SOG દ્વારા સુનિલકુમાર સામે PIT NDPS એક્ટ 1988 હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્તને મંજૂરી મળતા જ, આરોપીને તાત્કાલિક અટકાયતમાં લઈને જામનગર સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

ગાંધીનગર, સોમવાર
ગાંધીનગર જિલ્લામાં નાર્કોટિક્સના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસે સપાટો બોલાવ્યો છે. ગાંધીનગર રેન્જના વડા વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીના માર્ગદર્શન હેઠળ, SOG પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે, જેમાં ગાંજાના એક કુખ્યાત વેપારીને ફરી જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે.
કોણ છે આ આરોપી?
પકડાયેલ આરોપીનું નામ સુનિલકુમાર જશુભાઈ વાઘેલાછે, જે કલોલના મુબારકપુર ગામના હુડકા વાસનો રહેવાસી છે. સુનિલકુમાર જિલ્લા બહારથી ગાંજો લાવીને પોતાના ઘરે તેમજ આસપાસના વિસ્તારમાં તેનું બેરોકટોક વેચાણ કરતો હતો.
ગુનાહિત ઇતિહાસ અને ફરીથી સક્રિયતા
પોલીસના જણાવ્યા અનુસાર, સુનિલકુમાર વાઘેલાનો ગુનાહિત રેકોર્ડ રહ્યો છે. છેલ્લા 1 વર્ષમાં તેની સામે NDPS એક્ટ હેઠળ 2 ગુના નોંધાયા હતા. આ ગુનાઓમાં તે નિયમિત જામીન પર મુક્ત થયો હતો. જોકે, પોલીસને એવી આશંકા હતી કે તે ફરીથી પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ કરી શકે છે.
PIT NDPS એક્ટ હેઠળ કાર્યવાહી
આ શક્યતાને ધ્યાનમાં રાખીને, SOG દ્વારા સુનિલકુમાર સામે PIT NDPS એક્ટ 1988 હેઠળ દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. આ દરખાસ્તને મંજૂરી મળતા જ, આરોપીને તાત્કાલિક અટકાયતમાં લઈને જામનગર સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.
પોલીસનો મેસજ
પોલીસે આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે માદક પદાર્થોનું વેચાણ કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. પોલીસે એમ પણ જણાવ્યું હતું કે માદક પદાર્થો જાહેર જનતાના સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે અને ખાસ કરીને યુવાવર્ગને નશાના માર્ગે દોરી જાય છે. આવી પ્રવૃત્તિઓ વ્યક્તિ, પરિવાર, સમાજ અને રાષ્ટ્રને મોટા પાયે નુકસાન પહોંચાડે છે.











