ભારતના પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2025માં અમેરિકાની મુલાકાત લીધી હતી અને વ્હાઇટ હાઉસમાં અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ટ્રમ્પે ભારતને F-35 ફાઇટર જેટ વેચવાની ઓફર કરી હતી.

નવી દિલ્હી, શુક્રવાર
એક રિપોર્ટ મુજબ ભારતે અમેરિકાને જાણ કરી દીધી છે કે તે અમેરિકાનું 5મી જનરેશનનું F-35 ફાઇટર જેટ નહીં ખરીદે. ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોર વચ્ચે આ એક મોટો નિર્ણય સામે આવ્યો છે.
ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને સતત ચર્ચાઓ ચાલી રહી છે. જોકે, આ દરમિયાન અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે. માહિતી મુજબ, આ ટેરિફ 7 ઓગસ્ટથી લાગુ થશે. આ બધા વચ્ચે ભારત તરફથી પણ એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ભારતે અમેરિકાના F-35 ફાઇટર જેટને ખરીદવાનો ઇનકાર કરી દીધો છે.
ભારતે અમેરિકાને શું કહ્યું?
રિપોર્ટમાં જણાવ્યું છે કે, અમેરિકન પ્રોડક્ટ્સની ખરીદીમાં તેજી લાવવા પર વિચાર કરવા છતાં ભારત સરકાર દ્વારા અમેરિકા પાસેથી એડિશનલ ડિફેન્સ પ્રોડક્ટ્સ ખરીદવાની સંભાવના નથી. રિપોર્ટ મુજબ ભારતે અમેરિકાને જાણ કરી દીધી છે કે તે F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ ખરીદવામાં રસ ધરાવતું નથી.
ભારતે શા માટે F-35ની ઓફર ઠુકરાવી?
ભારતના પ્રાઈમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરી 2025માં અમેરિકાની મુલાકાત લીધી હતી અને વ્હાઇટ હાઉસમાં અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન ટ્રમ્પે ભારતને F-35 ફાઇટર જેટ વેચવાની ઓફર કરી હતી. રિપોર્ટ મુજબ, અધિકારીઓએ જણાવ્યું છે કે ભારત સરકાર ઘરેલુ સ્તરે ડિફેન્સ ઇક્વિપમેન્ટના સંયુક્ત ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ પર કેન્દ્રિત પાર્ટનરશિપમાં વધુ રસ ધરાવે છે. ભારતના ડિફેન્સ મિનિસ્ટ્રીએ અત્યાર સુધી આ વિશે કોઈ જવાબ આપ્યો નથી.
ટ્રમ્પે ભારત વિરુદ્ધ શું પગલું ભર્યું?
અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 1 ઓગસ્ટથી ભારતમાંથી આયાત થતા પ્રોડક્ટ્સ પર 25 ટકા ડ્યુટી લગાવવાની જાહેરાત કરી. ટ્રમ્પે રશિયા પાસેથી આયાત કરવા બદલ ભારત પર દંડાત્મક ઉપાય તરીકે દંડ લગાવવાની પણ જાહેરાત કરી, જે 25 ટકા ડ્યુટીથી અલગ હશે. ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાએ ભારત સાથે પ્રમાણમાં ઓછો વેપાર કર્યો છે કારણ કે તેની ડ્યુટી ખૂબ વધારે છે. ટ્રમ્પે વધુમાં કહ્યું – “ભારતે હંમેશા તેના લશ્કરી સાધનોનો મોટો ભાગ રશિયા પાસેથી ખરીદ્યો છે, અને ચીન સાથે રશિયાના ઉર્જાના સૌથી મોટા ખરીદદારો છે, જ્યારે દરેક જણ ઈચ્છે છે કે રશિયા યુક્રેનમાં હત્યાઓ બંધ કરે.”
ટેરિફ પર ભારતે શું કહ્યું?
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ લગાવ્યા બાદ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ગુરુવારે સંસદમાં આ વિશે નિવેદન આપ્યું છે. પીયૂષ ગોયલે કહ્યું છે કે ટેરિફની અસરોનું આકલન કરવામાં આવી રહ્યું છે અને રાષ્ટ્રીય હિતોને સુરક્ષિત કરવા અને આગળ વધારવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે. પીયૂષ ગોયલે સંસદમાં કહ્યું કે મોદી સરકાર ખેડૂતો, શ્રમિકો, ઉદ્યોગસાહસિકો, નિકાસકારો, MSME તથા ઉદ્યોગ જગતના તમામ હિતધારકોની રક્ષા અને સંવર્ધનને સર્વોચ્ચ મહત્વ આપે છે.











