ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર: ઓઇલની સાથે ઇન્ટરનેટ પર પણ મોટું જોખમ, શું ભારતમાં થશે બ્લેકઆઉટ? જાણો આખું સત્ય

ઈરાન અને ઈઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર મોટો ખતરો છે. આ રસ્તો માત્ર ઓઇલ માટે જ નહીં, પણ ગ્લોબલ ઇન્ટરનેટ માટે પણ લાઈફ લાઈન છે. જાણો શું ભારતમાં ઇન્ટરનેટ બંધ થઈ જશે?

નવી દિલ્હી, ગુરૂવાર
અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે આખી દુનિયાની નજર મિડલ ઈસ્ટ પર ટકેલી છે. અત્યાર સુધી આપણે એવું જ સાંભળતા આવ્યા છીએ કે જો ઈરાન પાસે આવેલી સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં કોઈ યુદ્ધ થાય, તો દુનિયાભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી જશે. કારણ કે આ રસ્તો ઓઇલ માટે દુનિયાની લાઇફ લાઇન છે.

પરંતુ, હવે આ ખતરો માત્ર કાચા તેલ પૂરતો સીમિત નથી રહ્યો. એક્સપર્ટ્સના મતે, જો આ વિસ્તારમાં યુદ્ધ ભડકશે, તો ઓઇલની સાથે સાથે તમારું ઇન્ટરનેટ પણ જોખમમાં મુકાઈ શકે છે. આ રસ્તો ઇન્ટરનેટ, ક્લાઉડ સર્વિસ અને ગ્લોબલ ડેટા ટ્રાફિક માટે પણ એટલો જ મહત્ત્વનો છે.

દરિયાના તળિયે છુપાયેલી છે ઇન્ટરનેટની દુનિયા
આપણે જે વાઇ-ફાઇ કે મોબાઇલ ડેટાનો ઉપયોગ કરીએ છીએ, તે હવામાંથી નહીં પણ દરિયાની અંદર પથરાયેલા હજારો કિલોમીટર લાંબા ઓપ્ટિકલ ફાઇબર કેબલથી ચાલે છે. દુનિયાનો 95 થી 99 ટકા ઇન્ટરનેશનલ ડેટા આ સબમરીન કેબલ (દરિયાઈ કેબલ) દ્વારા જ ટ્રાન્સફર થાય છે. આ કેબલ મારફતે ઈમેલ, બેન્કિંગ ટ્રાન્ઝેક્શન, સરકારી કામકાજ અને ક્લાઉડ ડેટાની લેવડદેવડ થાય છે. હાલમાં દુનિયાભરમાં 400 થી વધુ આવા કેબલ નેટવર્ક દરિયાના તળિયે આવેલા છે, જે લાઇટની સ્પીડથી ડેટા એક દેશથી બીજા દેશમાં મોકલે છે. જો આ કેબલ તૂટી જાય તો ઇન્ટરનેટ સાવ ધીમું પડી શકે છે અથવા તો બંધ પણ થઈ શકે છે.

સ્ટ્રેટ ઑફ હોર્મુઝ કેમ છે ડિજિટલ ચેકપોઈન્ટ?
મિડલ ઈસ્ટ અને યુરોપને જોડતા મોટાભાગના મહત્ત્વના ઇન્ટરનેટ કેબલ્સ પર્શિયન ગલ્ફ અને તેની આસપાસના રસ્તેથી જ પસાર થાય છે. જેમાં Gulf Bridge International, Falcon, Europe India Gateway અને I-Me-We જેવાં મોટા નેટવર્ક સામેલ છે. આ તમામ એશિયા, આફ્રિકા અને યુરોપને જોડે છે. આ જ કારણ છે કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝને માત્ર ઓઇલનું જ નહીં, પરંતુ ડિજિટલ ચેકપોઇન્ટ પણ કહેવામાં આવે છે. દરિયામાં રહેલા આ કેબલ ખૂબ જ નાજુક હોય છે. ઘણીવાર વહાણના એન્કર કે દરિયાઈ હિલચાલથી પણ તે તૂટી જતા હોય છે, તો યુદ્ધના સમયે બોમ્બમારો થાય તો આ કેબલ્સને ભારે નુકસાન થવાની પૂરી શક્યતા છે.

