ગાંધીનગરમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) નાઈટ પેટ્રોલિંગ દરમિયાન બે મોટી કાર્યવાહી કરી. સાંતેજ અને માણસા વિસ્તારમાંથી મોંઘીદાટ ગાડીઓમાં છુપાવેલો કુલ 29.42 લાખનો વિદેશી દારૂ અને વાહનો જપ્ત કરાયા. જાણો કેવી રીતે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને એક બુટલેગરને ઝડપી પાડ્યો.

ગાંધીનગર, સોમવાર
ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે જિલ્લામાં થતી મોંઘીદાટ ગાડીઓ મારફતે દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે સાંતેજ અને માણસા પોલીસ સ્ટેશનની હદમાં રાત્રિ પેટ્રોલિંગ દરમિયાન બે અલગ-અલગ દરોડા પાડીને કુલ 29.42 લાખ રૂપિયાનો વિદેશી દારૂ અને વાહનો જપ્ત કર્યા છે. આ કાર્યવાહીમાં એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજો નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
સાંતેજ: ફોર્ચ્યુનરમાં દારૂ, ડ્રાઈવર ફરાર
LCBની એક ટીમને બાતમી મળી હતી કે એક સફેદ કલરની ફોર્ચ્યુનર ગાડીમાં વિદેશી દારૂનો મોટો જથ્થો મહેસાણાથી થોળ થઈને અમદાવાદ તરફ ઘૂસાડવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે ડાભલા ચોકડી પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી.
બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો, પરંતુ ડ્રાઈવરે ગાડી રોકવાને બદલે યુ-ટર્ન લઈને ભાગવાનો પ્રયાસ કર્યો. પોલીસે તરત જ ફિલ્મી ઢબે પીછો શરૂ કર્યો. નાસ્મેદ ગામના પાટિયા નજીક ડ્રાઈવરે ગાડી ડિવાઈડર કૂદાવવાનો પ્રયાસ કરતાં ગાડીના આગળના ટાયર પંક્ચર થઈ ગયા.
આ તકનો લાભ લઈને ડ્રાઈવર ગાડી ચાવી સાથે ખુલ્લી મૂકીને ઝાડીઓમાં નાસી છૂટ્યો હતો. પોલીસે ફોર્ચ્યુનર ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 2256 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ. 6.78 લાખ છે. પોલીસે રૂ. 15 લાખની ફોર્ચ્યુનર ગાડી સહિત કુલ રૂ. 21.78 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને ફરાર ડ્રાઈવરને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
માણસા: બુટલેગર દારૂ સાથે ઝડપાયો
બીજી તરફ, LCBની અન્ય એક ટીમે માણસા પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ઇશ્વરપુરા પાટિયા પાસે નાકાબંધી કરી હતી. અહીં પણ બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો, પણ ચાલક ગાડી ભગાડીને અંબોડ ત્રણ રસ્તા તરફ નાસી છૂટ્યો.
પોલીસે પીછો કરીને આખરે પ્રતાપનગર ગામ નજીક ગાડી મૂકીને ભાગી રહેલા ડ્રાઈવર, હસમુખભાઈ માવજીભાઈ બોડાતને ઝડપી પાડ્યો. ગાડીની તલાશી લેતા અંદરથી દારૂ-બિયરનો કુલ 588 નંગ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી હસમુખભાઈ બોડાતની કુલ રૂ. 7.64 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.











