ગુજરાતમાં વરસાદની ફરી એન્ટ્રી! હવામાન વિભાગે આજે 13 સપ્ટેમ્બર માટે વરસાદની નવી આગાહી જાહેર કરી છે. જાણો તમારા શહેરમાં વરસાદ પડવાની શક્યતા કેટલી છે. વાંચો સંપૂર્ણ વેધર અપડેટ.

અમદાવાદ, શનિવાર
રાજ્યમાં થોડા દિવસના બ્રેક બાદ ફરી એકવાર વરસાદી માહોલ એક્ટિવ થયો છે. કચ્છમાં ધમાકેદાર બેટિંગ કર્યા પછી હવે વરસાદે પોતાનો રૂખ દક્ષિણ ગુજરાત તરફ કર્યો છે. જોકે, હવામાન વિભાગ અનુસાર, હાલ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી, પરંતુ મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે. ચાલો જાણીએ કે આજે, 13 સપ્ટેમ્બર, શનિવારના રોજ તમારા વિસ્તારમાં હવામાન કેવું રહેશે.
આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે?
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.
ઉત્તર અને મધ્ય ગુજરાત: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાત: પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ: રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે.
અમદાવાદમાં કેવું રહેશે હવામાન?
જો અમદાવાદ શહેરની વાત કરીએ, તો આજે અહીં વરસાદ પડવાના ચાન્સ લગભગ નહિવત્ છે. હવામાનની માહિતી આપતી વેબસાઈટ મુજબ, શહેરમાં આજે આકાશમાં 38% જેટલા વાદળો છવાયેલા રહી શકે છે. પવનની ગતિ સામાન્ય રીતે 11 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે. આમ, અમદાવાદવાસીઓને આજે ગરમી અને બફારામાંથી મોટી રાહત મળવાની શક્યતા ઓછી છે.











