CBSEની 2026ની 12મા ધોરણની બોર્ડ પરીક્ષાના પેપર ચેકિંગ માટે અગાઉ GTU દ્વારા બ્લેકલિસ્ટ થયેલી Coempt Edu Teck કંપનીને કોન્ટ્રાક્ટ આપતા મોટો વિવાદ સર્જાયો છે.

અમદાવાદ, બુધવાર
વિદ્યાર્થીઓના જીવનમાં બોર્ડની પરીક્ષાઓ એક અત્યંત મહત્ત્વનો તબક્કો હોય છે. લાખો પરિવારો પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રાત-દિવસ એક કરતા હોય છે. પરંતુ જ્યારે પરીક્ષાનું પરિણામ તૈયાર કરતી સિસ્ટમમાં જ મોટી ખામીઓ હોય, ત્યારે આ મહેનત પર પાણી ફરી વળતું હોય છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE દ્વારા 2026ની ધોરણ 12ની બોર્ડ પરીક્ષાના ઉત્તરપુસ્તિકા મૂલ્યાંકન માટે એક નવી સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. આ સિસ્ટમનું નામ On-Screen Marking એટલે કે OSM છે. આ પદ્ધતિમાં વિદ્યાર્થીઓએ લખેલા જવાબપત્રોને સ્કેન કરીને તેનું ડિજિટલ રીતે માર્કિંગ કરવામાં આવે છે. આ ખૂબ જ સંવેદનશીલ અને જવાબદારીભર્યું કામ હૈદરાબાદ સ્થિત Coempt Edu Teck Pvt. Ltd. નામની કંપનીને સોંપવામાં આવ્યું છે. આ નિર્ણયે એક મોટા વિવાદને જન્મ આપ્યો છે કારણ કે આ જ કંપની અગાઉ ગુજરાતમાં બ્લેકલિસ્ટ થયેલી છે.
અગાઉ પણ સામે આવી છે ક્ષતીઓ
ગુજરાતની સૌથી મોટી ટેકનિકલ યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTU છે. આ યુનિવર્સિટી સાથે હજારો કોલેજો જોડાયેલી છે અને તેમાં લાખો વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ કરી રહ્યા છે. વર્ષ 2022ની વાત કરીએ તો, વિન્ટર 2022 અને સમર 2022ની પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓની ઉત્તરપુસ્તિકાઓના ઈ-એસેસમેન્ટની કામગીરી આ જ Coempt એજન્સીને સોંપવામાં આવી હતી. કામગીરી દરમિયાન કંપનીએ વિદ્યાર્થીઓના ડેટાની ગુપ્તતા અને ગોપનીયતા જાળવી ન હતી તેવું સ્પષ્ટપણે નોંધવામાં આવ્યું હતું. આ પ્રકારની ભયંકર ક્ષતિઓ સામે આવતા યુનિવર્સિટી સત્તાધીશોએ કડક પગલાં લેવાની ફરજ પડી હતી.
કંપની સામે લેવાઇ ચુક્યાં છે પગલાં
GTU દ્વારા એક ઔપચારિક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઠરાવમાં સ્પષ્ટ આદેશ કરાયો હતો કે વિન્ટર 2022નો વર્ક ઓર્ડર રદ કરવો. સાથે જ સમર 2022ના બિલમાં 7.5 ટકા પેનલ્ટી કાપવાનો પણ કડક નિર્ણય લેવાયો હતો. સૌથી મોટી વાત એ હતી કે આ એજન્સીને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવી હતી. ઠરાવમાં સ્પષ્ટ અક્ષરે લખાયું હતું કે ભવિષ્યમાં ફરી ક્યારેય GTU દ્વારા ઈ-એસેસમેન્ટની કામગીરી આ કંપનીને સોંપવી નહીં. આ સમગ્ર બાબતનો સત્તાવાર પુરાવો આપેલો હતો.
