ગાંધીનગરની અનુશ્રી આઉટસોર્સ પેઢીમાં કામ કરતા કર્મચારી રોનક પટેલે નકલી નામોથી બહેન સહિત 16 લોકોના ખાતામાં 93.57 લાખનો પગાર જમા કરાવીને મોટી ઠગાઈ કરી. જાણો આખા કૌભાંડની વિગત.

ગાંધીનગર, સોમવાર
ગાંધીનગર: રાજ્યભરની સરકારી અને પ્રાઈવેટ ઓફિસોમાં આઉટસોર્સિંગથી કર્મચારીઓ પૂરા પાડતી ગાંધીનગરની એક પેઢીમાં તેના જ કર્મચારીએ મોટું કૌભાંડ આચર્યું હોવાની વિગતો સામે આવી છે. આરોપી કર્મચારીએ નકલી નામો અને ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને પોતાની બહેન સહિત 16 મળતિયાના ખાતામાં કુલ 93,57,910 (93.57 લાખથી વધુ) રૂપિયા પગાર પેટે જમા કરાવીને ઠગાઈ કરી છે.
કૌભાંડ કઈ રીતે બહાર આવ્યું?
સેક્ટર-11 સ્થિત અનુશ્રી આઉટસોર્સ પેઢીના માલિક મુકેશભાઈ મનજીભાઈ કાલાવડીયાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પેઢીમાં વર્ષ 2017થી કર્મચારીઓને પગાર ચૂકવવાનું કામ મુખ્યત્વે રોનકકુમાર ચંદુલાલ પટેલ સંભાળતો હતો. પેઢીમાં આશરે 800થી 900 આઉટસોર્સ કર્મચારીઓ હોવાથી રોનક જ દર મહિને કેટલા કર્મચારીને કેટલો પગાર ચૂકવવો તેની મૌખિક જાણ માલિકને કરતો અને તેના આધારે પગાર ચૂકવાતો હતો.
વર્ષ 2024માં રોનક પટેલે બીમારીનું કારણ ધરીને રજા લઈ લીધી. ત્યાર પછી તેનું કામ અન્ય સુપરવાઇઝર રાજેન્દ્ર ગોસ્વામી અને આશિષ વોરાને સોંપવામાં આવ્યું. તેમણે જ્યારે વર્ષ 2023 અને 2024ના પગારની વિગતોની તપાસ કરી, ત્યારે એ વાત બહાર આવી કે પેઢીમાં નોકરી કરતા જ ન હોય તેવા લોકોના ખાતામાં પણ પગાર જમા થયો છે.
નકલી નામો, સાચા એકાઉન્ટ નંબર
માલિક મુકેશભાઈએ બેંકમાં જઈને આ શંકાસ્પદ કર્મચારીઓના એકાઉન્ટની વિગતો મેળવી. ત્યારે આખું કૌભાંડ સ્પષ્ટ થયું. શંકાસ્પદ કર્મચારીઓના નામ તો અસલ હતા, પરંતુ તેના બેંક એકાઉન્ટ નંબર રોનકકુમાર ચંદુલાલ પટેલ, તેની બહેન સ્નેહા ચંદુલાલ પટેલ, અને તેમના અન્ય મળતિયાઓના નામે હતા.
રોનક પટેલે નકલી નામોવાળી એક્સેલ શીટ બનાવી, પછી પેઢીના લેટરપેડ પર માલિક મુકેશભાઈની સહી કરાવીને બેંકને ઈ-મેઈલ કરતો હતો. એટલું જ નહીં, રોનક અન્ય લેટરપેડ પર મુકેશભાઈની ખોટી સહી અને સિક્કા કરીને બેંકમાં રજૂ કરતો હતો.
16 લોકોના ખાતામાં ગયો પગાર
પોલીસ ફરિયાદ મુજબ, વર્ષ 2022-23માં કુલ 44,27,197 અને વર્ષ 2023-24માં કુલ 44,30,213 મળીને કુલ 93,57,910 જેટલો પગાર 16 એવા લોકોના ખાતામાં જમા થયો હતો જેઓ પેઢીના કર્મચારી જ નહોતા.
મુકેશભાઈની ફરિયાદના આધારે ગાંધીનગર પોલીસે રોનક પટેલ અને તેની બહેન વિરુદ્ધ આ 93.57 લાખથી વધુની ઠગાઈનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડે આઉટસોર્સિંગ પેઢીઓમાં પગાર ચૂકવવાની સિસ્ટમ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.











