અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય રમતનો શંખનાદ: કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો પ્રારંભ, 30 દેશના 291 એથ્લિટ્સ લેશે ભાગ

અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો શાનદાર પ્રારંભ થયો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઉદ્ઘાટન કર્યું. જાણો આ ઇન્ટરનેશનલ ઇવેન્ટ વિશેની તમામ ડિટેલ્સ.

અમદાવાદ, સોમવાર
અમદાવાદ શહેર ફરી એકવાર એક મોટી ઇન્ટરનેશનલ સ્પોર્ટ્સ ઇવેન્ટનું સાક્ષી બન્યું છે. શહેરના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2025નો રંગારંગ કાર્યક્રમ સાથે પ્રારંભ થયો છે. કેન્દ્રીય રમતગમત મંત્રી ડો. મનસુખ માંડવિયાએ આ ચેમ્પિયનશિપને ખુલ્લી મુકતા જણાવ્યું કે, આવા મોટા આયોજન દેશના યુવા એથ્લિટ્સ માટે પ્રેરણાનું કેન્દ્ર બનશે અને તેમને ખૂબ પ્રોત્સાહન મળશે.

‘ખેલો ઈન્ડિયા’ અને ‘ફિટ ઇન્ડિયા’થી સ્પોર્ટ્સ કલ્ચરનો વિકાસ
કેન્દ્રીય મંત્રી માંડવિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનની પ્રશંસા કરતાં કહ્યું કે, તેમના ‘ખેલો ઈન્ડિયા’ અને ‘ફિટ ઇન્ડિયા’ જેવા અભિયાનોને કારણે આજે દેશમાં એક મજબૂત સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે, નવી સ્પોર્ટ્સ પોલિસીમાં ગુડ ગવર્નન્સ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે, જેથી રમતવીરોને કેન્દ્રમાં રાખીને નિર્ણયો લેવાય. આ પોલિસી મહિલાઓ અને દિવ્યાંગ ખેલાડીઓને પણ સ્પોર્ટ્સમાં સમાન તક અને પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરે છે.

2026 કોમનવેલ્થ ગેમ્સ માટે ક્વોલિફાયર ઇવેન્ટ
આ ચેમ્પિયનશિપનું મહત્વ એટલા માટે પણ વધારે છે કારણ કે તે 2026માં ગ્લાસગો ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ માટેની ક્વોલિફાયર ઇવેન્ટ છે. ઇન્ટરનેશનલ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ મહોમ્મદ હસન જલૂદે જણાવ્યું કે, ભારતના યંગ ટેલેન્ટ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે અને ભારત સરકારના સપોર્ટથી જ આવું ભવ્ય આયોજન શક્ય બન્યું છે.

કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ફેડરેશનના સેક્રેટરી જનરલ પોલ કોફફાએ અમદાવાદના આયોજનને ઓલિમ્પિક સ્તરનું ગણાવ્યું અને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના સહયોગની પ્રશંસા કરી.

30 દેશોના 291 એથ્લિટ્સ વચ્ચે જામશે જંગ
આ ચેમ્પિયનશિપ 31 ઓગસ્ટ સુધી ચાલશે, જેમાં કોમનવેલ્થના 30 દેશોના કુલ 291 એથ્લિટ્સ ભાગ લઈ રહ્યા છે. સિનિયર, જુનિયર અને યુથ કેટેગરીમાં કુલ 144 મેડલ્સ માટે આ ખેલાડીઓ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળશે.

ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના રમતગમત મંત્રી હર્ષ સંઘવી, રાજ્યસભા સાંસદ નરહરિ અમીન અને બાબુભાઈ દેસાઈ, ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશનના પ્રેસિડેન્ટ સહદેવ યાદવ સહિત રમતગમત જગતની અનેક મોટી હસ્તીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ખેલાડીઓ હાજર રહ્યા હતા.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!