યાત્રાધામ અંબાજી મંદિર દ્વારા ઓફિશિયલ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. હવે માઈભક્તો ઘરે બેઠા મોહનથાળ પ્રસાદનું બુકિંગ, ડિજિટલ દાન અને દર્શન-આરતીનો સમય જાણી શકશે. જાણો આ એપની તમામ સુવિધાઓ વિશે.

અંબાજી, ગુરૂવાર
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે એક મોટા અને ખુશીના સમાચાર છે. ભક્તોની સુવિધામાં વધારો કરવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અંબાજી મંદિરની સત્તાવાર (ઓફિશિયલ) મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. બનાસકાંઠા કલેક્ટર અને મંદિર ટ્રસ્ટના ચેરમેનના હસ્તે આ એપ ખુલ્લી મુકવામાં આવી છે. આ એપની મદદથી હવે માઈભક્તો પોતાના મોબાઈલથી જ મંદિરની વિવિધ સુવિધાઓનો ઘરે બેઠા આસાનીથી લાભ લઈ શકશે.
ક્યાંથી ડાઉનલોડ કરી શકાશે આ એપ?
અંબાજી મંદિરની આ નવી મોબાઈલ એપ બિલકુલ ફ્રી છે. એન્ડ્રોઇડ સ્માર્ટફોન વાપરતા યુઝર્સ તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી અને આઇફોન યુઝર્સ તેને એપલ એપ સ્ટોર પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકે છે.
નવી મોબાઈલ એપમાં મળશે શાનદાર સુવિધાઓ
ઓનલાઈન પ્રસાદ બુકિંગ: હવે ભક્તોએ પ્રસાદ માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. ઘરે બેઠા જ માતાજીના પ્રખ્યાત મોહનથાળ પ્રસાદનું ઓનલાઈન બુકિંગ કરી શકાશે.
ડિજિટલ દાનની સગવડ: આ એપ મારફતે ભક્તો જનરલ ડોનેશન, સુવર્ણ શિખર માટેનું દાન કે ભોજનાલયમાં ડિજિટલ દાન જમા કરાવી શકશે.
દર્શન અને આરતીનો સમય: મંદિરમાં આરતી અને દર્શનનો સમય શું છે, તેની રિયલ-ટાઇમ અને ચોક્કસ માહિતી એપમાં જોઈ શકાશે.
ઓનલાઈન ખરીદી: મંદિરને લગતી વસ્તુઓની ખરીદી માટે પણ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકાશે.
મહામેળા માટે રજીસ્ટ્રેશન: ભાદરવી પૂનમના મહામેળા વખતે પગપાળા આવતા પદયાત્રી સંઘો અને સેવા કેમ્પ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા પણ આ એપમાં આપવામાં આવી છે.
વહીવટી કામગીરી બનશે વધુ પારદર્શક અને સરળ
તમને જણાવી દઈએ કે, અંબાજી મંદિરમાં દર વર્ષે આશરે 1.20 કરોડ જેટલા મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત ભક્તો દ્વારા કરોડો રૂપિયાનું દાન પણ આપવામાં આવે છે. હવે આ નવી એપ્લિકેશનના માધ્યમથી આ તમામ કામગીરીને એક સેન્ટ્રલાઈઝ્ડ સર્વર સાથે જોડી દેવામાં આવી છે. ટેકનોલોજીના આ ઉપયોગથી વહીવટમાં વધુ પારદર્શિતા આવશે અને વ્યવસ્થા પણ ખૂબ જ સરળ બનશે.
માઈભક્તની નિઃશુલ્ક સેવા
આ એપની સૌથી ખાસ અને ગર્વ લેવા જેવી વાત એ છે કે, માતાજીના એક ભક્ત દ્વારા આ એપ્લિકેશન કોઈપણ જાતનો ચાર્જ લીધા વિના, બિલકુલ ફ્રીમાં તૈયાર કરી આપવામાં આવી છે. આગામી દિવસોમાં અંબાજી આવતા યાત્રિકો માટે આ મોબાઈલ એપ દર્શનના આયોજનથી લઈને અન્ય સુવિધાઓ મેળવવામાં ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે.











