રિક્ષા ગેંગનો આતંક: ગાંધીનગર પોલીસે 100થી વધુ CCTV ફૂટેજ તપાસી 3 આરોપીઓને ઝડપ્યા

ગાંધીનગરમાં મહિલાને રિક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ગેંગનો પર્દાફાશ, લાંભા ગામના 3 આરોપીઓ ઝડપાયા, 1 વોન્ટેડ.

ગાંધીનગર, રવિવાર
ગાંધીનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાને રિક્ષામાં બેસાડીને લૂંટી લેવામાં આવી હતી. ગાંધીનગર પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી 100થી વધુ CCTV ફૂટેજ તપાસીને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ઘટનાએ શહેરમાં ગુનાખોરીના વધતા પ્રમાણ અંગે ચિંતા જગાવી છે.

શું બની હતી ઘટના?
આ ઘટના 23 જુલાઈના રોજ બની હતી. ગાંધીનગરના કુડાસણ સ્વાગત રેઇન ફોરેસ્ટ-1માં રહેતા હર્ષાબેન ભટ્ટ ભાવનગરથી ટ્રાવેલ્સમાં આવ્યા હતા અને રાત્રે 8 વાગ્યાની આસપાસ ઇસ્કોન મંદિર પાસે ઉતર્યા હતા. કુડાસણ જવા માટે તેઓ એક શટલ રિક્ષામાં બેઠા. રિક્ષામાં ડ્રાઈવરની બાજુમાં એક વ્યક્તિ અને પાછળની સીટમાં હર્ષાબેનની બાજુમાં બે વ્યક્તિઓ પહેલેથી જ બેઠા હતા.

રિક્ષા ચાલકે મુખ્ય માર્ગને બદલે તારાપુરથી રીંગ રોડ પર રિક્ષાને વાળી દીધી. સરગાસણ ચોકડીથી આગળ ઘ-0 જતા રોડ પર એક વ્યક્તિએ વોશરૂમના બહાને રિક્ષા ઉભી રખાવી. ત્યાર બાદ ઘ-0 બ્રિજ નીચેથી ઇન્દ્રોડા સર્કલ ચ-0 જતા રોડ પર ફરીથી વોશરૂમના બહાને રિક્ષા રોકી. આ ત્રણેય વ્યક્તિઓ નીચે ઉતર્યા, પરંતુ વોશરૂમ ગયા વિના જ પાછા રિક્ષામાં બેસી ગયા.

લૂંટનો પર્દાફાશ
રિક્ષામાં બેઠા બાદ તરત જ આરોપીઓએ હર્ષાબેન પર હુમલો કર્યો. એક વ્યક્તિએ તેમને લાફો મારી નીચે પાડી દીધા. બીજાએ તેમનું મોઢું દબાવી ગળા પર છરો રાખ્યો, જ્યારે ડ્રાઈવરની બાજુમાં બેઠેલો વ્યક્તિ હિન્દીમાં ધમકી આપતો હતો. આરોપીઓએ હર્ષાબેનના ગળામાં પહેરેલો સોનાનો દોરો, કાનની બુટ્ટી, મોબાઈલ, પર્સમાંથી 2500 રૂપિયા રોકડા, અને કપડાંનો થેલો મળીને કુલ 1,47,500 રૂપિયાની મત્તા લૂંટી લીધી હતી. લૂંટ કર્યા બાદ, હર્ષાબેનને ચાલુ રિક્ષામાંથી ધક્કો મારી ફેંકી દઇ આ ગેંગ ફરાર થઈ ગઈ હતી.

પોલીસની સક્રિયતા અને આરોપીઓની ધરપકડ
આ ગંભીર ગુનાની જાણ થતા જ પોલીસ તંત્ર સક્રિય બન્યું. એસીપી રવિ તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ સેકટર 7 પીઆઈ બી.બી.ગોયલ સહિતની 5 ટીમો તાત્કાલિક કાર્યરત થઈ. પોલીસે સેક્ટર-1 ગાયત્રી મંદિરથી અમદાવાદ ઇસ્કોન ચાર રસ્તા સુધીના રોડ પરના 100થી વધુ સીસીટીવી ફૂટેજની ઝીણવટભરી તપાસ કરી. આ ફૂટેજના આધારે લૂંટ કરીને ફરાર થયેલી રિક્ષાની ઓળખ કરીને તેને ટ્રેક કરવામાં આવી.

ગણતરીના કલાકોમાં જ પોલીસે મોહિત બાલકૃષ્ણ શર્મા, ભાવેશ ઉર્ફે બંટી સુરેશભાઈ બાલોતરા અને અવિનાશ ઉર્ફે છોટુ ધર્મેન્દ્ર રાઠોડને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. જોકે, આ ગેંગનો ચોથો આરોપી સંજુ અન્ના હજુ વોન્ટેડ છે.

પીઆઈ ગોયલે જણાવ્યું કે આ ગેંગ નસેડી છે. લૂંટના ઇરાદે જ તેઓ રિક્ષા લઈને ફરતા ફરતા ઇસ્કોન પહોંચ્યા હતા અને હર્ષાબેનને બેસાડી આ ગુનો આચર્યો હતો. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-309(6), 351(3) તથા જી.પી.એક્ટ કલમ-135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!