નવરંગપુરામાં વીડિયો વાયરલ બાદ પોલીસ એક્શનમાં! ખુલ્લેઆમ દારૂ વેચાણથી સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ

વીડિયો વાયરલ થયા બાદ જ ગુનો નોંધાયો, ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા : પોલીસ સ્ટેશનથી થોડે જ અંતરે દારૂ વેચાણ છતાં પેટ્રોલિંગ અને જવાબદારી પર ઉઠ્યા ગંભીર સવાલ 

અમદાવાદ, તા. ૧૪ : અમદાવાદના પોશ વિસ્તાર નવરંગપુરામાં જાહેરમાં રીક્ષામાં બેસીને દારૂ વેચવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સ્થાનિક પોલીસની કામગીરી ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. વીડિયો સામે આવ્યા બાદ નવરંગપુરા પોલીસે આરોપી બુટલેગર પ્રતાપભાઈ ગોપાલભાઈ સોનીને ઝડપી પાડી માત્ર ચાર દારૂની બોટલ સાથે ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલાને ગંભીરતાથી લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ તપાસના આદેશ આપ્યા છે.

ઘટના લિબર્ટી ચાર રસ્તા નજીકની છે, જ્યાં આરોપી જાહેરમાં દારૂનું વેચાણ કરતો જોવા મળ્યો હતો. સૌથી મહત્વની વાત એ છે કે આ સ્થળની આસપાસ જાણીતી કોલેજો અને વિદ્યાર્થીઓની હોસ્ટેલો આવેલી છે, છતાં સ્થાનિક પોલીસને આ પ્રવૃત્તિની જાણ કેમ ન થઈ તે સવાલો ઉભા કરી રહ્યું છે.

પોલીસ સ્ટેશનથી માત્ર 700થી 800 મીટરના અંતરે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવા છતાં પેટ્રોલિંગના દાવાઓ સામે પણ પ્રશ્નાર્થ ઊભો થયો છે. વીડિયો વાયરલ થયા પછી જ કાર્યવાહી કેમ કરવામાં આવી? શું આ માત્ર બેદરકારી હતી કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે? આવા અનેક સવાલો હવે લોકો પૂછી રહ્યા છે.

ઉચ્ચ અધિકારીઓના ધ્યાન પર મામલો પહોંચ્યા બાદ પોલીસે આરોપીને રિક્ષા અને દારૂના જથ્થા સાથે ઝડપી લીધો. જોકે, સ્થાનિક પોલીસના જવાબદાર કર્મચારીઓ સામે કોઈ દાખલારૂપ કાર્યવાહી ન થતા પણ ચર્ચા શરૂ થઈ છે.

હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર સ્થાનિક પોલીસની સતર્કતા, પેટ્રોલિંગ અને કાયદાના અમલ અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે. હવે તપાસમાં શું બહાર આવે છે અને જવાબદારી કોની નક્કી થાય છે, તેના પર સૌની નજર રહેશે.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!