નેશનલ હાઇવે પર ટુ-વ્હીલર પર ટોલ ફી લાગુ કરવાના વાયરલ મેસેજ અંગે NHAIએ સત્તાવાર સ્પષ્ટતા કરી છે. જાણો આ મામલે સરકારનું શું કહેવું છે અને નિયમ શું છે.

નવી દિલ્હી, શુક્રવાર
હાલમાં સોશિયલ મીડિયા પર એવા કેટલાક અહેવાલો વાયરલ થયા હતા કે, નેશનલ હાઇવે અને એક્સપ્રેસ-વે પર ટુ-વ્હીલર પાસેથી પણ ટોલ ફીસ વસૂલવામાં આવશે. આ સમાચારને પગલે વાહનચાલકોમાં ભારે ચિંતા જોવા મળી હતી. જોકે, આ અહેવાલો પર પૂર્ણવિરામ મૂકતા ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) એ સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે આવા કોઈ અહેવાલો સાચા નથી અને દ્વિચક્રી વાહનો પાસેથી ટોલ ફીસ લેવાનો કોઈ પ્રસ્તાવ નથી.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે નિવેદન બહાર પાડ્યું
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ગુરુવારે, 21 ઓગસ્ટના રોજ એક નિવેદન જારી કરીને આ વાતની પુષ્ટિ કરી છે. મંત્રાલયે જણાવ્યું છે કે, “ટોલ પ્લાઝા પર ટુ-વ્હીલર પાસેથી ટોલ વસૂલવા સંબંધિત સોશિયલ મીડિયા પર પ્રસારિત થઈ રહેલી માહિતી તદ્દન ખોટી છે. NHAI સ્પષ્ટપણે જણાવે છે કે દેશભરના નેશનલ હાઇવે અને નેશનલ એક્સપ્રેસ-વે પર દ્વિચક્રી વાહનો પર કોઈ પણ પ્રકારની યુઝર ફીસ લેવામાં આવતી નથી.”
નિયમ શું કહે છે?
નેશનલ હાઇવે શુલ્ક નિયમ, 2008 અનુસાર, ટોલ પ્લાઝા પર યુઝર ફીસ ફક્ત ચાર અથવા તેનાથી વધુ પૈડાં ધરાવતાં વાહનો પાસેથી જ વસૂલવામાં આવે છે. આ કેટેગરીમાં કાર, જીપ, વાન, હળવા કોમર્શિયલ વાહન, બસ અને ટ્રક જેવા મોટા વાહનોનો સમાવેશ થાય છે. આ નિયમમાં ટુ-વ્હીલર પાસેથી ટોલ વસૂલવાની કોઈ જોગવાઈ નથી.
આ સ્પષ્ટતાથી લાખો ટુ-વ્હીલર ચાલકોને મોટી રાહત મળી છે અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ પર પણ પૂર્ણવિરામ મૂકાયો છે.
NHAIનો એક નવો પ્લાન
આ દરમિયાન, NHAI દ્વારા એક અન્ય મહત્ત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી છે. NHAIએ જણાવ્યું કે, તેમણે 14 ઓગસ્ટ બાદ ફક્ત 4 દિવસમાં 5 લાખથી વધુ FASTag આધારિત વાર્ષિક ટોલ પરમિટ્સ વેચી છે. આ પરમિટ્સના વેચાણથી લગભગ 150 કરોડ રૂપિયાની આવક થઈ છે. આ સિસ્ટમમાં તમિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં સૌથી વધુ ટ્રાન્ઝેક્શન્સ થયા છે. આ વાર્ષિક પાસની કિંમત 3000 છે, જેનાથી ખાનગી વાહનચાલકો નેશનલ હાઇવે અને એક્સપ્રેસ-વે પર વારંવાર ટોલ ભરવામાંથી મુક્તિ મેળવી શકે છે.











