અમદાવાદ ગીતામંદિર પાસે ત્રણ યુવકે પોતાના જ મિત્રની કરી કરપીણ હત્યા,આરોપી પોલીસના સંકજામાં

અમદાવાદ ગીતામંદિર પાસે પઠાણની ચાલીમાં ત્રણ શખસે તેમના મિત્ર કેતન ગોહેલની ગળું કાપીને હત્યા કરી નાખતાં ચકચાર મચી ગઇ હતી

અમદાવાદ,બુધવાર:  શહેરમાં ગુનાખોરી અને હત્યાનો સિલસિલો યથાવત્ હોય એવું લાગી રહ્યું છે. ગીતામંદિર પાસે પઠાણની ચાલીમાં ત્રણ શખસે તેમના મિત્ર કેતન ગોહેલની ગળું કાપીને હત્યા કરી નાખતાં ચકચાર મચી ગઇ હતી. જૂની અદાવતમાં સમાધાન માટે બોલાવીને મિત્રના ગળા પર અસ્ત્રો મારી દીધો હતો. આ ઘટનાને અંજામ આપ્યા બાદ ત્રણેય આરોપી ફરાર થઈ ગયા હતા, જોકે કાગડાપીઠ પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણેયને ઝડપી લીધા હતા.

ગીતામંદિર વિસ્તારમાં આવેલા વાસુદેવ ધનજીની ચાલીમાં રહેતા ધર્મેન્દ્ર ગોહેલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં જયેશ ઉર્ફે જેકો ઝાલા, ધર્મેશ ઉર્ફે ધમો મકવાણા અને જગદીશ ઉર્ફે જગ્ગુ રાઠોડ (તમામ રહે. પઠાણની ચાલી, લાટી બજાર, ગીતામંદિર) વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી હતી. ધર્મેન્દ્ર તેની માતા, પત્ની, ભાઇ હર્ષદ અને કેતન તેમજ ભાભી અને બાળકો સાથે રહે છે. ધર્મેન્દ્રના નાના ભાઇ કેતનની કરપીણ હત્યા કરવામાં આવી હતી. કેતન તેની પત્ની ચંદ્રિકા, અઢી વર્ષનો દીકરો યશ અને આઠ વર્ષની દીકરી આયશા સાથે રહેતો હતો. તે નોકરી કરીને ઘરનું ગુજરાન ચલાવતો હતો.ધર્મેન્દ્ર ઘરે સૂતો હતો ત્યારે તેના ભાણેજ રોનકનો ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે કેતન મામાને પઠાણની ચાલી પાસે આવેલા સૌરાષ્ટ્ર ગેટની આગળ ઝઘડો થયો છે, જેમાં તેમના ગળાના ભાગે ગંભીર ઇર્જા પહોચતાં 108 એમ્બ્યુલન્સ મારફત એલ.જી. હોસ્પિટલ લઇ જઇએ છીએ. તમે જલદીથી હોસ્પિટલ આવી જાઓ. ભાઇના સમાચાર મળતાંની સાથે જ ધર્મેન્દ્ર તેનાં સગાંવહાલાંને લઇને હોસ્પિટલ પહોચી ગયો હતો, જ્યાં ડોક્ટરોએ કેતનને મૃત જાહેર કર્યો હતો. ભાઇના મોતથી ધર્મેન્દ્રના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.હોસ્પિટલમાં કેતનનો મિત્ર કેવિન હાજર હતો. તેણે ધર્મેન્દ્રને જણાવ્યું હતું કે મોડીરાતે તે બર્ગર ઘરે આપવા માટે જતો હતો ત્યારે સૌરાષ્ટ્ર ગેટની પાસે જયેશ ઉર્ફે જેકો, ધર્મેશ ઉર્ફે ધમો અને જગદીશ ઉર્ફે જગ્ગુ બબાલ કરતા હતા. કેવિન ઘરે બર્ગર આપીને બહુચર પાર્લર ખાતે આવીને બેઠો હતો ત્યારે દૂરથી તેને કેતન લોહીથી લથબથ હાલતમાં આવતો હોવાનું જોવા મળ્યું હતું. કેતનને લોહિયાળ હાલતમાં જોઇને કેવિન તરત જ ત્યાં દોડી ગયો હતો. કેતનની હાલત નાજુક હોવાથી તેને સારવાર માટે કેવિન હોસ્પિટલ લઇ ગયો હતો, જ્યાં તેનું મોત થયું હતું.સૂત્રોના જણાવ્યા મુજબ, થોડા દિવસ પહેલાં કેતન અને જગદીશ વચ્ચે સામાન્ય બોલાચાલી થઇ હતી, જેની અદાવત રાખીને તેની હત્યા કરવામાં આવી છે.

