મહાબળેશ્વર પાસે ગમખ્વાર અકસ્માત: 1500 ફૂટ ઊંડી ખીણમાં સ્કોર્પિયો ખાબકતા 8 યુવકોના દર્દનાક મોત

મહાબળેશ્વર નજીક આંબેનલી ઘાટ પર ગોઝારો અકસ્માત. 1500 ફૂટ ઊંડી ખીણમાં સ્કોર્પિયો કાર ખાબકતા સતારાના 8 યુવકોના કમકમાટીભર્યા મોત. જાણો દુર્ઘટના અને રેસ્ક્યુ ઓપરેશનની સંપૂર્ણ વિગત.

મહારાષ્ટ્ર, સોમવાર
મહારાષ્ટ્રના જાણીતા હિલ સ્ટેશન મહાબળેશ્વર નજીક એક અત્યંત કમકમાટીભર્યો અકસ્માત સર્જાયો છે. અહીં પ્રવાસીઓથી ભરેલી એક સ્કોર્પિયો કાર કાબૂ ગુમાવીને સીધી 1500 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી. આ હૃદયદ્રાવક દુર્ઘટનામાં કારમાં સવાર 8 યુવકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. ખીણ એટલી ઊંડી છે કે બચાવકર્મીઓને મૃતદેહો શોધવા માટે દૂરબીનનો સહારો લેવો પડ્યો છે.

ક્યારે અને કેવી રીતે બની દુર્ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત રાયગઢ જિલ્લાના આંબેનલી ઘાટ પર રવિવાર અને સોમવારની મધરાતે આશરે 2:45 વાગ્યે થયો હતો. મૃતક તમામ યુવકો સતારા જિલ્લાના કોરેગાંવ તાલુકાના આસગાંવના રહેવાસી હતા.

આ તમામ મિત્રો કોંકણના હરણાઈ બીચ પર ફરવા ગયા હતા અને ત્યાંથી વહેલી સવારે પોલાદપુર માર્ગે સતારા પરત ફરી રહ્યા હતા. રાતના અંધારામાં ડ્રાઈવરે કારના સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર સીધી ઊંડી ખીણમાં જઈને પડી હતી.

2018 ની એ ગોઝારી દુર્ઘટનાની યાદ તાજી થઈ
નોંધનીય છે કે, આ અકસ્માત એ જ ભયાનક જગ્યાની આસપાસ થયો છે, જ્યાં વર્ષ 2018 માં દાપોલી કૃષિ યુનિવર્સિટીની બસ ખીણમાં ખાબકી હતી. પોલાદપુર પોલીસ સ્ટેશનના અધિકારી આનંદ રાવડેના જણાવ્યા મુજબ, વહેલી સવારે અંધારું હોવાથી ડ્રાઈવરને રસ્તાનો સાચો અંદાજ ન આવતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
ખીણ અત્યંત ઊંડી અને ખતરનાક હોવાથી બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલી પડી રહી છે.

બનાવની જાણ થતાં જ પોલાદપુર પોલીસ, મહાબળેશ્વર ટ્રેકર્સ, પ્રતાપગઢ રેસ્ક્યુ ટીમ, સિસ્કેપ મહાડ, આપદા મિત્ર અને સ્થાનિક લોકોની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
શરૂઆતમાં ખીણનો તાગ મેળવવા માટે દૂરબીનની મદદ લેવામાં આવી હતી, જેમાં પહેલો મૃતદેહ નજરે પડ્યો હતો.
અત્યંત કઠિન પરિસ્થિતિઓ વચ્ચે રેસ્ક્યુ ટીમે 500 થી 700 ફૂટ નીચે ઉતરીને અત્યાર સુધીમાં 2 મૃતદેહો બહાર કાઢ્યા છે.
બાકીના અન્ય યુવકોના મૃતદેહો અને કારના કાટમાળને બહાર કાઢવા માટે હાલમાં સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!