માત્ર દેખાવ પૂરતી દંડનાત્મક કાર્યવાહી
આ મુદ્દે આજથી બે વર્ષ પહેલાં પણ અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. ખુદ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને મીડિયા સમક્ષ આ કંપનીના તમામ કાળા કાર્યોના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ વિગતવાર પત્ર લખીને આ ગંભીર કૌભાંડ તરફ ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પત્ર અને વિરોધની વિગતો ફાઈલમાં સ્પષ્ટ દર્શાવેલી છે. છતાં પણ તંત્રનું મૌન અને સરકારની મૌન મંજૂરી ઘણા સવાલો ઊભા કરે છે. તાજેતરમાં કંપની સામે માત્ર દેખાવ પૂરતી દંડનાત્મક કાર્યવાહી કરી આખા પ્રકરણ પર પડદો પાડી દેવામાં આવ્યો અને કંપની બ્લેકલિસ્ટ હોવા છતાં તેને ફરીથી કામ આપવાનો આઘાતજનક નિર્ણય લેવામાં આવ્યો છે.

કંપનીનો ઇતિહાસ ખૂબ જ ડરામણો
આ કંપનીનો ઇતિહાસ ખૂબ જ ડરામણો છે. આ કંપનીનું જૂનું નામ Globarena Technologies Pvt. Ltd. હતું અને લગભગ 2019 અથવા 2020ની આસપાસ બ્રાન્ડિંગના બહાને તેમણે પોતાનું નામ બદલી નાખ્યું હતું. આ કંપની 11 એપ્રિલ 2000ના રોજ નોંધાયેલી છે, એટલે કે તે લગભગ 26 વર્ષ જૂની છે અને તેનું વડું મથક હૈદરાબાદમાં આવેલું છે. વર્ષ 2019માં તેલંગાણા સ્ટેટ બોર્ડ ઓફ ઇન્ટરમીડિયેટ એજ્યુકેશન સાથે આ કંપનીનો કોન્ટ્રાક્ટ હતો. તે સમયે 9.7 લાખ વિદ્યાર્થીઓમાંથી 3.8 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા. ઘણા કિસ્સાઓમાં માર્ક્સ ખોટા આપવામાં આવ્યા હતા, અમુક વિદ્યાર્થીઓને પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજર દર્શાવવામાં આવ્યા હતા અને ડેટા પ્રોસેસિંગમાં અનેક ગંભીર ભૂલો સામે આવી હતી. આ ભયંકર પરિણામોના આઘાતથી 20 થી 23 જેટલા માસૂમ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ સરકારી તપાસ કમિટી બેસાડવામાં આવી હતી જેણે પોતાના રિપોર્ટમાં સિસ્ટમિક ફેલ્યોર, પ્રોસિજરલ કોલેપ્સ અને બેદરકારીનો ઉલ્લેખ કર્યો હતો, જેના પરિણામે કોન્ટ્રાક્ટ કેન્સલ કરવામાં આવ્યો હતો. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો જ્યાં કંપનીની સ્પેશિયલ લીવ પિટિશન રિજેક્ટ થઈ હતી.
આટલી મોટી દુર્ઘટના પછી પણ કંપનીની કામગીરીમાં કોઈ જ સુધારો આવ્યો ન હતો. વર્ષ 2025માં નાગપુર યુનિવર્સિટીએ તેમને 5 કરોડ રૂપિયાનો 3 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો જે પ્રી અને પોસ્ટ એક્ઝામ વર્ક માટે હતો. અહીં પણ 3.17 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અસરગ્રસ્ત થયા હતા. માર્કશીટમાં ભૂલો, વિષયોનું મિસમેચ થવું, હોલ ટિકિટમાં ખામીઓ અને 1200 કરતાં વધુ પરીક્ષાઓના પરિણામોમાં વિલંબ જેવી સમસ્યાઓ ઊભી થઈ હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા 300થી વધુ ફરિયાદો નોંધાવવામાં આવી હતી.

આવો કાળો ઇતિહાસ હોવા છતાં CBSE દ્વારા 2026ની બોર્ડ પરીક્ષા માટે આ જ કંપની પર પસંદગી ઉતારવામાં આવી છે. ઓન-સ્ક્રીન માર્કિંગ સિસ્ટમમાં અત્યારથી જ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્કેન કરેલા જવાબો અસ્પષ્ટ અને બ્લરી હોવાની ફરિયાદો સતત ઉઠી છે. ઉત્તરપુસ્તિકાઓ મિક્સ થઈ જવી, માર્ક્સની ગણતરીમાં ભૂલો થવી અને માર્કિંગ પોર્ટલ વારંવાર ક્રેશ થઈ જવાના બનાવો બની રહ્યા છે. રિ-ઇવેલ્યુએશનની પ્રક્રિયામાં પણ અસહ્ય વિલંબ થઈ રહ્યો છે. આ બધી સમસ્યાઓના કારણે પાસ થનારા વિદ્યાર્થીઓની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ ફેલાયો છે.
હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આવી બ્લેકલિસ્ટ થયેલી અને ડાઘવાળી કંપનીને દેશની સૌથી પ્રતિષ્ઠિત એજ્યુકેશન બોર્ડનો કોન્ટ્રાક્ટ મળ્યો કેવી રીતે. આખી ટેન્ડર પ્રક્રિયા પર નજર કરીએ તો ખ્યાલ આવે છે કે નિયમોમાં જાણીજોઈને મોટા ફેરફારો કરવામાં આવ્યા હતા જેથી આ કંપનીને સીધો ફાયદો થઈ શકે. સીબીએસઈએ આ કામ માટે ત્રણ વખત ટેન્ડર બહાર પાડ્યા હતા. પહેલું ટેન્ડર 4 ફેબ્રુઆરી 2025 ના રોજ બહાર પડ્યું હતું જે રહસ્યમય રીતે અદૃશ્ય થઈ ગયું હતું અથવા તો ડિલીટ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બીજું ટેન્ડર 2 મે 2025 ના રોજ જૂના નિયમો સાથે બહાર પાડવામાં આવ્યું હતું. આમાં 4 કંપનીઓએ ભાગ લીધો હતો જેમાં TCS જેવી મોટી કંપની પણ સામેલ હતી, પરંતુ તમામ બિડર્સ ફેલ થતાં તે ટેન્ડર કેન્સલ કરવામાં આવ્યું હતું. છેવટે ત્રીજું ટેન્ડર 28 ઓગસ્ટ 2025 ના રોજ નવા નિયમો સાથે રજૂ કરાયું, જેમાં Coempt કંપની સૌથી ઓછી બિડ લગાવીને જીતી ગઈ.
ટેન્ડરના નિયમોમાં 10 કરતાં વધુ એવા શંકાસ્પદ ફેરફારો કરવામાં આવ્યા હતા જે સીધા જ આ કંપનીને અનુકૂળ આવે તેવા હતા. સૌથી પહેલો ફેરફાર પૂઅર પરફોર્મન્સ ક્લોઝનો હતો. જૂના નિયમો મુજબ જો કોઈ કંપનીનું કામ ખરાબ હોય, કોન્ટ્રાક્ટ અધવચ્ચે છોડી દીધો હોય અથવા આર્થિક સ્થિતિ નબળી હોય તો તેને તરત જ ડિસક્વોલિફાય કરવામાં આવતી હતી. નવા નિયમોમાંથી આ ક્લોઝ સંપૂર્ણપણે કાઢી નાખવામાં આવ્યો જેથી કંપનીનો તેલંગાણાનો કાળો ઇતિહાસ સામે ના આવે.
બીજો ફેરફાર બ્લેકલિસ્ટ ક્લોઝમાં થયો. પહેલા નિયમ હતો કે જો કંપની ભૂતકાળમાં ક્યારેય બ્લેકલિસ્ટ થઈ હોય તો તે ભાગ લઈ શકે નહીં. નવા નિયમમાં એવું લખવામાં આવ્યું કે કંપની હાલમાં બ્લેકલિસ્ટ ન હોવી જોઈએ, જેનાથી કંપનીને સીધો ફાયદો મળ્યો.
ત્રીજો મોટો ફેરફાર ટર્નઓવરની શરતમાં હતો. શરત મુજબ 50 કરોડ રૂપિયાનું ટર્નઓવર જરૂરી હતું અને આ કંપનીનું 3 વર્ષનું સરેરાશ ટર્નઓવર 50.86 કરોડ રૂપિયા હતું, જે માંગ્યા કરતાં માત્ર 1.7 ટકા જ વધુ હતું. બીજી કંપનીઓએ 30 કરોડની માંગ કરી હતી પરંતુ તે નકારી કાઢવામાં આવી હતી.
ચોથો ફેરફાર સોફ્ટવેર ક્વોલિટી સ્ટાન્ડર્ડ CMMI લેવલ ઘટાડવાનો હતો. જૂના નિયમમાં લેવલ 5 જરૂરી હતું પરંતુ તેને ઘટાડીને લેવલ 3 કરી દેવાયું કારણ કે આ કંપની પાસે માત્ર લેવલ 3 નું સર્ટિફિકેટ હતું.
