મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના: 4 અધિકારીઓ સસ્પેન્ડ, CM ભૂપેન્દ્ર પટેલના કડક પગલાં

મુખ્યમંત્રીએ નિષ્ણાતોની એક ટીમને દુર્ઘટનાગ્રસ્ત મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી રિપેરિંગ, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો વિગતવાર અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી.

વડોદરા, શુક્રવાર
વડોદરા-આણંદને જોડતા મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક વલણ અપનાવ્યું છે. પ્રાથમિક તપાસના આધારે, માર્ગ અને મકાન વિભાગના 4 અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઘટના બાદ રાજ્યના અન્ય પુલોની સલામતી અંગે પણ સઘન તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ઘટનાક્રમ અને CMનું અવલોકન
ગઈકાલે આ દુર્ઘટના થયાની જાણ થતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ગ-મકાન વિભાગ અને સંબંધિત જિલ્લા કલેક્ટરો સાથે સતત સંપર્કમાં રહીને બચાવ અને રાહત કામગીરીનું સતત મોનિટરિંગ કર્યું હતું. તેમણે ઘટનાક્રમની વિસ્તૃત અને ઝીણવટપૂર્વકની ઉચ્ચસ્તરીય તપાસ માટેના દિશાનિર્દેશો આપ્યા હતા.

નિષ્ણાતોની ટીમની તપાસ
મુખ્યમંત્રીએ નિષ્ણાતોની એક ટીમને દુર્ઘટનાગ્રસ્ત મુજપુર-ગંભીરા પુલની અત્યાર સુધીના સમગ્ર સમયગાળા દરમિયાન થયેલી રિપેરિંગ, ઇન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોનો વિગતવાર અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપી હતી. આ ટીમે દુર્ઘટના સ્થળની રૂબરૂ મુલાકાત લીધા બાદ પ્રાથમિક તપાસ અવલોકનો રજૂ કર્યા.

જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી
નિષ્ણાતોની ટીમના પ્રાથમિક તપાસ અવલોકનોના આધારે, આ દુર્ઘટના માટે જવાબદાર જણાયેલા નીચે મુજબના અધિકારીઓને તાત્કાલિક અસરથી ફરજમોકૂફ (સસ્પેન્ડ) કરવાનો નિર્ણય કર્યો છે.

* એન. એમ. નાયકાવાલા, કાર્યપાલક ઇજનેર (Executive Engineer)

* યુ.સી. પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર (Deputy Executive Engineer)

* આર.ટી. પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર (Deputy Executive Engineer)

* જે.વી. શાહ, મદદનીશ ઇજનેર (Assistant Engineer)

રાજ્યના અન્ય પુલોની સલામતીની ચકાસણી
આ ઘટના બાદ, રાજ્યના અન્ય પુલોની સલામતીને ધ્યાનમાં રાખીને જાહેરહિતમાં તેની તાત્કાલિક ધોરણે સઘન ચકાસણી કરી લેવાની પણ સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી છે. આ પગલું ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે લેવામાં આવ્યું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!