અમેરિકા ભણવા ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ સાવધાન! નાનકડી ભૂલ પડશે ભારે, સીધા કરાશે ડિપોર્ટ: US એમ્બેસીની કડક ચેતવણી

US Student Visa News: અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ માટે લાલબત્તી સમાન સમાચાર! US એમ્બેસીએ આપી કડક ચેતવણી: કાયદો તોડ્યો તો વિઝા રદ થશે અને દેશ નિકાલ (Deport) પણ કરાશે. જાણો ટ્રમ્પ સરકારના કડક નિયમો વિશે વિગતે.

નવી દિલ્હી, ગુરૂવાર
અમેરિકા જઈને ભણવું એ લાખો ભારતીય વિદ્યાર્થીઓનું સપનું હોય છે, પરંતુ હાલમાં અમેરિકાથી જે સમાચાર આવી રહ્યા છે તે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓની ચિંતામાં વધારો કરી શકે છે. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તામાં આવ્યા બાદ ઈમિગ્રેશનના નિયમો સતત કડક બની રહ્યા છે. હવે અમેરિકન સરકારે ત્યાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી દીધી છે કે જો નિયમોનું પાલન નહીં કરો, તો ભારે કિંમત ચૂકવવી પડશે.

7 જાન્યુઆરીએ અપાઈ કડક ચેતવણી
અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસે આજે એટલે કે 7 જાન્યુઆરીના રોજ સોશિયલ મીડિયા પર એક ગંભીર ચેતવણી જાહેર કરી છે. આ સંદેશમાં ખાસ કરીને અમેરિકામાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને સંબોધવામાં આવ્યા છે. દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈપણ વિદ્યાર્થી અમેરિકાના કાયદાનો ભંગ કરશે, તો તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.

‘વિઝા એ સુવિધા છે, તમારો અધિકાર નથી’
ભારત સ્થિત અમેરિકન એમ્બેસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું છે કે, વિદ્યાર્થીઓએ આ વાત ખાસ મગજમાં ઉતારી લેવી જોઈએ કે અમેરિકન વિઝા મળવો એ એક સુવિધા છે, તે તમારો જન્મસિદ્ધ અધિકાર નથી.

દૂતાવાસે ચેતવણી આપતા જણાવ્યું છે કે જો તમે અમેરિકાનો કોઈ પણ કાયદો તોડશો તો તમારા સ્ટુડન્ટ વિઝા પર તેની ગંભીર અસર પડશે. જો તમારી ધરપકડ થાય છે અથવા તમે કાયદાકીય મુશ્કેલીમાં મુકાવ છો, તો તમારા વિઝા તાત્કાલિક રદ થઈ શકે છે. માત્ર વિઝા રદ જ નહીં, પરંતુ તમને અમેરિકામાંથી દેશ નિકાલ પણ કરવામાં આવી શકે છે. સૌથી મોટી મુશ્કેલી એ આવી શકે છે કે ભવિષ્યમાં તમને ક્યારેય અમેરિકાના વિઝા માટે યોગ્ય ગણવામાં ન આવે.
તેથી વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાના અભ્યાસ અને કારકિર્દી પર ધ્યાન આપે અને પોતાની મુસાફરી કે ભવિષ્યને ખતરામાં ન મૂકે.

ટ્રમ્પ શાસનમાં નિયમો બન્યા વધારે કડક
નોંધનીય છે કે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા છે, ત્યારથી ભારત અને અમેરિકાના સંબંધોમાં થોડો તણાવ જોવા મળી રહ્યો છે. ટ્રમ્પના નિર્ણયો અને નિવેદનોના કારણે ઈમિગ્રેશન પોલિસીમાં મોટા ફેરફારો આવી રહ્યા છે. ટ્રમ્પ સરકાર ગેરકાયદેસર વસવાટ અને નિયમોના ઉલ્લંઘન પ્રત્યે ખૂબ જ કડક વલણ દાખવી રહી છે. આ પહેલા પણ અમેરિકન દૂતાવાસે ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરતા લોકો માટે ચેતવણી જાહેર કરી હતી. તેમાં પણ કહેવામાં આવ્યું હતું કે ઈમિગ્રેશન કાયદાનું ઉલ્લંઘન કરનારાઓને મોટી ક્રિમિનલ સજા થઈ શકે છે.

વિદ્યાર્થીઓ માટે શું છે સલાહ?
જો તમે અથવા તમારા પરિવારમાંથી કોઈ અમેરિકામાં અભ્યાસ કરે છે, તો આ સમય સાવચેતી રાખવાનો છે. નાની અમથી ભૂલ કે કાયદાનો ભંગ તમારા આખા ભવિષ્ય પર પૂર્ણવિરામ મૂકી શકે છે. અત્યારના તંગ માહોલમાં અમેરિકન કાયદાઓનું ચુસ્તપણે પાલન કરવું જ વિદ્યાર્થીઓના હિતમાં છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!