કુમાર સાનુ થયા એક્સ-વાઈફ પર લાલચોળ, માનહાનિનો કેસ કરી માગ્યા 30 લાખ, જાણો શું છે આખો વિવાદ

જાણીતા સિંગર કુમાર સાનુએ પોતાની પૂર્વ પત્ની રીટા ભટ્ટાચાર્યા સામે માનહાનિનો કેસ ઠોક્યો છે. વળતર રૂપે 30 લાખની માંગ સાથે જાણો શું છે આખો મામલો અને કેમ વર્ષો બાદ આ વિવાદ ઉભો થયો.

મુંબઈ, શુક્રવાર
90ના દાયકાના દિગ્ગજ ગાયક કુમાર સાનુ હાલમાં તેમના અંગત જીવનને લઈને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. કુમાર સાનુએ તેમની પૂર્વ પત્ની (Ex-Wife) રીટા ભટ્ટાચાર્યા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. એટલું જ નહીં, તેમણે પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવા બદલ વળતર તરીકે 30 લાખ રૂપિયાની માંગ પણ કરી છે.

શું છે સમગ્ર વિવાદ?
આ સમગ્ર મામલો ત્યારે શરૂ થયો જ્યારે રીટા ભટ્ટાચાર્યાએ કેટલાક એન્ટરટેઈનમેન્ટ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યુમાં કુમાર સાનુ પર ગંભીર આરોપો લગાવ્યા. રીટાના દાવા મુજબ, જ્યારે તે ગર્ભવતી હતી ત્યારે કુમાર સાનુએ તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું.

રીટા ભટ્ટાચાર્યાના આરોપો:
* તેમણે આરોપ લગાવ્યો કે પ્રેગ્નન્સી દરમિયાન કુમાર સાનુ તેને ભૂખી રાખતા હતા.
* એટલું જ નહીં, તેને રસોડામાં બંધ કરી દેવામાં આવતી હતી.
* રીટાએ એવો પણ દાવો કર્યો કે તેને દૂધ જેવી સામાન્ય વસ્તુઓ અને જુરૂરી મેડિકલ સારવાર પણ આપવામાં આવી ન હતી.
* તેમણે ઉમેર્યું કે લગ્નજીવન દરમિયાન કુમાર સાનુના અન્ય મહિલાઓ સાથે પણ સંબંધો હતા.

અરજીમાં કુમાર સાનુએ શું કહ્યું?
રીટાના આ આરોપો બાદ કુમાર સાનુએ કાયદાકીય પગલાં લીધા છે. તેમની માનહાનીની અરજીમાં કહેવામાં આવ્યું છે કે રીટાના આ નિવેદનો તદ્દન ખોટા અને બદનામ કરવાના ઈરાદાથી આપવામાં આવ્યા છે.

આ ખોટા આરોપોને કારણે કુમાર સાનુની છબીને સમાજ અને પ્રોફેશનલ સર્કલમાં મોટું નુકસાન થયું છે.
આ બાબતથી તેમને ગંભીર માનસિક તણાવનો સામનો કરવો પડ્યો છે.
અરજીમાં એ ઈન્ટરવ્યુને તાત્કાલિક હટાવવાની માંગ કરવામાં આવી છે જેમાં આ આરોપો લગાવવામાં આવ્યા છે.

આ કેસમાં છે ‘બિગ બોસ’ કનેક્શન
આ કેસનું એક રસપ્રદ ‘બિગ બોસ’ કનેક્શન પણ છે. કુમાર સાનુ વતી આ કેસ તેમની વકીલ સના રઈસ ખાન લડી રહી છે, જે પોતે ‘બિગ બોસ 17’ની સ્પર્ધક રહી ચુકી છે. ઉલ્લેખનીય છે કે કુમાર સાનુ અને રીટાનો દીકરો, જાન કુમાર સાનુ, પણ ‘બિગ બોસ 14’માં સ્પર્ધક તરીકે જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે કુમાર સાનુ અને રીટા ભટ્ટાચાર્યાના છૂટાછેડા વર્ષ 2001માં થયા હતા. છૂટાછેડાના આટલા વર્ષો બાદ આ વિવાદે ફરી માથું ઊંચક્યું છે, જેના કારણે બોલિવૂડ જગતમાં ગપસપનો માહોલ ગરમાયો છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!