અમેરિકાના ટેક્સાસમાં ભારતીય તિરંગાનું ઘોર અપમાન: સિટી હોલ બહાર રાષ્ટ્રધ્વજ ફાડતો વિડીયો વાઇરલ, ભારતીયોમાં ભારે આક્રોશ

અમેરિકાના ટેક્સાસમાં ફ્રિસ્કો સિટી હોલ બહાર ભારતીય ઇમિગ્રેશનનો વિરોધ કરી રહેલા એક વ્યક્તિએ જાહેરમાં ભારતનો રાષ્ટ્રધ્વજ ફાડી નાખ્યો. વાઇરલ વિડીયો બાદ સોશિયલ મીડિયા પર લોકોનો ઉગ્ર રોષ.

અમેરિકા, બુધવાર
કોઈપણ દેશનો રાષ્ટ્રધ્વજ માત્ર એક કાપડનો ટુકડો નથી હોતો, તે દેશના કરોડો નાગરિકોના સન્માન, આસ્થા અને ગૌરવનું પ્રતીક હોય છે. આપણા ‘તિરંગા’ માટે દરેક ભારતીયના હૃદયમાં સર્વોચ્ચ સન્માન છે. પરંતુ જ્યારે વિદેશની ધરતી પર આ તિરંગાનું જાહેરમાં અપમાન થાય, ત્યારે દુનિયાભરમાં વસતા ભારતીયોનું લોહી ઉકળી ઉઠવું સ્વાભાવિક છે. અમેરિકાના ટેક્સાસ રાજ્યમાંથી આવી જ એક શરમજનક અને આઘાતજનક ઘટના સામે આવી છે, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાવાઝોડાની જેમ વાઇરલ થઈ રહ્યો છે.

શું છે આખો મામલો?
પ્રાપ્ત અહેવાલો મુજબ, આ શરમજનક ઘટના ટેક્સાસના ફ્રિસ્કો સિટી હોલની બહાર બની છે. વિડીયોમાં દેખાતા શખ્સનું નામ ક્લેટન વોકર (Clayton Walker) છે, જે ટેક્સાસનો સ્થાનિક રહેવાસી છે.

શા માટે કર્યો વિરોધ?
આ વ્યક્તિ ઉત્તર ડલ્લાસ વિસ્તારમાં વધી રહેલા ભારતીય ઇમિગ્રેશનના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યો હતો. વાઇરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મોંમાં સિગારેટ દબાવીને ઉભેલો વોકર બેશરમીથી ભારતનો તિરંગો ફાડી રહ્યો છે. સૌથી કંપાવનારી વાત એ છે કે ત્યાં હાજર ભીડે આ કૃત્ય રોકવાને બદલે તેને પ્રોત્સાહન આપ્યું. લોકો તાળીઓ પાડી રહ્યા હતા અને વારંવાર ભારત વિરોધી અને અપમાનજનક સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

X પર વાઇરલ થયો વિડીયો
આખી ઘટનાનો વિડીયો માઈક્રોબ્લોગિંગ સાઈટ X પર @ElijahSchaffer નામના યુઝર દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. જોતજોતામાં આ વિડીયો આગની જેમ ફેલાઈ ગયો અને અત્યાર સુધીમાં લાખો લોકો તેને જોઈ ચૂક્યા છે. વિડીયો સામે આવતા જ ઇન્ટરનેટ પર ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

ભારતીયોએ આપ્યો જડબાતોડ જવાબ
સોશિયલ મીડિયા પર ભારતીયો અને અન્ય યુઝર્સે આ નફરત ફેલાવનારા કૃત્યની આકરી નિંદા કરી છે. કમેન્ટ સેક્શનમાં લોકોએ વોકર અને તેનો સાથ આપનારી ભીડની આકરી ઝાટકણી કાઢી છે.
એક યુઝરે કટાક્ષ કરતા લખ્યું કે, “આ એવા લોકો છે જેમને પોતાના જ દેશમાં સરખી નોકરી મળતી નથી. બીજા દેશોમાંથી આવેલા કુશળ અને મહેનતુ લોકોની સફળતા જોઈને રડવું અને બળતરા કરવી એ જ કદાચ આ લોકોનું કામ છે.” અન્ય એક યુઝરે લખ્યું કે, “ભારતની પ્રગતિ અને વૈશ્વિક છબીથી આ લોકો ગભરાઈ ગયા છે.”

વિદેશમાં ભારતીયોની સુરક્ષાનો મુદ્દો ફરી ચર્ચામાં
આ ઘટના માત્ર એક ઝંડા પૂરતી સીમિત નથી. આનાથી વિદેશમાં વસતા લાખો ભારતીયોની સુરક્ષા અને ત્યાં વધી રહેલા નફરતી (હેટ ક્રાઈમ) તત્ત્વો બાબતે ફરી એકવાર ગંભીર ચિંતા ઊભી થઈ છે.

જોકે, સોશિયલ મીડિયા પર નેટીઝન્સે આપેલા જવાબો પરથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે આવી છીછરી હરકતોથી ભારતની મજબૂત વૈશ્વિક છબીને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડી શકાશે નહીં. ભારત અને ભારતીયોની સફળતા જ આવા નફરતી તત્ત્વોને સૌથી મોટો જવાબ છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!