જે વાહનચાલકો જાહેર રસ્તાઓ પર કે અયોગ્ય જગ્યાએ પોતાના વાહનો પાર્ક કરીને ટ્રાફિકમાં અવરોધ ઊભો કરી રહ્યા હતા, તેમની સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.

કલોલ, શનિવાર
કલોલ શહેરમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યાને અંકુશમાં લેવા માટે કલોલ પોલીસે સઘન ઝુંબેશ હાથ ધરી છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ, ખાસ કરીને ગમે ત્યાં વાહન પાર્ક કરનારા વાહનચાલકો સામે પોલીસે દંડાત્મક કાર્યવાહી શરૂ કરતા શહેરમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે અત્યાર સુધીમાં આવા બેફામ પાર્કિંગ કરનારા વાહનચાલકો પાસેથી કુલ 8,700 નો દંડ વસૂલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કલોલ શહેરમાં ટ્રાફિક જામની સમસ્યા દિન-પ્રતિદિન વકરતી જતી હતી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કલોલ પોલીસે ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે એક વિશેષ ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશ હેઠળ, છેલ્લા ત્રણ દિવસથી પોલીસ શહેરના વિવિધ વિસ્તારોમાં સક્રિયપણે કાર્યવાહી કરી રહી છે.
જે વાહનચાલકો જાહેર રસ્તાઓ પર કે અયોગ્ય જગ્યાએ પોતાના વાહનો પાર્ક કરીને ટ્રાફિકમાં અવરોધ ઊભો કરી રહ્યા હતા, તેમની સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. પોલીસની આ દંડાત્મક કાર્યવાહીને કારણે આડેધડ વાહન પાર્ક કરવાની ટેવ ધરાવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુચારુ ન બને ત્યાં સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે. આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય શહેરીજનોને સુચારુ ટ્રાફિક પ્રવાહ પૂરો પાડવાનો અને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવાનો છે.