શું ભારતમાં ઇન્ટરનેટ બંધ થઈ જશે?
ભારતના યુઝર્સ માટે આ સૌથી મોટો સવાલ છે. ટેક એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ભારતથી યુરોપ કે અમેરિકા જતો ડેટા રૂટ મિડલ ઈસ્ટમાંથી પસાર થાય છે. રિપોર્ટ મુજબ, ભારતનો 1/3 (એક તૃતીયાંશ) વેસ્ટબાઉન્ડ ઇન્ટરનેટ ટ્રાફિક સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી જ પસાર થાય છે. પરંતુ, રાહતની વાત એ છે કે ભારતમાં સંપૂર્ણ બ્લેકઆઉટ (ઇન્ટરનેટ સાવ બંધ થઈ જવું) થવાની કોઈ શક્યતા નથી. ભારતીય ટેલિકોમ કંપની એરટેલનું કહેવું છે કે તેઓ આ ચોક્કસ કેબલનો ઉપયોગ નથી કરતા. ભારતનો મોટાભાગનો ઇન્ટરનેશનલ ડેટા ટ્રાફિક Red Sea (લાલ સમુદ્ર) અને Gulf of Aden માંથી પસાર થાય છે. હા, જો સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાં કેબલ તૂટે તો ડેટા અન્ય રસ્તે ડાયવર્ટ કરવો પડે, જેના કારણે ભારતમાં ઇન્ટરનેટની સ્પીડ ચોક્કસપણે ઘટી શકે છે.

અગાઉ પણ સ્પીડ ધીમી પડી ચૂકી છે
થોડા સમય પહેલા જ લાલ સમુદ્રમાં કેબલ તૂટવાની ઘટના બની હતી. ત્યારે એશિયા અને મિડલ ઈસ્ટના ઘણા દેશોમાં ઇન્ટરનેટ ધીમું પડી ગયું હતું. ક્લાઉડ સર્વિસને પણ માઠી અસર થઈ હતી. મોટી કંપનીઓએ પોતાનો ડેટા બીજા રૂટ પર મોકલવો પડ્યો હતો, જેથી નેટવર્ક પર લોડ વધી ગયો હતો.

મોટી ટેક કંપનીઓ માટે વધ્યું ટેન્શન
છેલ્લા કેટલાક વર્ષોમાં Amazon, Google અને Microsoft જેવી મોટી ટેક કંપનીઓએ મિડલ ઈસ્ટમાં ડેટા સેન્ટર અને AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ અબજો રૂપિયાનું રોકાણ કર્યું છે. આ ડેટા સેન્ટર્સને આખી દુનિયા સાથે કનેક્ટ કરતા કેબલ સ્ટ્રેટ ઑફ હોર્મુઝમાંથી જ નીકળે છે. જો યુદ્ધ વકરશે તો આ કંપનીઓના સર્વરને અને બિઝનેસને મોટો ફટકો પડી શકે છે.

ટૂંકમાં કહીએ તો, સ્ટ્રેટ ઑફ હોર્મુઝ માત્ર દુનિયાની ઓઇલની ટાંકી જ નથી, પરંતુ દુનિયાના ઇન્ટરનેટની જીવાદોરી પણ છે. જો આ વિસ્તારમાં કોઈ મોટી ઉથલપાથલ થશે, તો દુનિયાને માત્ર મોંઘા પેટ્રોલનો જ નહીં, પણ ધીમા અને ખોરવાયેલા ઇન્ટરનેટનો સામનો પણ કરવો પડશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!