ગિફ્ટસીટી બાદ સરગાસણમાં વધુ એક રોકાણ કૌભાંડ ! 2.15 કરોડનો ચૂનો લગાવ્યો

દર મહિને 2 ટકા વળતરની લાલચમાં આખી સોસાયટી બની શિકાર : કંપનીની ઓફિસોને લાગ્યા તાળા

ગાંધીનગર, રવિવાર (ગિરીશ પટેલ)

ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં રોકાણના નામે વધુ એક મોટું કૌભાંડ સામે આવ્યું છે. ગિફ્ટ સિટી નજીક શૂટ સ્પેસ કંપનીના કૌભાંડની ચર્ચા હજી શાંત પણ નથી પડી ત્યાં સરગાસણની એક સોસાયટીના રહીશો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થયાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. પોલીસે આ મામલે 2.15 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ગુનો નોંધાવી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સરગાસણની પ્રમુખ હોરીઝોન-1 સોસાયટીમાં રહેતા જીગ્નેશકુમાર સુરેશભાઈ જાની, જે કર્મકાંડ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમની જ સોસાયટીમાં રહેતો અભયભાઈ ખીમાભાઈ સાંજવા નામનો વ્યક્તિ પોતે ડીસીપ્લીન ટી એન્ડ ટી વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીનો એજન્ટ હોવાનું કહી લોકોને રોકાણ માટે પ્રેરિત કરતો હતો.

અભય સાંજવાએ સોસાયટીના રહીશોને દર મહિને 2 ટકા જેટલું આકર્ષક વળતર આપવાનો લોભ આપ્યો હતો. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે તે દર મહિને 1થી 10 તારીખ વચ્ચે નિયમિત વળતર પણ ચૂકવતો હતો. તેના કારણે રહીશોમાં વિશ્વાસ વધ્યો અને એક પછી એક લોકો મોટી રકમનું રોકાણ કરતા ગયા.

આ લાલચમાં આવી જીગ્નેશકુમાર જાનીએ પોતાના અને પત્નીના અલગ-અલગ બેંક ખાતાઓ તેમજ રોકડ મળીને કુલ 60 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમના ઉપરાંત સોસાયટીના અન્ય 11 જેટલા રહીશોએ પણ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. જો કે, માર્ચ મહિનાનું વળતર ન મળતાં રોકાણકારોમાં ચિંતા ફેલાઈ હતી. ઉઘરાણી કરતા અભય સાંજવાએ ટેકનિકલ કારણો બતાવી સમય માગ્યો હતો. બાદમાં 16 માર્ચના રોજ તેણે તમામ ભોગ બનનારાઓને ઘરે બોલાવી જણાવ્યું કે કંપનીના મુખ્ય ડાયરેક્ટર વિરાટ પરમાર ગુમ થઈ ગયા છે, પરંતુ પૈસા સુરક્ષિત છે અને ટૂંક સમયમાં પરત મળશે. આ વાતથી ગભરાયેલા રહીશોએ જ્યારે કુડાસણમાં આવેલી કંપનીની ઓફિસ અને અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી રજિસ્ટર્ડ ઓફિસે તપાસ કરી, ત્યારે બંને સ્થળે તાળા લટકતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં, અભય સાંજવાએ પણ મોબાઇલ બંધ કરી પરિવાર સાથે ફરાર થઈ જતાં છેતરપિંડીની હકીકત સામે આવી હતી. પોલીસે હાલ અભય સાંજવા અને કંપનીના સત્તાધીશો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

કૌભાંડનો ભોગ બનેલા રહીશો
જીગ્નેશકુમાર જાની – ₹60 લાખ
હિતેશકુમાર જાગાણી – ₹35 લાખ
જાગૃત ભાટીયા – ₹20 લાખ
ધવલ રાવલ – ₹20 લાખ
રાજકુમાર રાઠોડ – ₹20 લાખ
કેતુલ શાહ – ₹20 લાખ
સુજલ મકવાણા – ₹15 લાખ
કિશનભાઈ પટેલ – ₹10 લાખ
હિરેન કગરાણા – ₹5 લાખ
પરેશ પટેલ – ₹5 લાખ
અજયભાઈ પટેલ – ₹5 લાખ
આમ કુલ 2 કરોડ 15 લાખ રૂપિયાની પરસેવાની કમાણી ઠગાઈનો ભોગ બની છે.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!