જમીન માલિકો માટે મોટા રાહતના સમાચાર: NA મંજૂરી વખતે કલેક્ટર ટાઈટલ નહીં તપાસી શકે, હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે જમીન NA (બિન ખેતી) પરવાનગી અંગે મહત્વનો ચુકાદો આપ્યો છે. હવે કલેક્ટર જમીનના ટાઈટલની તપાસ કરી શકશે નહીં, માત્ર કબ્જો જ ધ્યાને લેવાશે. જાણો આ નિર્ણયથી સામાન્ય લોકોને શું ફાયદો થશે.

અમદાવાદ, ગુરૂવાર
ગુજરાતમાં જમીન મિલકત ધારકો અને રિયલ એસ્ટેટ સેક્ટર માટે એક અત્યંત મહત્વના અને રાહતરૂપ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટે જમીનને બિન ખેતી કરવા અંગેની પરવાનગી પ્રક્રિયામાં એક મોટો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, જ્યારે કોઈ અરજદાર જમીન NA કરાવવા માટે અરજી કરે, ત્યારે કલેક્ટર કે સત્તાધિકારીઓને જમીનના માલિકી હક્ક ની ઊંડાણપૂર્વક તપાસ કરવાનો કોઈ અધિકાર નથી.

હાઈકોર્ટે શું કહ્યું?
હાઈકોર્ટની ખંડપીઠે લેન્ડ રેવન્યુ કોડની કલમ 65ને ટાંકીને કહ્યું છે કે, આ કલમ હેઠળ જ્યારે કોઈ અધિકારી NA પરવાનગીની અરજી તપાસે છે, ત્યારે તેમણે માત્ર એટલું જ જોવાનું હોય છે કે અરજદાર જમીનનો કબજેદાર છે કે નહીં. કાયદો અહીં માલિક શબ્દ વાપરતો નથી, પરંતુ કબજેદાર શબ્દ વાપરે છે.

કોર્ટે ટકોર કરી હતી કે માલિકી હક્કના ઝઘડા કે ટાઈટલ ક્લીયર છે કે નહીં તે નક્કી કરવાનું કામ રેવન્યુ અધિકારીનું નથી, પરંતુ તે સિવિલ કોર્ટના અધિકારક્ષેત્રમાં આવે છે. એટલે કે, કલેક્ટર પોતાની સત્તા બહાર જઈને ટાઈટલની તપાસ કરીને NA અરજી નામંજૂર કરી શકે નહીં.

આખો કેસ શું હતો?
આ મામલો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભયાવદર ગામનો છે. અહીં અરજદારોએ સર્વે નંબર 1332 પૈકીની કુલ 1-19-96 ચોરસ મીટર જમીન વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. આ જમીન પર તેમના નામની રેવન્યુ નોંધ પણ પડી ગઈ હતી. જ્યારે તેમણે આ જમીન પર રહેણાંક હેતુ માટે NAની મંજૂરી માંગી, ત્યારે ધોરાજીના ડેપ્યુટી કલેક્ટરે અને ત્યારબાદ ગાંધીનગરના સ્પેશિયલ સેક્રેટરી (અપીલ્સ – SSRD)એ જમીનનો માલિકી હક સ્પષ્ટ નથી તેવું કારણ આપીને અરજી ફગાવી દીધી હતી.

આ અન્યાય સામે અરજદારોએ ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે આ જ જમીન માટે ભૂતકાળમાં (વર્ષ 2008માં) NA મંજૂરી મળી ચૂકી હતી અને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (RUDA)એ લે-આઉટ પ્લાન પણ પાસ કર્યા હતા, ત્યારે માલિકીનો કોઈ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો ન હતો.

જૂના હુકમો રદ, નવો આદેશ જારી
ગુજરાત હાઈકોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ ડેપ્યુટી કલેક્ટરના તારીખ 30.05.2015 અને સ્પેશિયલ સેક્રેટરીના તારીખ 05.04.2016ના આદેશોને રદ કરી દીધા છે. કોર્ટે કહ્યું કે આ અધિકારીઓએ કલમ 65ની મર્યાદા બહાર જઈને કામ કર્યું છે.

હવે હાઈકોર્ટે સક્ષમ અધિકારીને કડક સૂચના આપી છે કે હાઈકોર્ટના આ ચુકાદાની નકલ મળ્યાના 6 અઠવાડિયાની અંદર અરજદારની અરજી પર ફરીથી વિચાર કરવામાં આવે અને કાયદાની મર્યાદામાં રહીને (માત્ર કબજો જોઈને) નિર્ણય લેવામાં આવે.

સામાન્ય નાગરિકોને શું ફાયદો થશે?
આ ચુકાદાની સીધી અસર લાખો અરજદારો પર પડશે. ઘણીવાર એવું બને છે કે જમીન પર કબ્જો હોય, દસ્તાવેજ હોય છતાં નાની-મોટી જૂની તકરારો કે ટાઈટલની અસ્પષ્ટતાના બહાને અધિકારીઓ NAની ફાઈલો અટકાવી રાખતા હોય છે. હવે હાઈકોર્ટના આ આદેશ બાદ અધિકારીઓએ માત્ર કબજો જ પ્રાથમિકતા આપવી પડશે. આનાથી ભ્રષ્ટાચાર ઘટશે અને જમીન-મકાનના પ્રોજેક્ટ્સ ઝડપથી આગળ વધી શકશે. વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા આવશે અને નાગરિકોને ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!