અફઘાનિસ્તાનમાં વિદેશી સૈન્ય માળખાની તૈનાતીના પ્રયાસો સામે રશિયા, ચીન અને અન્ય સાત દેશોએ ઉઠાવેલા વિરોધને મંગળવારે ભારતનું સમર્થન મળ્યું છે.

અફઘાનિસ્તાનમાં વિદેશી સૈન્ય માળખાની તૈનાતીના પ્રયાસો સામે રશિયા, ચીન અને અન્ય સાત દેશોએ ઉઠાવેલા વિરોધને મંગળવારે ભારતનું સમર્થન મળ્યું છે. આ વિરોધ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાલિબાન શાસન પર વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ બગ્રામ એરબેઝ અમેરિકાને સોંપવા માટે દબાણ કર્યાની પૃષ્ઠભૂમિમાં કરવામાં આવ્યો છે.
‘મોસ્કો ફોર્મેટ’ વાર્તાના નવા સંસ્કરણમાં, આ દેશોના જૂથે અફઘાનિસ્તાનમાં સમૃદ્ધિ અને વિકાસ લાવવાના મુદ્દાઓ પર વ્યાપક વિચાર-વિમર્શ કર્યો હતો. આ દેશોએ સ્પષ્ટ કર્યું કે અફઘાનિસ્તાન અને પડોશી દેશોમાં લશ્કરી માળખું તૈનાત કરવાના કેટલાક દેશોના પ્રયાસો ‘અસ્વીકાર્ય’ છે, કારણ કે તે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતાના હિતોને પૂર્ણ કરતા નથી.
વાર્તામાં ભાગ લેનારા દેશોએ દ્વિપક્ષીય અને બહુપક્ષીય સ્તરે આતંકવાદ વિરોધી સહયોગ મજબૂત કરવાની હાકલ કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, કાબુલની ધરતીનો ઉપયોગ પડોશી દેશો માટે ખતરા તરીકે ન થાય તે સુનિશ્ચિત કરવા માટે અફઘાનિસ્તાનને આતંકવાદને જડમૂળથી નાબૂદ કરવામાં મદદ કરવી જોઈએ. ભારતીય દૂતાવાસે પુનરોચ્ચાર કર્યો કે સુરક્ષિત, શાંતિપૂર્ણ અને સ્થિર અફઘાનિસ્તાન તેના લોકોના હિતો અને વૈશ્વિક સુરક્ષા માટે આવશ્યક છે. આ વાર્તામાં તાલિબાનના વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ પણ પ્રથમવાર ભાગ લીધો હતો.