જગદીશ, કેતન, ધર્મેશ અને જયેશ સારા મિત્રો હતો, પરંતુ થોડા દિવસ પહેલાં કેતન સાથે જગદીશની બબાલ થઇ હતી. મોડીરાતે જગદીશે તેના મિત્રો સાથે મળીને કેતનના સમાધાન માટે બોલાવ્યો હતો.કેતન સમાધાન કરવા માટે પહોચ્યો ત્યારે એકાએક જગદીશ સહિતના લોકોએ કાંચીડાની જેમ રંગ બદલી નાખ્યો હતો. કેતન પર હુમલો કર્યા બાદ ધર્મેશ અને જયેશે તેનો પકડી રાખ્યો હતો જ્યારે જગદીશે તેના ગળામાં અસ્ત્રો ફેરવી દીધો હતો. જગદીશે ગળું કાપી નાખતાં તે પોતાનો જીવ બચાવવા માટે દોડયો હતો, પરંતુ એકાએક તે જમીન પર ઢળી પડ્યો હતો. કેતનને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા, જ્યાં તેનું મોત થયુ. આ ઘટનાની જાણ કાગડાપીઠ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જગદીશ, ધર્મેશ અને જયેશને ઝડપી લીધા હતા.કેતનના ગળામાં અસ્ત્રો વાગતાંની સાથે જ લોહીનો ફુવારો ઊડ્યો હતો. કેતન પોતાનો જીવ બચાવવા માટે ગળે કપડું બાંધીને ભાગવા લાગ્યો હતો, પરંતુ તે થોડા દૂર સુધી ભાગ્યા બાદ જમીન પર પડી ગયો હતો. કેવિને લોહીથી લથબથ હાલતમાં કેતનને જોયો ત્યારે તે દોડીને તેના સુધી પહોચી ગયો હતો. કેતન પોતાના છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે તે કેવિનને કંઈક કહેવા માગતો હતો, પરંતુ તેના મોઢામાંથી અવાજ પણ નીકળ્યો નહીં તેવી ચર્ચા છે.

શહેર પોલીસ કમિશ્નરને આ વિસ્તારમાં વધી રહેલ ક્રાઈમ ઘટના ગાલ પર તમાચા જેવી વાત!
અમદાવાદ શહેરમા આ વિસ્તારમાં ગુનેગારો,ગુનાખોરી અને ક્રાઈમ રેટ અટકવાનું નામ ન લેતા આ બધા પર સ્થાનિક પોલીસની પકડ ઢીલી હોય તેવી વાતો થઈ રહી છે. ત્યારે ભૂતકાળમાં આ વિસ્તારમાં ક્રાઈમ રેટ કન્ટ્રોલ ન થતા પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે આ ઘટના બાદ અમદાવાદ પોલીસ કમિશ્નર

તાજેતરના પીઆઈ સામે સસ્પેન્ડ સહિતના કઠોર પગલાં ભરશે તેવું લોકમુખે ચર્ચા છે. એટલું નહીં એક પીએસઆઇએ તેના કેટલાક ગોડ ફાધરના આશીર્વાદથી એક પોલીસ કર્મીને આ વિસ્તારમાં ગુનેગારો સાથે મિત્રતા જાળવી ગેરકાનૂની ધંધાઓ બેફામ રીતે ચલાવવા માટે પરવાનો આપ્યો છે જેને લઈ ગુનાખોરી વધી રહી હોવાની વાતો બહાર આવી છે. જો ગૃહ વિભાગ , ડીજીપી તેમજ અમદાવાદ પોલીસ કમિશ્નર પીઆઈ, આ પીએસઆઇ અને તેના માનીતા પોલીસ કર્મી સામે હવે યોગ્ય પગલા ભરે તો મહદઅંશે સ્થિતિ કાબુમા લાવી શકાય છે તેવી સ્થાનિક લોકો મા ચર્ચા છે .

પોલીસ કર્મીને સજા મળી છતાં વહીવટનો મોહ ન છુટયો!
ટ્રાફિકમા ફરજ બજાવતો એક પોલીસકર્મી આ વિસ્તારમાં કહેવાતા વહીવટદારની ભૂમિકામા હતો જેની એક વિવાદમા સજાના ભાગરૂપે ફરી બદલી કરવામાં આવી હતી જોકે તેને વહીવટનો મોહ છુટયો ન હોવાની ચર્ચા છે. આ પોલીસકર્મી પર એક પીએસઆઇ સહિત કેટલાક ભ્રષ્ટ ઉચ્ચ અધિકારીઓના ચાર હાથ હોવાથી તે ગાંઠતો ન હોવાની વાતો બહાર આવી છે. ત્યારે હવે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને પગલાં ભરાય તેવી શહેરીજનોમા માંગ ઉઠી છે.

 

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!