદદથી 1.13 કરોડ રૂપિયાની કિંમતના ગાંજાની ખેતી ઝડપી પાડી. 226 કિલોગ્રામથી વધુ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ. જાણો કેવી રીતે પોલીસે આ ઓપરેશન પાર પાડ્યું.

સાબરકાંઠા, ગુરૂવાર
જિલ્લામાં નશાના કાળા કારોબાર સામે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ એક ગુપ્ત ઓપરેશનમાં લાખિયા ગામમાંથી 1.13 કરોડ રૂપિયાની કિંમતના ગાંજાના છોડનું વાવેતર ઝડપી પાડ્યું છે. આ સમગ્ર ઓપરેશનમાં પોલીસે આધુનિક ટેકનોલોજી એટલે કે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, જેનાથી આરોપીના મનસૂબા પર પાણી ફરી વળ્યું હતું.

ડ્રોને ખોલ્યું ગાંજાની ખેતીનું રહસ્ય
સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ SOGની ટીમ નશાના કારોબાર પર ચાંપતી નજર રાખી રહી હતી. આ દરમિયાન ટીમને બાતમી મળી હતી કે લાખિયા ગામની નાની સોનગઢ ફળીમાં રહેતો હાંમથા ડાભી નામનો શખ્સ પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરી રહ્યો છે.

બાતમીની સચોટતા ચકાસવા અને આરોપીને જાણ ન થાય તે માટે SOG ટીમે સૌપ્રથમ ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો. ડ્રોન સર્વેલન્સ દરમિયાન ખેતરમાં રહેણાંક મકાનની પાછળ મોટા પ્રમાણમાં શંકાસ્પદ છોડ દેખાયા હતા. ડ્રોનના ફૂટેજથી ખાતરી થતાં જ SOGની ટીમ એક્શનમાં આવી અને સરકારી પંચોને સાથે રાખીને તાત્કાલિક સ્થળ પર દરોડો પાડ્યો હતો.

કરોડોનો મુદ્દામાલ જપ્ત, આરોપીની ધરપકડ
પોલીસે ઘટનાસ્થળેથી કુલ 558 ગાંજાના છોડ જપ્ત કર્યા, જેનું વજન 226.237 કિલોગ્રામ હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત આશરે 1.13 કરોડ રૂપિયા જેટલી આંકવામાં આવી છે. પોલીસે ખેતરના માલિક અને મુખ્ય આરોપી હાંમથા ડાભીની ધરપકડ કરી છે અને તેની સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના એવા લોકો માટે લાલબત્તી સમાન છે જેઓ ટૂંકા રસ્તે પૈસા કમાવવા માટે યુવાધનને નશાના રવાડે ચડાવે છે. સાબરકાંઠા પોલીસની આ સફળ કામગીરીએ નશાના સોદાગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!