પાંચમો ફેરફાર કૂલિંગ ઓફ પિરિયડનો હતો. અગાઉના અધિકારીઓ સાથે સંબંધ રાખવા પરના પ્રતિબંધનો સમય 2 વર્ષથી ઘટાડીને 1 વર્ષ કરી દેવામાં આવ્યો.
આ સિવાયના અન્ય ફેરફારો પણ એટલા જ ગંભીર હતા. છઠ્ઠો ફેરફાર પ્રોજેક્ટ ક્રાઇટેરિયા અંગેનો હતો. પહેલા દરેક પ્રોજેક્ટમાં ઓછામાં ઓછા 5 લાખ વિદ્યાર્થીઓ હોવા જરૂરી હતા, પરંતુ નવા નિયમમાં ક્યુમ્યુલેટિવ આન્સર બુક્સની ગણતરી માન્ય રખાઈ જેથી કંપનીના નાના યુનિવર્સિટી કોન્ટ્રાક્ટ્સને પણ ગણતરીમાં લઈ શકાય. સાતમો ફેરફાર ડેટા સેન્ટર અંગેનો હતો. પહેલા કંપની પાસે પોતાનું ડેટા સેન્ટર અને ડિઝાસ્ટર રિકવરી સાઇટ હોવું ફરજિયાત હતું, પરંતુ નવા નિયમમાં AWS અથવા Azure જેવા ક્લાઉડ પ્લેટફોર્મ પર સિસ્ટમ ચલાવવાની છૂટ અપાઈ ગઈ, જે સીધી રીતે આ કંપની માટે અનુકૂળ હતું.
આઠમો ફેરફાર સોફ્ટવેરની માલિકી અંગેનો હતો જેમાં માલિકીના સોર્સ કોડની જરૂરિયાત રદ કરી પ્રોપરાઇટરી સોફ્ટવેરને મંજૂરી અપાઈ. નવમો ફેરફાર બિડ સબમિટ કરતા પહેલા એક કોરિજેન્ડમ દ્વારા બ્લેકલિસ્ટિંગ શબ્દ કાઢી નાખવાનો હતો જેથી ભવિષ્યમાં કોઈ પેનલ્ટી ન લાગે. અને છેલ્લે, સ્કેનિંગનું રિઝોલ્યુશન 300 DPI થી ઘટાડીને 200 DPI કરી દેવામાં આવ્યું, સ્કેનરની જરૂરિયાતો નબળી કરાઈ અને CERTin VAPT જેવા સિક્યુરિટી ઓડિટના નિયમો પણ નબળા કરી દેવાયા. જ્યારે સ્કેનિંગનું રિઝોલ્યુશન 300 DPI થી ઘટાડીને 200 DPI કરવામાં આવે છે, ત્યારે ઉત્તરવહીના પાના એકદમ ઝાંખા દેખાય છે જેના લીધે માર્કિંગમાં મોટી ભૂલો થવાની શક્યતા વધી જાય છે.
આટલા બધા નિયમોમાં રાતોરાત ફેરફાર થવા અને એક બ્લેકલિસ્ટ થયેલી એજન્સીને આટલું મોટું કામ સોંપવું એ કોઈ સામાન્ય બાબત નથી. ગુજરાતમાં જે કંપની વિદ્યાર્થીઓના ડેટા સાચવવામાં નિષ્ફળ રહી હોય તેને આખા દેશના વિદ્યાર્થીઓનું ભવિષ્ય કેવી રીતે સોંપી શકાય? આ આખો ઘટનાક્રમ વિદ્યાર્થીઓના હિતમાં નથી અને તેની પાછળ ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે. જો આ મામલે સરકાર તરફથી સત્વરે કોઈ નિષ્પક્ષ તપાસ કમિટીની રચના નહીં કરવામાં આવે અને આ કોન્ટ્રાક્ટ પર ફેરવિચારણા નહીં થાય, તો આવનારા સમયમાં લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે મોટો ચેડો થઈ શકે છે. શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રમાં આવી બેદરકારી અને મનમાની દેશના ભવિષ્ય માટે અત્યંત ઘાતક સાબિત થઈ શકે છે.










