ED એ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને તેમની ગ્રુપ કંપનીઓ સામે નોંધાયેલા કરોડો રૂપિયાના કથિત બેંક લોન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસ મામલે સમન્સ પાઠવવામાં આવ્યું છે.

નવી દિલ્હી,શુક્રવાર: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીને તેમની ગ્રુપ કંપનીઓ સામે નોંધાયેલા કરોડો રૂપિયાના કથિત બેંક લોન છેતરપિંડી સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં 5 ઓગસ્ટના રોજ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. સત્તાવાર સૂત્રોએ શુક્રવારે આ માહિતી આપી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ફેડરલ તપાસ એજન્સીએ અનિલ અંબાણીને વિદેશ પ્રવાસ કરતા અટકાવવા માટે તેમની સામે લુકઆઉટ સર્ક્યુલર (LOC) પણ જારી કર્યો છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં કેસ નોંધાયો હોવાથી, અંબાણી (66) ને દિલ્હી સ્થિત ED મુખ્યાલયમાં બોલાવવામાં આવ્યા છે.
અનિલ અંબાણીનું નિવેદન નોંધવામાં આવશે
સૂત્રોના જણાવ્યા અનુસાર, એજન્સી અંબાણી હાજર થાય ત્યારે મની લોન્ડરિંગ નિવારણ કાયદા હેઠળ તેમનું નિવેદન નોંધશે. તેમની ગ્રુપ કંપનીઓના કેટલાક અધિકારીઓને પણ આગામી થોડા દિવસોમાં હાજર થવાનું કહેવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે, ફેડરલ એજન્સીએ 50 કંપનીઓના 35 પરિસર અને અનિલના વ્યવસાયિક જૂથના અધિકારીઓ સહિત 25 લોકોના પરિસરમાં દરોડા પાડ્યા હતા. 24 જુલાઈથી શરૂ થયેલા દરોડા ત્રણ દિવસ સુધી ચાલુ રહ્યા.
આ કાર્યવાહી અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (આર ઇન્ફ્રા) સહિતની અનેક ગ્રુપ કંપનીઓ દ્વારા કથિત નાણાકીય અનિયમિતતાઓ અને રૂ. 17,000 કરોડથી વધુની સામૂહિક લોનનો ઉપયોગ અન્ય કોઈ હેતુ માટે કરવા બદલ કરવામાં આવી હતી.
સેબીના અહેવાલના આધારે, એજન્સીએ શોધી કાઢ્યું કે આર ઇન્ફ્રાએ CLE નામની કંપની દ્વારા રિલાયન્સ ગ્રુપ કંપનીઓને ‘ઇન્ટર-કોર્પોરેટ ડિપોઝિટ’ (ICD) તરીકે ભંડોળ ‘ટ્રાન્સફર’ કર્યું હતું. એવો આરોપ છે કે R ઇન્ફ્રાએ શેરધારકો અને ઓડિટ પેનલની મંજૂરી ટાળવા માટે CLE ને તેના “સંબંધિત પક્ષ” તરીકે જાહેર કર્યું ન હતું.
રિલાયન્સ ગ્રુપના પ્રવક્તાએ શું કહ્યુ
રિલાયન્સ ગ્રુપના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રૂ. 10,000 કરોડની રકમ અજાણ્યા પાર્ટીને ટ્રાન્સફર કરવાનો આરોપ 10 વર્ષ જૂનો કેસ છે. પ્રવક્તાએ કહ્યું કે કંપનીએ તેના નાણાકીય નિવેદનોમાં જણાવ્યું હતું કે તેના બાકી લેણાં ફક્ત રૂ. 6,500 કરોડ હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર (આર ઇન્ફ્રા) એ લગભગ છ મહિના પહેલા, 9 ફેબ્રુઆરી, 2025 ના રોજ જાહેરમાં આ બાબતનો ખુલાસો કર્યો હતો.











