નેપાળ સરકારે યુવાઓના ભારે વિરોધ અને હિંસક પ્રદર્શનો બાદ સોશિયલ મીડિયા પર લગાવેલો પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે. આ પ્રદર્શનોમાં 20 લોકોના મોત થયા છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા છે. જાણો સમગ્ર મામલો.

નેપાળ, મંગળવાર
નેપાળમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલ વચ્ચે આખરે સરકારે પીછેહઠ કરી છે. યુવા પેઢી, જે ‘Gen Z’ તરીકે ઓળખાય છે, તેના દ્વારા કરવામાં આવેલા ઉગ્ર અને હિંસક પ્રદર્શનોને પગલે નેપાળ સરકારે ત્રણ દિવસ પહેલાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લગાવેલો પ્રતિબંધ સોમવારે પાછો ખેંચી લીધો છે. આ હિંસક પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયાં છે અને 300થી વધુ લોકો ઘાયલ થયા હોવાના ચોંકાવનારા રિપોર્ટ્સ છે.
કેબિનેટની ઇમરજન્સી બેઠકમાં લેવાયો નિર્ણય
દેશમાં કાયદો અને વ્યવસ્થાની વણસી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેબિનેટની એક ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. આ હાઈ-પ્રોફાઈલ બેઠક બાદ કોમ્યુનિકેશન મિનિસ્ટર પૃથ્વી સુબ્બા ગુરુંગે જાહેરાત કરી હતી કે ફેસબુક, એક્સ (X) અને વોટ્સએપ સહિત તમામ સોશિયલ મીડિયા સાઇટ્સ પરથી પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે અને તેને તાત્કાલિક અસરથી ફરીથી ચાલુ કરી દેવામાં આવી છે.
‘Gen Z’ ની ડિમાન્ડ સરકારે સ્વીકારી
મિનિસ્ટર ગુરુંગે મીડિયાને જણાવ્યું કે, ઇન્ફોર્મેશન મિનિસ્ટ્રીએ સંબંધિત એજન્સીઓને સોશિયલ મીડિયા સાઇટ્સને ફરીથી શરૂ કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટેના ઓર્ડર આપી દીધા છે. ઉલ્લેખનીય છે કે, રાજધાની કાઠમંડુમાં સંસદ ભવનની સામે મોટા પાયે થઈ રહેલા આ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ યુવા પેઢી કરી રહી હતી, અને તેમની મુખ્ય ડિમાન્ડ સોશિયલ મીડિયા પરથી પ્રતિબંધ હટાવવાની જ હતી.
સરકારે લગભગ ત્રણ દિવસ પહેલાં ફેસબુક અને એક્સ સહિત 26 જેટલી સોશિયલ મીડિયા સાઇટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સરકારનું કહેવું હતું કે આ કંપનીઓ નેપાળ સરકાર સાથે રજિસ્ટ્રેશન કરાવવામાં નિષ્ફળ રહી હતી, જેના કારણે આ એક્શન લેવામાં આવ્યા હતા.
મિનિસ્ટરે આંદોલન પાછું ખેંચવા કરી અપીલ
સોમવારે આ પ્રદર્શન ત્યારે હિંસક બન્યું જ્યારે કેટલાક પ્રદર્શનકારીઓ સંસદ પરિસરમાં ઘૂસી ગયા હતા. ભીડને કંટ્રોલ કરવા માટે પોલીસે વોટર કેનન, ટીયર ગેસ અને રબર બુલેટ્સનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને જોતા, સરકારે યુવા પ્રદર્શનકારીઓને પોતાનું આંદોલન પાછું ખેંચી લેવા માટે અપીલ કરી છે. સોમવાર રાતથી જ નેપાળમાં ફેસબુક, એક્સ અને વોટ્સએપ જેવી પોપ્યુલર સોશિયલ મીડિયા સાઇટ્સ ફરીથી કાર્યરત થઈ ગઈ છે.











