મહેસાણામાં ચાંદીપુરા વાયરસનો કહેર: 4 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન મોત

મહેસાણાના દેલવાડા ગામની 4 વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાયરસથી મોત થતાં આરોગ્ય વિભાગ દ્વારા 250થી વધુ ઘરોમાં ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરાયો. 

મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધતા કેસો વચ્ચે અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. બહુચરાજી તાલુકાના દેલવાડા (ખાંટ) ગામની 4 વર્ષીય બાળકી દ્વારિકા ગોસાઈનું ચાંદીપુરા વાયરસથી વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 28 જુલાઈની રાત્રે કરૂણ અવસાન થયું છે. જિલ્લામાં ચાંદીપુરાના કારણે નોંધાયેલું આ બીજું મોત હોવાથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં આ વાયરસથી અત્યાર સુધીમાં 14 બાળકોના મોત નીપજ્યા છે.

તાવ અને ઊલટીના લક્ષણો બાદ સ્થિતિ ગંભીર બની
ગત 26 જુલાઈના રોજ બાળકીને અચાનક સખત તાવ અને ઊલટીઓ થતાં જ મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શંકાસ્પદ લક્ષણો જણાતાં સેમ્પલ ગાંધીનગર લેબમાં મોકલાયા હતા, જ્યાં સોમવારે ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ વધુ સઘન સારવાર માટે તેને વડનગર સિવિલ ખસેડાઈ હતી. તબીબોના જણાવ્યા મુજબ બાળકીનું બ્લડ પ્રેશર અને ધબકારા ખૂબ વધી ગયા હતા અને શરીરમાં લોહીનું ભ્રમણ અટકી જતાં અંતે તેણે દમ તોડ્યો હતો.

દેલવાડા ગામના 250થી વધુ ઘરોમાં આરોગ્ય સર્વે
બાળકીના મોત બાદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કૌશિક ગજ્જરની આગેવાની હેઠળ આરોગ્ય વિભાગની ટીમો હરકતમાં આવી ગઈ છે. વાયરસનો ફેલાવો રોકવા માટે દેલવાડા ગામના 250થી વધુ ઘરોમાં ડોર-ટુ-ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આ સાથે જ સમગ્ર ગામમાં જંતુનાશક દવાઓનો છંટકાવ, દીવાલો પર સ્પ્રિંકલિંગ અને ઇન્સેક્ટિસાઇડ સોઇંગ સહિતની સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે.

સરપંચની ગ્રામજનોને સતર્ક રહેવા અપીલ
આ ઘટનાને પગલે ગામના સરપંચ ગોવિંદસિંહ સોલંકીએ તમામ ગ્રામજનોને સાવચેત રહેવા વિનંતી કરી છે. જો કોઈ પણ બાળકમાં તાવ, ઊલટી, ચક્કર કે બેભાન થવા જેવાં લક્ષણો જણાય તો સહેજ પણ વિલંબ કર્યા વગર તુરંત નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે, જેથી સમયસર તબીબી સારવાર પૂરી પાડીને બાળકનો જીવ બચાવી શકાય.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!