આ દુર્ઘટનામાં અગ્નિવીર લલિત કુમાર શહીદ થયા છે. જ્યારે JCO હરિ રામ અને હવલદાર ગજેન્દ્ર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા છે.

પૂંછ-જમ્મુ-કાશ્મીર, શુક્રવાર
જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા નજીક આજે, 25 જુલાઈએ થયેલા એક લેન્ડમાઇન વિસ્ફોટમાં ભારતીય સેનાના એક અગ્નિવીર જવાન શહીદ થયા છે. આ ઘટનામાં એક જુનિયર કમિશન્ડ ઓફિસરઅને અન્ય એક જવાન પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઘટનાની વિગતો
મળતી માહિતી મુજબ, પૂંછના સલોત્રી ગામમાં આવેલી વિક્ટર પોસ્ટ પાસે બપોરે લગભગ 12:00 કલાકે આ ધમાકો થયો હતો. ઘૂસણખોરી રોકવા માટે જમીનની અંદર બિછાવવામાં આવેલી લેન્ડમાઇન્સ પૈકી એક M-16 માઇન અચાનક વિસ્ફોટ થઈ હતી. તે સમયે, ભારતીય સેનાની 7મી રેજિમેન્ટના જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
શહીદ અને ઘાયલો
આ દુર્ઘટનામાં અગ્નિવીર લલિત કુમાર શહીદ થયા છે. જ્યારે JCO હરિ રામ અને હવલદાર ગજેન્દ્ર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ સેનાની ટીમો તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી. ઘાયલોને તાત્કાલિક એરલિફ્ટ કરીને ઉધમપુરની લશ્કરી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
તપાસ શરૂ
સેનાના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને આ વિસ્ફોટના કારણોની તપાસ શરૂ કરી દીધી છે. સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે ભારતીય સેના નિયમિતપણે સુરક્ષા પ્રોટોકોલ્સ હેઠળ મહત્વના વિસ્તારોમાં પેટ્રોલિંગ કરે છે અને લેન્ડમાઇન્સ બિછાવે છે.











